ઝખાર્યા 8 - પવિત્ર બાઇબલ C.L.યરુશાલેમની સંસ્થાપનાનું વચન 1 સર્વસમર્થ પ્રભુએ ઝખાર્યાને આ સંદેશ આપ્યો: 2 “યરુશાલેમના લોકો પરનો મારો અત્યંત પ્રેમ, જે પ્રેમે મને તેના શત્રુઓ પર કોપાયમાન બનાવ્યો છે તેને લીધે હું તેને મદદ કરવા ઝંખું છું. 3 મારા પવિત્ર શહેર યરુશાલેમમાં હું પાછો ફરીશ અને ત્યાં જ વસીશ. તે તો વિશ્વાસુ નગર તરીકે ગણાશે અને સર્વસમર્થ પ્રભુનો પર્વત, પવિત્ર પર્વત કહેવાશે. 4 લાકડીને ટેકે ચાલનારા વયોવૃદ્ધ સ્ત્રીપુરુષો ફરીથી નગરના ચોકમાં બેસશે. 5 અને શેરીઓ ફરીવાર રમતાં-કૂદતાં છોકરાંથી ઊભરાશે. 6 “દેશના બાકી રહેલા લોકો માટે તો એ અશક્ય લાગે પણ મારે માટે એ અશક્ય નથી. 7 મારા લોકોને જે જે દેશોમાં લઈ જવામાં આવ્યા છે ત્યાંથી હું તેમને છોડાવી લાવીશ. 8 હું તેમને પૂર્વથી અને પશ્ર્વિમથી પાછા લાવીને યરુશાલેમમાં વસાવીશ. તેઓ મારા લોક થશે અને હું તેમનો ઈશ્વર થઈશ અને તેમના પર વિશ્વાસુપણે અને ન્યાયપૂર્વક રાજ કરીશ. 9 “હિંમતવાન થાઓ! મારા મંદિરને ફરી બાંધવા માટે પાયો નાખવામાં આવ્યો ત્યારે સંદેશવાહકો જે શબ્દો બોલ્યા હતા તે જ શબ્દો તમે અત્યારે સાંભળો છો. 10 તે વખતે તો માણસ કે પશુને ક્મ માટે ભાડે રાખવાની કોઈની તાક્ત નહોતી કે પોતાના શત્રુઓથી કોઈ સલામત નહોતું. મેં લોકોને એકબીજાની વિરુદ્ધ કરી દીધા હતા. 11 પણ હવે તો દેશના બચી ગયેલા લોકો પ્રત્યેનું મારું વર્તન અલગ પ્રકારનું છે. 12 તેઓ શાંતિમાં પાકની વાવણી કરશે. તેમના દ્રાક્ષવેલાને દ્રાક્ષો થશે. ધરતીમાંથી અનાજ પાકશે અને વરસાદ પણ પુષ્કળ પડશે; બચી ગયેલા લોકોને હું આ બધા આશીર્વાદો આપીશ. 13 હે યહૂદિયા અને ઇઝરાયલના લોકો, ભૂતકાળમાં વિદેશીઓ એકબીજાને આ રીતે શાપ આપતા, ‘યહૂદિયા અને ઇઝરાયલ પર ઊતરી એવી જ આફત તારા પર ઊતરો!’ પણ હું તમને બચાવી લઈશ, અને ત્યારે વિદેશીઓ એકબીજાને કહેશે, ‘તારા પર યહૂદિયા અને ઇઝરાયલના જેવી આશિષ ઊતરો!’ તેથી હિંમત પકડો, અને ગભરાઓ નહિ.” 14 સર્વસમર્થ પ્રભુ કહે છે, “તમારા પૂર્વજો મને કોપાયમાન કરતા ત્યારે હું તેમના પર જે આપત્તિ લાવવાનું વિચારતો તે વિષે મારું મન બદલતો નહિ, 15 પણ એ આપત્તિ લાવતો. પણ હવે તો યરુશાલેમ અને યહૂદિયાના લોકોને આશિષ આપવાની મારી યોજના છે. તેથી ગભરાશો નહિ. 16 તમારે આ બાબતો કરવાની છે: એકબીજા સાથે સત્ય બોલો. નગરપંચમાં શાંતિજન્ય અદલ ન્યાય આપો. 17 એકબીજાને નુક્સાન પહોંચાડવાની યોજના ઘડશો નહિ. સોગંદ ખાઈને જૂઠી સાક્ષી પૂરશો નહિ. જૂઠ, અન્યાય અને હિંસાને હું ધિક્કારું છું.” 18 સર્વસમર્થ પ્રભુએ ઝખાર્યાને આ સંદેશ આપ્યો: 19 “ચોથા, પાંચમા, સાતમા અને દસમા મહિનાઓમાં કરવામાં આવતા ઉપવાસો યહૂદિયાના લોકો માટે આનંદ અને ઉલ્લાસનાં પર્વો બની રહેશે. શાંતિ અને સત્ય પર પ્રેમ કરો.” 20 સર્વસમર્થ પ્રભુ કહે છે, “એવો સમય આવે છે જ્યારે ઘણા નગરોમાંથી લોકો યરુશાલેમ આવશે. 21 એક નગરના માણસો બીજા નગરના માણસોને કહેશે, ‘અમે તો સર્વસમર્થ પ્રભુનું ભજન કરવા અને આશિષ માટે તેમને પ્રાર્થના કરવા જઈએ છીએ. અમારી સાથે ચાલો!’ 22 ઘણી પ્રજાઓ અને મહાસત્તાઓ સર્વસમર્થ પ્રભુનું ભજન કરવા અને આશિષ માટે તેમની પ્રાર્થના કરવા યરુશાલેમ આવશે. 23 એ દિવસોમાં દસ વિદેશીઓ એક યહૂદી પાસે આવીને તેના ઝભ્ભાની કોરને પકડીને કહેશે, ‘અમે તારા ભાવિમાં ભાગીદાર થવા માગીએ છીએ. કારણ, અમે સાંભળ્યું છે કે પ્રભુ તમારી સાથે છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide