Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ઝખાર્યા 7 - પવિત્ર બાઇબલ C.L.


પ્રભુ ઢોંગી ઉપવાસને ધિક્કારે છે

1 સમ્રાટ દાર્યાવેશના ચોથા વર્ષમાં, નવમા એટલે કિસ્લેવ માસના ચોથા દિવસે પ્રભુએ મને સંદેશ આપ્યો.

2 બેથેલના લોકોએ શારેસર, રેગેમ-મેલેખ અને તેમના માણસોને પ્રભુની આશિષ માટે પ્રાર્થના કરવા માટે પ્રભુના મંદિરમાં મોકલ્યા.

3 તેમણે યજ્ઞકારો અને સંદેશવાહકોને આ પ્રશ્ર્ન પણ પૂછવાનો હતો. “અમે ઘણાં વર્ષોથી આ પાંચમા માસમાં મંદિરના નાશ નિમિત્તે ઉપવાસ સહિત શોક કરતા આવ્યા છીએ; અમે તે ચાલુ રાખીએ?”


પ્રભુ તરફથી મને આ સંદેશ મળ્યો.

4-5 તેમણે કહ્યું, “દેશના લોકોને અને યજ્ઞકારોને જણાવ કે આ સિત્તેર વર્ષો સુધી પાંચમા અને સાતમા માસમાં તમે ઉપવાસ સહિત કરેલો શોક મારા માનાર્થે નહોતો.

6 વળી, તેમણે ખાધું પીધું તો તે તેમની તૃપ્તિ માટે કર્યું હતું.”

7 યરુશાલેમ સમૃદ્ધ અને વસ્તીવાળું હતું અને જ્યારે માત્ર આજુબાજુનાં પરાંમાં જ નહિ, પણ શહેરના દક્ષિણ ભાગમાં અને પશ્ર્વિમની તળેટીઓમાં ઘણા લોકો વસતા હતા ત્યારે તે વખતના સંદેશવાહકો દ્વારા પણ પ્રભુએ એ જ કહ્યું હતું.


આજ્ઞાભંગને કારણે દેશનિકાલ

8 પ્રભુએ ઝખાર્યાને આ સંદેશો આપ્યો:

9 “વર્ષો પૂર્વે મેં મારા લોકોને આવી આજ્ઞાઓ આપી હતી: ‘બરાબર ન્યાય થાય તેની ચોક્સાઈ રાખો. એકબીજા પ્રત્યે મમતા અને દયા દાખવો.

10 વિધવાઓ, અનાથો, તમારી મધ્યે વસતા પરદેશીઓ અથવા તંગીમાં હોય એવા કોઈના ઉપર જુલમ ન ગુજારો. એકબીજાને નુક્સાન કરવાની પેરવી ન કરો.’

11 “પણ મારા લોકોએ અકડાઈ કરી સાંભળ્યું નહિ. તેમણે તેમનાં મન બંધ કરી દીધાં.

12 અને તેમનાં હૃદયો ખડક જેવાં કઠણ કર્યાં. પ્રાચીન સંદેશવાહકો દ્વારા અપાયેલ મારા શિક્ષણ પર તેમણે લક્ષ ન આપ્યું તેથી હું તેમના પર ખૂબ રોષે ભરાયો.

13 તેમણે મારી વાણી સાંભળી નહિ, તેથી મેં પણ તેમની પ્રાર્થના સાંભળી નહિ.

14 એક ઝંઝાવાતની જેમ મેં તેમને વિદેશોમાં વસવા મોકલી દીધા અને આ ફળદ્રુપ દેશ ઉજ્જડ અને નિર્જન પડયો રહ્યો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan