ઝખાર્યા 3 - પવિત્ર બાઇબલ C.L.પ્રમુખ યજ્ઞકાર વિષે સંદર્શન 1 ત્યાર પછી એક બીજા સંદર્શનમાં પ્રભુએ મને પ્રભુના દૂત સમક્ષ પ્રમુખ યજ્ઞકાર યહોશુઆને ઊભો રહેલો દેખાડયો અને ત્યાં યહોશુઆની પાસે તેના પર દોષ મૂકવા માટે શેતાન ઊભો હતો. 2 પ્રભુના દૂતે શેતાનને કહ્યું, “હે શેતાન, પ્રભુ તને ઠપકો આપો. યરુશાલેમને ચાહનાર પ્રભુ તને ધમકાવો. આ માણસ તો અગ્નિમાંથી ખેંચી કાઢેલા ખોયણા જેવો છે.” યહોશુઆ ગંદાં વસ્ત્રો પહેરીને ઊભો હતો. 3-4 દૂતે પોતાના સ્વર્ગીય સેવકોને કહ્યું, “આ માણસે પહેરેલાં ગંદાં વસ્ત્ર ઉતારી લો.” પછી તેણે યહોશુઆને કહ્યું, “મેં તારું પાપ દૂર કર્યું છે અને હું તને પહેરવા માટે નવાં વસ્ત્ર આપીશ.” 5 તેણે સેવકોને યહોશુઆના માથા ઉપર સ્વચ્છ પાઘડી મૂકવા જણાવ્યું. તેથી તેમણે તેને પાઘડી પહેરાવી, અને પ્રભુનો દૂત ત્યાં ઊભો હતો તેવામાં તેમણે તેને નવાં વસ્ત્ર પણ પહેરાવ્યાં. પછી દૂતે યહોશુઆને કહ્યું કે 6-7 સર્વસમર્થ પ્રભુએ આમ કહ્યું છે: “જો તમે મારા નિયમો પાળો અને તમને મેં સોંપેલી ફરજ અદા કરો તો મારું મંદિર તમારા હસ્તક રહેશે અને જેમ મારી તહેનાતમાં રહેનાર દૂતોની પ્રાર્થનાઓ હું સાંભળું છું, 8 તેમ હું તમારી પ્રાર્થનાઓ સાંભળીશ. તેથી હે પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ, મારું સાંભળ! હે તેના સાથી યજ્ઞકારો, તમે પણ તેનું સાંભળો! તમે તો સારા ભાવિની નિશાનીરૂપ છો: અંકુર તરીકે ઓળખાતા મારા સેવકને હું પસંદ કરીશ. 9 હું યહોશુઆની સમક્ષ સાત પાસાવાળો એક પથ્થર મૂકું છું. હું તેના પર એક લેખ કોતરીશ અને એક જ દિવસમાં હું આ દેશનો અપરાધ દૂર કરીશ. 10 તે દિવસ આવે ત્યારે તમારામાંનો પ્રત્યેક માણસ પોતાની દ્રાક્ષવાડીઓ અને અંજીરોથી મળેલ શાંતિ અને સલામતીનો ઉપભોગ કરવા પોતાના પડોશીને બોલાવશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide