ઝખાર્યા 14 - પવિત્ર બાઇબલ C.L.યરુશાલેમ અને અન્ય પ્રજાઓ 1 પ્રભુ ન્યાય કરવા બેસવાના છે તે દિવસ પાસે છે. ત્યારે યરુશાલેમ લૂંટી લેવાશે અને તમારી આંખો આગળ લૂંટ વહેંચી લેવાશે. 2 પ્રભુ સઘળી પ્રજાઓને યરુશાલેમ વિરુદ્ધ લડાઈ કરવા લઈ આવશે. શહેર સર કરવામાં આવશે, ઘરો લૂંટાશે, અને સ્ત્રીઓની આબરૂ લેવાશે. અડધા લોકોને કેદીઓ બનાવી લઈ જવામાં આવશે, પણ બાકીના તો શહેરમાં જ રહેવા દેવાશે. 3 પછી પ્રભુ પોતે જેમ ભૂતકાળમાં લડયા હતા તેમ બહાર જઈને એ પ્રજાઓ સામે લડશે. 4 તે વખતે તે યરુશાલેમની પૂર્વ તરફ ઓલિવ પર્વત પર ઊભા રહેશે, ત્યારે ઓલિવ પર્વતના પૂર્વ-પશ્ર્વિમ બે ભાગ થઇ જશે અને એથી મોટી ખીણ બની જશે. અડધો પર્વત ઉત્તર તરફ અને અડધો પર્વત દક્ષિણ તરફ ખસી જશે. 5 પર્વતના બે ભાગ પાડી દેતી એ ખીણમાં થઈને તમે નાસી છૂટશો. યહૂદિયાના રાજા ઉઝિયાના સમયમાં ધરતીકંપ થતાં તમારા પૂર્વજો ભાગી છૂટયા તેમ તમે પણ નાસી જશો. મારો પ્રભુ પોતાના સર્વ દૂતો સહિત આવશે. 6-7 એ દિવસ આવે ત્યારે ઠંડી કે હિમ નહિ હોય. અંધકાર પણ નહિ હોય. સતત દિવસનો પ્રકાશ હશે, અને રાત્રિના સમયે પણ એ પ્રકાશ રહેશે. એવું ક્યારે બનશે એ તો માત્ર પ્રભુ જ જાણે છે. 8 એ દિવસ આવે ત્યારે યરુશાલેમમાંથી તાજાં પાણી વહેતાં થશે. અડધાં પાણી મૃત સમુદ્રમાં અને અડધાં પાણી ભૂમધ્ય સમુદ્રમાં વહેશે. તે પાણી ગરમીની કે ભેજવાળી ઋતુમાં આખા વર્ષ દરમ્યાન વહ્યા કરશે. 9 ત્યારે તો યાહવે આખી પૃથ્વી પર રાજા હશે; સૌ કોઈ તેમનું ઈશ્વર તરીકે ભજન કરશે અને એ જ નામે તેમને ઓળખશે. 10 ઉત્તરમાં ગેબાથી માંડીને દક્ષિણમાં રિમ્મોન સુધીનો સમગ્ર પ્રદેશ સપાટ થઈ જશે. યરુશાલેમ આસપાસના સર્વ પ્રદેશ કરતાં ઊંચું કરાશે; શહેરનો વિસ્તાર બિન્યામીનના દરવાજાથી અગાઉ જ્યાં દરવાજો હતો ત્યાં ખૂણાના દરવાજા સુધી અને હનાનએલના બુરજથી રાજવી દ્રાક્ષકુંડ સુધીનો હશે. 11 ત્યાંના લોકો સલામતીમાં જીવશે અને નાશની કોઈ ધમકી હશે નહિ. 12 યરુશાલેમ વિરુદ્ધ લડાઈ કરનાર સર્વ પ્રજાઓ પર પ્રભુ ભયંકર રોગચાળો મોકલશે. તેમના જીવતાજીવ તેમનું માંસ સડી જશે. તેમની આંખો અને જીભ સડી જશે. 13 તે સમયે તેઓ એવા ગૂંચવાઈ જશે અને ગભરાઈ જશે કે દરેક માણસ પોતાની પડખે ઊભેલા માણસને પકડીને તેના પર હુમલો કરશે. 14 યહૂદિયાના પુરુષો યરુશાલેમનું રક્ષણ કરવા ઝઝૂમશે. તેઓ મોટા પ્રમાણમાં સોનુંરૂપું અને વસ્ત્રો વિગેરે સર્વ સંપત્તિ પ્રજાઓ પાસેથી લૂંટી લેશે. 15 શત્રુની છાવણીનાં પ્રાણીઓ જેવાં કે ઘોડા, ખચ્ચર અને ઊંટો પર અને ગધેડાં પર ભયંકર રોગચાળો આવી પડશે. 16 પછી તો યરુશાલેમ પર આક્રમણ કરનારી પ્રજાઓમાંથી જેઓ બચી ગયા તેઓ દર વર્ષે સર્વસમર્થ યાહવેનું રાજા તરીકે ભજન કરવા અને માંડવાપર્વ ઉજવવા યરુશાલેમ જશે. 17 સર્વસમર્થ યાહવેની રાજા તરીકે ભક્તિ કરવા જવાની ના પાડનાર પ્રજાઓના દેશમાં વરસાદ વરસશે નહિ. 18 ઇજિપ્તવાસીઓ માંડવાપર્વ ઉજવવાની ના પાડે તો એમ કરવાની ના પાડનાર અન્ય સર્વ પ્રજાઓના ઉપર મોકલાયેલા રોગ જેવો રોગ ઇજિપ્ત પર આવશે. 19 માંડવાપર્વ નહિ ઉજવવા માટે ઇજિપ્ત અને અન્ય સર્વ દેશોને એવી શિક્ષા થશે. 20 તે વખતે ઘોડાઓની ઘંટડીઓ પર આવા શબ્દો કોતરેલા હશે: “પ્રભુને સમર્પિત.” મંદિરનાં રાંધવાનાં તપેલાં પણ વેદી પરનાં પ્યાલાં જેવાં પવિત્ર ગણાશે. 21 યરુશાલેમ અને સમગ્ર યહૂદિયાનાં રાંધવાનાં વાસણો સર્વસમર્થ પ્રભુની સેવાભક્તિ માટે અલગ કરાશે. બલિદાન આપનારા લોકો માંસ બાફવા માટે તેમનો ઉપયોગ કરશે. એ સમયે સર્વસમર્થ પ્રભુના મંદિરમાં ત્યાર પછી કોઈ વેપારી રહેશે નહિ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide