ઝખાર્યા 13 - પવિત્ર બાઇબલ C.L.1 સર્વસમર્થ પ્રભુ કહે છે, “એ દિવસે દાવિદના વંશજો અને યરુશાલેમના લોકોને તેમનાં પાપ અને મૂર્તિપૂજામાંથી શુદ્ધ કરવા એક ઝરો ફૂટી નીકળશે. 2 તે સમયે હું દેશમાંથી મૂર્તિઓનું નામનિશાન ભૂંસી નાખીશ, અને તે પછી કોઈ તેમનું સ્મરણ નહિ કરે. સંદેશવાહક હોવાનો દાવો કરનારાઓને હું મારી સંમુખથી દૂર કરીશ અને મૂર્તિપૂજાની ઇચ્છા દૂર કરીશ. 3 પછી તો ભવિષ્યવાણી ભાખવાનો આગ્રહ રાખનારના વિષે તો તેના માતાપિતા જ કહેશે કે તે મૃત્યુદંડને પાત્ર છે, કારણ, તેણે પ્રભુનો સંદેશ પ્રગટ કરવાનો દાવો કરીને જૂઠાણું ઉચ્ચાર્યું છે. તે ભવિષ્ય વચન ભાખતો હશે ત્યારે તેનાં માતપિતા તેના પર પ્રહાર કરી તેને મારી નાખશે. 4 એ સમય આવે ત્યારે કોઇ સંદેશવાહક પોતાનાં સંદર્શનો વિષે બડાઇ મારશે નહિ, સંદેશવાહકની જેમ વર્તશે નહિ અથવા લોકોને છેતરવા માટે સંદેશવાહકનાં ખરબચડાં વસ્ત્ર પહેરશે નહિ. 5 એને બદલે, તે કહેશે, ‘હું સંદેશવાહક નથી, હું તો ખેડૂત છું; મેં મારી આખી જિંદગી ખેતીમાં ગાળી છે.’ 6 પછી કોઈ પૂછશે, ‘તારી છાતી પર પેલા શાના ઘાનાં ચિહ્નો છે?’ ત્યારે તે જવાબ આપશે, ‘મારા મિત્રના ઘરમાં મને એ ઘા પડયા છે.” ઈશ્વરે નીમેલા પાળકને મારી નાખવાનો આદેશ 7 સર્વસમર્થ પ્રભુ કહે છે, “તલવાર, જાગૃત થા! મારે માટે ક્મ કરનાર ઘેટાંપાળક પર હુમલો કર; તેને મારી નાખ, એટલે ઘેટાં વિખેરાઇ જશે; હું મારા લોક પર પ્રહાર કરીશ, 8 એટલે સમગ્ર દેશમાંથી બે તૃતીયાંશ ભાગના લોકો માર્યા જશે. 9 બાકી રહેલા ત્રીજા ભાગના લોકોની હું ક્સોટી કરીશ અને રૂપુ અગ્નિમાં ગળાય છે, તેમ હું તેમને શુદ્ધ કરીશ. હું તેમને સોનાની જેમ પારખીશ. પછી તેઓ મને પ્રાર્થના કરશે અને હું તેમને જવાબ આપીશ. હું તેમને કહીશ કે તમે મારા લોક છો, અને તેઓ પણ કબૂલ કરશે કે હું યાહવે તેમનો ઈશ્વર છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide