ઝખાર્યા 11 - પવિત્ર બાઇબલ C.L.જુલમગારોનું પતન 1 હે લબાનોન, તારાં દ્વાર ખોલ કે અગ્નિ તારાં ગંધતરુઓને બાળીને ભસ્મીભૂત કરી દે! 2 હે દેવદારનાં વૃક્ષો, વિલાપ અને કલ્પાંત કરો; ગંધતરુઓ નષ્ટ થયાં છે. એ ભવ્ય વૃક્ષોનો નાશ થયો છે. હે બાશાનનાં ઓકવૃક્ષો, રડો અને વિલાપ કરો! ગાઢ જંગલ કપાઈ ગયાં છે! 3 રાજ્યર્ક્તાઓ દુ:ખનો પોકાર કરે છે. તેમનો મહિમા ચાલ્યો ગયો છે! સિંહોની ત્રાડ સાંભળો, યર્દનને કાંઠે આવેલાં તેમના વનના વસવાટો નાશ પામ્યા છે! બે ઘેટાંપાળકો 4 પ્રભુ મારા ઈશ્વરે મને કહ્યું, “ક્તલ થવાનાં ઘેટાંનો પાળક થવાનો વેશ ભજવી બતાવ. 5 તેમના માલિકો તેમને મારી નાખે છે અને છતાં તેમને શિક્ષા થતી નથી. તેઓ તેમનું માંસ વેચે છે અને કહે છે, ‘પ્રભુની સ્તુતિ થાઓ! આપણે ધનવાન છીએ!’ ઘેટાંના પાળકોને તેમના પર કંઈ દયા નથી.” 6 (પ્રભુએ કહ્યું, “હું પૃથ્વી પર કોઈના પર દયા દાખવીશ નહિ. હું પોતે લોકોને તેમના શાસકોની સત્તા નીચે મૂકીશ. આ શાસકો પૃથ્વીને ખેદાનમેદાન કરી નાખશે, અને હું તેને તેમની સત્તાથી બચાવીશ નહિ.” 7 ઘેટાંની લે-વેચ કરનારાઓએ મને ભાડૂતી માણસ તરીકે રાખ્યો અને હું ક્તલ થવાનાં ઘેટાંનો પાળક બન્યો. મેં બે લાકડી લીધી: એકને મેં ‘સદ્ભાવના’ કહી અને બીજીને ‘એક્તા’ કહી. હું ઘેટાંની સંભાળ લેતો. 8 મારો તિરસ્કાર કરનાર ત્રણ ઘેટાંપાળકોના સંબંધમાં મારી ધીરજ ખૂટી ગઈ, અને એક જ માસમાં હું તેમનાથી છૂટો થઈ ગયો. 9 પછી મેં ટોળાને કહ્યું, હવે હું તમારો ઘેટાંપાળક નથી. જે મરવાનાં હોય તે મરે. જેમનો નાશ થવાનો હોય તેમનો થાય. જે બાકી રહેશે તે એકબીજાને મારી નાખશે.” 10 પછી મેં ‘સદ્ભાવના’ નામની લાકડી લીધી અને સર્વ પ્રજાઓ સાથે પ્રભુએ કરેલો કરાર રદ કરવા એને ભાંગી નાખી. 11 તેથી તે દિવસે કરાર રદ થઈ ગયો. ઘેટાંની લેવેચ કરનારાઓ મને એ બધું કરતાં જોઈ રહ્યા હતા અને તેમને ખબર હતી કે એ દ્વારા પ્રભુ વાત કરી રહ્યા છે. 12 મેં તેમને કહ્યું, “તમારી ઇચ્છા થતી હોય તો મને મારું વેતન આપો. પણ ન આપવું હોય, તો તમારી પાસે રાખી લો.” તેથી તેમણે મને મારા વેતન તરીકે ચાંદીના ત્રીસ સિક્કા આપ્યા. 13 પ્રભુએ મને કહ્યું, “તેને મંદિરના ભંડારમાં રાખ.” તેથી મેં એ ચાંદીના ત્રીસ સિક્કા - તેમણે મારું આંકેલું મૂલ્ય - લઈને મંદિરના ભંડારમાં મૂક્યા. 14 પછી મેં ‘એક્તા’ નામની બીજી લાકડી ભાંગી નાખી, એટલે યહૂદિયા અને ઇઝરાયલની એક્તા તૂટી ગઈ. 15 પછી પ્રભુએ મને કહ્યું, “ફરી એકવાર ઘેટાંપાળકનો વેશ ભજવી બતાવ. આ વખતનો વેશ તો એથીય ખરાબ છે. 16 મેં મારા ટોળા પર ઘેટાંપાળક મૂક્યો છે. પણ વિનાશના જોખમમાં આવેલાં ઘેટાંને તે મદદ કરતો નથી; ખોવાયેલાંને તે શોધતો નથી, ઇજા પામેલાને આરોગ્ય પમાડતો નથી અથવા જે પુષ્ટ છે તેને ચારતો નથી. એને બદલે, એ સૌથી માતેલાં ઘેટાંનું માંસ ખાય છે અને તેમની ખરીઓ ચીરી નાખે છે. 17 એ નક્મા ઘેટાંપાળકનું હવે આવી બન્યું છે. તેણે પોતાના ટોળાનો ત્યાગ કર્યો છે. તેનો હાથ સુકાઈ જશે, અને તેની જમણી આંખ ફૂટી જશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide