ઝખાર્યા 10 - પવિત્ર બાઇબલ C.L.પ્રભુ તરફથી છુટકારાનું વચન 1 વર્ષની વસંતઋતુમાં પ્રભુ પાસે વરસાદની માગણી કરો. વરસાદમાં વાદળો અને ઝાપટાં મોકલનાર અને સૌને માટે ખેતરો હરિયાળાં બનાવનાર તો પ્રભુ પોતે છે. 2 લોકો મૂર્તિઓ અને જોશ જોનારા પાસે જાય છે, પણ તેમને મળતા જવાબો તો જૂઠાણાં અને અર્થહીન વાતો છે. કેટલાક સ્વપ્નોનું અર્થઘટન કરે છે, પણ તે માત્ર તમને ગેરમાર્ગે દોરવા માટે જ તેમ કરે છે. તેમનું આશ્વાસન નિરર્થક છે. એમ ખોવાયેલાં ઘેટાંની જેમ લોકો ભટકે છે. તેમનો કોઈ દોરનાર ન હોઈ તેઓ સંકટમાં આવી પડેલા છે. 3 પ્રભુ કહે છે, “મારા લોક પર શાસન ચલાવતા વિદેશીઓ પર હું કોપાયમાન થયો છું. હું તેમને શિક્ષા કરીશ. યહૂદિયાના લોકો મારા છે અને હું સર્વસમર્થ પ્રભુ તેમની સંભાળ લઈશ. તેઓ યુદ્ધ માટેના મારા શક્તિશાળી ઘોડાઓ થશે. 4 મારા લોક પર વહીવટ કરવા માટે તેમનામાંથી જ શાસકો, આગેવાનો, અને અમલદારો ઊભા થશે. 5 યહૂદિયાના લોકો શેરીમાંના ક્દવમાં શત્રુઓને ખૂંદનાર સૈનિક જેવા વિજયવંત થશે. તેઓ લડશે, કેમ કે પ્રભુ તેમની સાથે છે અને તેઓ શત્રુઓના ઘોડેસવારોને પણ હરાવશે. 6 “હું યહૂદિયાના લોકોને બળવાન બનાવીશ, હું ઇઝરાયલના લોકોને છોડાવીશ. હું તેમના પર કરુણા કરીશ અને તેમને તેમના વતનમાં પાછા લાવીશ. મેં તેમનો જાણે ક્યારેય ત્યાગ કર્યો ન હોય તેવા તે બનશે. હું તેમનો ઈશ્વર પ્રભુ છું. હું તેમની પ્રાર્થનાઓનો જવાબ આપીશ.” 7 ઇઝરાયલના લોકો સૈનિક જેવા મજબૂત થશે. તેઓ દ્રાક્ષાસવ પીનારાના જેવા આનંદી થશે. આ વિજયને તેમના વંશજો યાદ કરશે અને પ્રભુના એ કાર્યને લીધે તેઓ આનંદિત બનશે. 8 હું મારા લોકોને બોલાવીને એકત્ર કરીશ. હું તેમને છોડાવીશ અને અગાઉ હતા તેમ તેમને અસંખ્ય બનાવીશ. 9 જો કે મેં તેમને પ્રજાઓ મધ્યે વિખેરી નાખ્યા છે, છતાં દૂર દૂર સ્થાનોમાંથી તેઓ મારું સ્મરણ કરશે. તેઓ અને તેમનાં સંતાન બચી જશે અને સાથે મળીને વતનમાં પાછા ફરશે. 10 હું તેમને ઇજિપ્તમાંથી અને આશ્શૂરમાંથી તેમના વતનમાં પાછા લાવીશ અને તેમને ગિલ્યાદ અને લબાનોનમાં વસાવીશ. આખો દેશ વસ્તીથી ભરપૂર થઈ જશે. 11 તેઓ તેમનો સંકટનો સમુદ્ર ઓળંગતા હોય ત્યારે હું પ્રભુ મોજાંઓ પર પ્રહાર કરીશ અને નાઈલ નદીનાં ઊંડાણ સુકાઈ જશે. ઘમંડી આશ્શૂર નીચો નમાવાશે, અને બળવાન ઇજિપ્ત શક્તિહીન થઇ જશે. 12 હું મારા લોકને બળવાન બનાવીશ; તેઓ મારી ભક્તિ કરશે અને મને આધીન રહેશે.” પ્રભુ પોતે એ બોલ્યા છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide