ઝખાર્યા 1 - પવિત્ર બાઇબલ C.L.ઈશ્વર તરફ પાછા ફરવાનો પડકાર 1 ઇરાનના સમ્રાટ દાર્યાવેશના રાજ્યકાળના બીજા વર્ષના આઠમા માસમાં ઇદ્દોના પુત્ર બેરેખ્યાના પુત્ર ઝખાર્યા સંદેશવાહકને પ્રભુએ આ સંદેશ આપ્યો. 2 સર્વસમર્થ પ્રભુએ લોકોને આવું કહેવા ઝખાર્યાને જણાવ્યું, “હું પ્રભુ, તમારા પૂર્વજો પર ખુબ કોપાયમાન થયો હતો, 3 પણ હવે હું તમને કહું છું, ‘મારી તરફ પાછા ફરો, એટલે હું તમારી તરફ ફરીશ. 4 તમારા પૂર્વજો જેવા ન બનો. વર્ષો પૂર્વે સંદેશવાહકોએ તેમને દુષ્ટ જીવન ન ગાળવા અને પોતાનાં પાપનો ત્યાગ કરવાનો સંદેશ આપ્યો. પણ તેમણે મારું સાંભળ્યું નહિ કે મને આધીન થયા નહિ. 5 તમારા પૂર્વજો અને એ સંદેશવાહકો તો અત્યારે નથી. 6 મારા સેવકો એટલે સંદેશવાહકો દ્વારા મેં તમારા પૂર્વજોને આજ્ઞાઓ અને ચેતવણીઓ આપી, પણ તેમણે તેમનો અનાદર કર્યો અને તેનાં માઠાં પરિણામ ભોગવ્યાં. પછી તેમણે પશ્ર્વાત્તાપ કર્યો અને એકરાર કર્યો કે મેં સર્વસમર્થ પ્રભુએ તેમને યથાયોગ્ય અને નિયત શિક્ષા કરી હતી.” ઘોડાઓનું સંદર્શન 7 સમ્રાટ દાર્યાવેશના બીજા વર્ષમાં અગિયારમા એટલે શબાટ માસની ચોવીસમે તારીખે, પ્રભુએ મને રાતના સંદર્શનમાં એક સંદેશ આપ્યો. 8 પ્રભુના એક દૂતને મેં લાલ ઘોડા પર સવાર થયેલો જોયો. તે ખીણમાંના કેટલાંક મેંદીનાં વૃક્ષો મધ્યે રોક્યો હતો, અને તેની પાછળ બીજા ઘોડા પણ હતા - લાલ, કાબરચીતરા અને સફેદ. 9 મેં પૂછયું, “મહાશય, આ ઘોડાઓનો શો અર્થ છે?” તેણે જવાબ આપ્યો, “તેનો શો અર્થ થાય છે તે હું તને બતાવીશ.” 10 પછી મેંદીનાં વૃક્ષો મધ્યે ઊભેલા માણસે કહ્યું, “પ્રભુએ તેમને પૃથ્વી પર જઈને તેનું નિરીક્ષણ કરવા મોકલ્યા છે.” 11 તેમણે મેંદીનાં વૃક્ષોની મધ્યે ઊભેલા દૂતને અહેવાલ આપ્યો: “અમે આખી દુનિયામાં ફરી વળ્યા છીએ અને જોયું છે કે આખી દુનિયા નિ:સહાય અને તાબે થયેલી છે.” 12 પછી દૂતે કહ્યું, “સર્વસમર્થ પ્રભુ, તમે આ સત્તર વર્ષથી યરુશાલેમ અને યહૂદિયાનાં નગરો પર કોપાયમાન થયા છો. તેમના પર દયા દર્શાવવાને હજી કેટલો સમય લાગશે?” 13 પ્રભુએ દૂતને સાંત્વનભર્યા શબ્દોમાં જવાબ આપ્યો, 14 અને સર્વસમર્થ પ્રભુએ કહ્યું હતું તે જણાવવા દૂતે મને કહ્યું: “યરુશાલેમ, મારા પવિત્ર નગર માટે મારા દિલમાં ઊંડો પ્રેમ અને ચિંતા છે, 15 અને સુખચેન તથા શાંતિ ભોગવતી પ્રજાઓ પર હું કોપાયમાન થયો છું; કારણ, જ્યારે હું મારા લોક પરથી મારો રોષ અટકાવી રહ્યો હતો, ત્યારે તેમણે મારા લોકને દારુણ દુ:ખ દીધું. 16 તેથી યરુશાલેમ શહેર પર હું તે દયા દર્શાવવા આવ્યો છું; મારા મંદિરનો પુનરોદ્ધાર થશે અને શહેર ફરીથી બંધાશે.” 17 દૂતે મને જાહેરાત કરવા જણાવ્યું, “સર્વસમર્થ પ્રભુ કહે છે કે તેમનાં નગરો ફરીથી આબાદ થશે અને પોતે યરુશાલેમને સહાય કરીને પોતાના શહેર તરીકે તેનો દાવો કરશે.” શિંગડાંનું સંદર્શન 18 બીજા એક સંદર્શનમાં મેં ચાર શિંગડાં જોયાં. 19 મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછયું, “આ શિંગડાંનો શો અર્થ થાય છે?” તેણે ઉત્તર આપ્યો, “એ તો યહૂદિયા, ઇઝરાયલ અને યરુશાલેમને વિખેરી નાખનાર દુનિયાની મહાસત્તાઓ સૂચવે છે.” 20 પછી પ્રભુએ મને હથોડા સહિતના ચાર કારીગરો બતાવ્યા. 21 મેં પૂછયું, “આ લોકો શું કરવા આવ્યા છે?” તેમણે જવાબ આપ્યો, “તેઓ તો યહૂદિયાના પ્રદેશને કચડી નાખનાર અને તેના લોકોને વિખેરી નાખનાર પ્રજાઓને ગભરાવી દેવા અને તેમને ઉથલાવી પાડવા આવ્યા છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide