Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

તિતસને પત્ર 2 - પવિત્ર બાઇબલ C.L.


સાચું શિક્ષણ

1 પણ તારે સાચા સિદ્ધાંત પ્રમાણેનું શિક્ષણ આપવું.

2 વૃદ્ધ પુરુષોને સમજાવ કે તેઓ સંયમી, ગંભીર અને ઠરેલ બને તથા વિશ્વાસ, પ્રેમ અને સહનશક્તિમાં દૃઢ બને.

3 તેવી જ રીતે વૃદ્ધ સ્ત્રીઓને સમજાવ કે તેઓ પવિત્ર સ્ત્રીઓની જેમ જીવે. તેમણે બીજાની નિંદા ન કરવી કે દારૂના ગુલામ ન બનવું. તેમણે સારું જ શીખવવું,

4 તેમણે યુવાન સ્ત્રીઓને કેળવવી જેથી તેઓ તેમના પતિ અને બાળકો પર પ્રેમ કરે

5 તથા આત્મસંયમી, શુદ્ધ અને પોતાના પતિને આધીન રહેનાર સારી ગૃહિણી બને, અને એમ ઈશ્વર તરફથી આપવામાં આવેલ શુભસંદેશની નિંદા થાય નહિ.

6 તે જ પ્રમાણે યુવાનોને સંયમી થવાનો ઉપદેશ આપજે.

7 સારાં કાર્યો કરવામાં તું જાતે જ નમૂનારૂપ બનજે. તારા શિક્ષણમાં પ્રામાણિક અને ગંભીર બન.

8 ટીકા ન થાય તેવા યોગ્ય શબ્દો વાપર, જેથી દુશ્મનો તારી વિરુદ્ધ કહેવાનું કંઈ ન મળવાથી શરમાઈ જાય.

9 ગુલામોએ સર્વ બાબતોમાં તેમના માલિકોને આધીન રહેવું અને તેમને સર્વ બાબતમાં ખુશ રાખવા. તેમની સામું બોલવું નહિ,

10 કે તેમની વસ્તુઓ ચોરી લેવી નહિ. એના કરતાં ગુલામ તરીકે તેઓ હંમેશાં સારા અને વિશ્વાસુ છે તેમ બતાવવું. આમ, તેમણે તેમનાં કાર્યોની મારફતે આપણા ઉદ્ધારક ઈશ્વર વિષેના શિક્ષણને દીપાવવું.

11 કારણ, સર્વ માણસોના ઉદ્ધારને માટે ઈશ્વરે તેમની કૃપા પ્રગટ કરી છે.

12 આ કૃપા અધર્મી જીવન અને દુન્યવી વાસનાઓને ત્યજી દેવાનું અને આ દુનિયામાં સંયમી, સીધું અને પવિત્ર જીવન જીવવાનું શીખવે છે.

13 આપણા મહાન ઈશ્વર અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનો મહિમા પ્રગટ થશે તે ધન્ય દિવસની આશાની રાહ આપણે જોઈ રહ્યા છીએ.

14 આપણને સર્વ દુષ્ટતામાંથી મુક્ત કરવા અને આપણને તેમના શુદ્ધ અને સર્વ સારાં કાર્યો કરવાને આતુર એવા ખાસ લોક બનાવવા માટે પોતાનું સ્વાર્પણ કરનાર પણ તે જ છે.

15 આ બધી બાબતો શીખવ અને તારા સાંભળનારાઓને પ્રોત્સાહન કે ચેતવણી આપતાં તારા પૂરા અધિકારનો ઉપયોગ કર. તેમનામાંનો કોઈ તારો તિરસ્કાર ન કરે તેનું ધ્યાન રાખ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan