Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતોનું ગીત 8 - પવિત્ર બાઇબલ C.L.

1 તું મારો માજણ્યો ભાઈ હોત, અને મારી માતાએ તને દૂધપાન કરાવી ઉછેરેલો હોત તો સારું થાત! ત્યારે તો જો તું મને માર્ગમાં મળત તો હું તને ચુંબન કરત અને કોઈ મારો તિરસ્કાર કરત નહિ.

2 હું તને મારી માતાને ઘેર લઈ જાત અને ત્યાં તું મને પ્રેમકળા શિખવાડત. હું તને મસાલેદાર દ્રાક્ષાસવ અને મારા દાડમનો રસ પિવડાવત.

3 તેનો ડાબો હાથ મારા માથા નીચે હોત અને તેના જમણા હાથે મને આલિંગન લીધેલું હોત.

4 હે યરુશાલેમની નવયૌવનાઓ, હું શપથ દઈને વિનંતી કરું છું કે તમે કોઈ અમારા પ્રેમમાં વિક્ષેપ પાડશો નહિ.


છઠ્ઠું ગીત નવયૌવનાઓ:

5 રણમાંથી પોતાના પ્રીતમ પર ટેકીને આ કોણ આવે છે? પ્રિયતમા: જ્યાં તારી જનેતાએ પ્રસવવેદનામાં તને જન્મ આપ્યો હતો, તે સફરજન વૃક્ષ નીચે મેં તને જમાડયો.

6 બીજાં બધાં કરતાં કેવળ મને જ તારા હૃદય પર મુદ્રા તરીકે અને તારા હાથ પર વીંટી તરીકે બેસાડ. કારણ, પ્રીતિ મૃત્યુના જેટલી જ શક્તિશાળી છે અને તાલાવેલી મોત જેવી દઢ છે. તે જ્યોતરૂપે પ્રગટે છે અને ભડકે બળ્યા કરે છે.

7 ઝાઝાં જળ પ્રેમને બુઝાવી શકે નહિ, રેલ તેને ડુબાડી શકે નહિ, જો કોઈ તેને પોતાના દ્રવ્યથી ખરીદવાનો પ્રયાસ કરે તો તેને માત્ર ફિટકાર જ મળશે.


પ્રિયતમાના ભાઈઓ:

8 અમારે એક નાની બહેન છે; તેનાં સ્તન હજી ઉપસ્યાં નથી. જ્યારે તેનું માગું આવશે ત્યારે અમે શું કરીશું?

9 જો તે દીવાલ હોય તો તેના પર અમે ચાંદીનો બુરજ બાંધીશું. જો તે દરવાજો હોય તો અમે ગંધતરુનાં સંગીન પાટિયાં મૂકીને તેનું રક્ષણ કરીશું.


પ્રિયતમા:

10 હું દીવાલ છું અને મારાં સ્તન તેના બુરજો છે. મારો પ્રીતમ જાણે છે કે મને તેનાથી શાંતિ અને સંતોષ મળે છે.


પ્રીતમ:

11 બઆલ-હામોનમાં શલોમોનને એક દ્રાક્ષવાડી હતી. તેણે તે દ્રાક્ષવાડી રખેવાળોને ભાડે આપી. દરેક રખેવાળે તે માટે એક હજાર ચાંદીના સિક્કા આપવાના થાય છે.

12 શલોમોનને તેના એક હજાર સિક્કા મળે તે વાજબી છે, અને ખેડૂતોને તેમના ભાગરૂપે બસો સિક્કા મળે તે ય વાજબી છે. પણ મારી પાસે તો મારી પોતાની, મારી માલિકીની દ્રાક્ષવાડી છે.

13 હે વાટિકામાં વસનારી મારી પ્રિયા, મને તારી વાણી સાંભળવા દે. મારા ભેરુ પણ તને સાંભળવા આતુર છે.


પ્રિયતમા:

14 હે મારા પ્રીતમ, આવ! સુગંધીદ્રવ્યોના પર્વત પર હરણ કે સાબરીના બચ્ચા જેવો થા!

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan