Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતોનું ગીત 7 - પવિત્ર બાઇબલ C.L.


પ્રીતમ:

1 હે રાજકન્યા, ચંપલમાં તારા પગ કેવા સુંદર લાગે છે! તારી સાથળોનો વળાંક નિપુણ કલાકારની કારીગરી જેવો છે.

2 તારી નાભી ગોળ મોઢાવાળા પ્યાલા જેવી છે, અને તેમાં મસાલેદાર દ્રાક્ષાસવની ખોટ નથી. તારું પેટ પોયણાથી શણગારેલ ઘઉંની ઢગલી જેવું છે.

3 તારાં સ્તન સાબરીનાં બચ્ચાંની જોડ જેવાં છે.

4 તારી ડોક હાથીદાંતના બુરજ જેવી છે. તારી આંખો હેશ્બોન નગરમાં બાથ-રાબ્બીમના દરવાજા પાસે આવેલ કુંડ જેવી છે. તારું નાક દમાસ્ક્સ તરફના લબાનોનના બુરજ જેવું નમણું છે.

5 તારું શીર્ષ ર્કામેલ પર્વતની જેમ ઊંચું છે. તારા વાળ કિરમજની જેમ ચમકે છે; તેની સુંદરતાએ રાજાને વશ કરી દીધો છે.

6 હે પ્રિયતમા, તું કેવી રૂપાળી છે! કેવી વિનોદિની અને હર્ષદાયિની છે!

7 તારું કદ ખજૂરીના વૃક્ષ જેવું છે, અને તારાં સ્તન ખજૂરની લૂમ જેવાં છે.

8 હું ખજૂરી પર આરોહણ કરીશ અને તેની ડાળીઓ પકડીશ. મારા માટે તારાં સ્તન દ્રાક્ષની લૂમ જેવાં છે. તારો શ્વાસ સફરજનની સુગંધ જેવો છે.

9 તારું વદન ઉત્તમ દ્રાક્ષાસવ જેવું છે. તો પછી એ દ્રાક્ષાસવને સીધો મારા પ્રીતમ તરફ, તેના હોઠ અને દાંત તરફ વહેવા દો.


પ્રિયતમા:

10 હું મારા પ્રીતમની છું, તેની મરજી મારા ભણી વળેલી છે.

11 હે મારા પ્રીતમ, ચાલ, આપણે ખેતરો તરફ ચાલી નીકળીએ અને ગામડાંમાં રાતવાસો કરીએ.

12 આપણે વહેલાં ઊઠીને દ્રાક્ષવાડીમાં જઈશું અને જોઈશું કે દ્રાક્ષવેલાને ફૂલ આવ્યાં છે કે નહિ, કુમળી દ્રાક્ષો બેઠી છે કે નહિ, ને દાડમનાં ફૂલ ખૂલ્યાં છે કે નહિ. ત્યાં હું તને મારા પ્રેમનો અનુભવ કરાવીશ.

13 કામોત્તેજક ભોટીંગડીઓ ફોરી રહી છે અને આપણા બારણા પાસે બધા પ્રકારનાં નવાં અને જૂનાં ફળો છે. હે મારા પ્રીતમ, એ બધાં મેં તારે માટે સંઘરી રાખ્યાં છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan