Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતોનું ગીત 6 - પવિત્ર બાઇબલ C.L.


નવયૌવનાઓ:

1 હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી, તારો પ્રીતમ ક્યાં ગયો છે? તારો પ્રીતમ કયે માર્ગે ગયો તે અમને જણાવ, એટલે અમે તને તેની શોધ કરવામાં સહાય કરીશું.


પ્રિયતમા:

2 મારો પ્રીતમ સુગંધથી ભરપૂર વૃક્ષોવાળા બાગમાં ગયો છે. તે ત્યાં પોતાનાં ટોળાં ચારે છે અને પોયણાં વીણે છે.

3 હું મારા પ્રીતમની છું અને મારો પ્રીતમ મારો છે. તે કમળકુંજમાં પોતાનાં ટોળાં ચરાવે છે.


પાંચમું ગીત પ્રીતમ:

4 હે મારી પ્રિયતમા, તું તિર્સા શહેર જેવી રૂપવતી અને યરુશાલેમ જેવી ભવ્ય છે; લહેરાતી વજાઓ સહિતનાં એ નગરો જેવી પ્રભાવશાળી છે.

5 તારી આંખો મારા તરફથી ફેરવી લે, કારણ, તેમણે મને પ્રેમવશ કરી દીધો છે. તારા લહેરાતા વાળ દેખાય છે. ગિલ્યાદ પર્વત પરથી ઊતરી રહેલાં બકરાંનાં ટોળાં જેવા દેખાય છે.

6 તારા દાંત ધોયેલાં ઘેટાંનાં ટોળાં જેવા શ્વેત છે. તેમાંનો એકે પડી ગયો નથી. તે બધા અકબંધ છે અને જોડમાં પણ છે.

7 બુરખા પાછળના તારા ગાલ દાડમની ફાડ જેવા લાગે છે.

8 રાજા પાસે ભલે આઠ રાણીઓ, એંસી ઉપપત્નીઓ અને સંખ્યાબંધ નવયૌવનાઓ હોય,

9 પણ મારી પ્રાણપ્રિયા તો એક જ છે. તે હોલી જેવી નિર્મળ છે. તે તેની માતાની એકનીએક અને લાડીલી પુત્રી છે. તેને જોઈને બધી સ્ત્રીઓએ કહ્યું કે તને ધન્ય છે. રાણીઓ અને ઉપપત્નીઓએ પણ તેને જોઈને તેની પ્રશંસા કરી.

10 પ્રભાતના જેવી ઉજ્જવળ કાન્તિવાળી, ચંદ્ર જેવી સુંદર, સૂર્ય જેવી તેજસ્વી, અને વિજય પતાકાઓવાળા સૈન્ય જેવી પ્રભાવશાળી આ કોણ છે?

11 ખીણના લીલા છોડ જોવા, દ્રાક્ષવેલાને કળીઓ બેઠી છે કે કેમ તે જોવા અને દાડમનાં ફૂલ ખીલ્યાં છે કે નહિ તે જોવા હું અખરોટના બાગમાં ગયો.

12 મારામાં ઉત્તેજના વ્યાપી ગઈ છે; લડાઈ માટે સારથિ આતુર હોય તેમ તેં મને પ્રેમાતુર કરી મૂક્યો છે.


નવયૌવનાઓ:

13 હે શૂલ્લામની કન્યા, નાચ, નાચ. એ માટે કે અમે તારો નાચ નિહાળીએ. પ્રેક્ષકોની બે હારની વચ્ચે હું નાચું, ત્યારે એ નાચ તમારે શા માટે નિહાળવો છે?

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan