Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતોનું ગીત 5 - પવિત્ર બાઇબલ C.L.


પ્રીતમ:

1 હે મારી પ્રિયા, મારી નવોઢા, હું મારી વાડીમાં આવ્યો છું. હું મારાં બોળ અને ગુગળ ભેગાં કરી રહ્યો છું. હું મારા મધપૂડામાંથી મધ આરોગું છું. હું મારો દ્રાક્ષાસવ અને મારું મધ પી રહ્યો છું. હે પ્રેમીઓ, પ્રેમમાં મસ્ત થઈ જાઓ ત્યાં સુધી ખાઓ અને પીઓ.


નવયૌવનાઓ: ચોથું ગીત પ્રિયતમા:

2 હું નિદ્રાવશ થઈ હતી, પરંતુ મારું મન જાગૃત હતું. મારો પ્રીતમ મારા ઘરનું બારણું ખટખટાવતો હોય અને મને બોલાવતો હોય એવું શમણું આવ્યું. હે પ્રિયા, મારી પ્રિયતમા, મારી હોલી, મારી નિર્મળા, મને અંદર આવવા દે. મારું માથું ઝાકળથી અને મારા વાળ ધૂમ્મસથી ભીંજાઈ ગયાં છે.


પ્રીતમ: પ્રિયતમા:

3 મેં મારાં વસ્ત્રો ઉતાર્યાં છે, તો ફરી શા માટે ધારણ કરું? મેં મારા પગ ધોયા છે, તો તેમને શા માટે મેલા કરું?

4 મારા પ્રીતમે બારણું ખોલવા હાથ લાંબો કર્યો, અને તેને નજીક નિહાળી મારામાં ઉત્તેજના પ્રસરી ગઈ.

5 હું મારા પ્રીતમને માટે બારણું ઉઘાડવા ગઈ. મેં બારણાની સાંકળ પકડી ત્યારે મારા હાથમાં જાણે બોળ હતું અને મારી આંગળીઓમાંથી બોળનાં ટીપાં ટપક્તાં હતાં.

6 મેં મારા પ્રીતમને માટે બારણું ખોલ્યું, પણ એ તો ત્યાંથી ચાલ્યો ગયો હતો. તેનો સાદ સાંભળવા હું કેવી આતુર હતી! મેં તેને ખોળ્યો, પણ તે મને મળ્યો નહિ. મેં તેને સાદ પાડયો, પણ મને કશો જવાબ મળ્યો નહિ.

7 નગરની રખેવાળી કરનાર ચોકીદારોએ મને શોધી કાઢી. તેમણે મને મારઝૂડ કરી ઘાયલ કરી દીધી. નગરના સંરક્ષકોએ મારો બુરખો ખેંચી કાઢયો.

8 હે યરુશાલેમની નવયૌવનાઓ, હું તમને શપથ સાથે કહું છું કે તમને મારો પ્રીતમ મળે તો તેને કહેજો કે હું પ્રેમપીડિત છું.


નવયૌવનાઓ:

9 હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી, બીજા બધા કરતાં તારા પ્રીતમમાં વિશેષ શું છે? તેનામાં એવું અદ્‍ભુત શું છે કે તું અમને એ પ્રમાણે શપથ સાથે કહે છે?


પ્રિયતમા:

10 મારો પ્રીતમ દેદિપ્યમાન અને રાતોમાતો છે. તે દસ હજારમાં અદકો- અનોખો છે.

11 તેનું માથું ઉત્તમ કોટિના સોના જેવું છે. તેના વાળ વાંકડિયા અને કાગ જેવા કાળા છે.

12 તેની આંખો ઝરણાંને તીરે બેઠેલાં, હા, દૂધથી ધોયેલાં અને ઝરણાની પડખે બેઠેલાં હોલાં જેવી છે.

13 તેના ગાલ સુગંધીદ્રવ્યોના છોડથી ભરેલા બામ જેવા સુંદર છે. તેના હોઠ બોળના અર્કથી ભિંજાયેલા પોયણા જેવા છે.

14 તેના હાથ સુડોળ છે અને તે હાથે રત્નજડિત સોનાની વીંટીઓ પહેરે છે. તેનું શરીર નીલમથી મઢેલા હાથીદાંત જેવું લીસું છે.

15 તેના પગ ચોખ્ખા સોનાની કૂંભીઓમાં બેસાડેલા સંગેમરમરના સ્થંભ જેવા છે. મારા પ્રીતમનો દેખાવ લબાનોન પર્વત પર આવેલાં ઊંચા ગંધતરુ જેવો ભવ્ય છે.

16 તેનું મુખ ચુંબન કરવા જેવું મીઠું છે; તે અતિ મનોહર છે. હે યરુશાલેમની નવયૌવનાઓ, એવું મારા પ્રીતમનું, મારા મિત્રનું સ્વરૂપ છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan