ગીતોનું ગીત 4 - પવિત્ર બાઇબલ C.L.પ્રીતમ: 1 હે મારી પ્રિયતમા, તું કેટલી રૂપાળી અને મોહક છે! બુરખામાંથી તારી આંખો પ્રેમથી ઝળહળે છે. ગિલ્યાદ પર્વત પરથી બકરાંનાં ઊતરી રહેલાં ટોળાંની જેમ તારા વાળ ઊડી રહ્યા છે. 2 તારા દાંત, કાતરીને ધોયેલાં ઘેટાંનાં ટોળાં જેવા સફેદ છે. તેમાંનો એકે પડી ગયો નથી; તે બધા પૂરી જોડમાં છે. 3 તારા હોઠ લાલ પટ્ટી જેવા છે. તારા મુખની વાણી કેવી મીઠી છે! બુરખા પાછળ તારા ગાલ દાડમની ફાડ જેવા છે. 4 તારી ગરદન દાવિદના મિનારા જેવી ગોળ અને મુલાયમ છે. તેના પર હજાર ઢાલ લટકાવેલી હોય તેવી માળા છે. 5 તારાં બે સ્તન કમળકુંજમાં ચરતાં સાબરીનાં બચ્ચાંની જોડ જેવાં છે. 6 પરોઢનો વાયુ વાય અને અંધારું લોપ થાય ત્યાં સુધી હું બોળના પર્વત પર તેમ જ લોબાનના પર્વત પર રહીશ. 7 હે મારી પ્રિયતમા, તું કેવી રૂપાળી છે. તું ખોડખામી વિનાની સર્વાંગસુંદર છે. 8 હે મારી નવોઢા, લબાનોન પર્વત પરથી મારી સાથે આવ. જ્યાં સિંહ અને ચિત્તા વસે છે તેવા આમાન, સેનીર અને હેર્મોન પર્વતનાં શિખરો પરથી નીચે ઊતરી આવ. 9 હે મારી પ્રિયા, મારી નવોઢા, તારી આંખોના અણસારે, અને તારા ગળાની એક કંઠી માત્રથી તેં મારું મન મોહિત કર્યું છે. 10 હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, તારી પ્રીત કેવી મીઠી છે! તારી પ્રીત દ્રાક્ષાસવ કરતાં અને તારા અત્તરની મહેક સર્વ પ્રકારના સુગંધીદ્રવ્યો કરતાં ઉત્તમ છે. 11 હે મારી નવોઢા, તારા હોઠો પર મધની મીઠાશ છે. તારી જીભ મારે માટે દૂધ અને મધ સમાન છે. તારાં વસ્ત્રોમાં લબાનોનની બધી જ સુવાસ ભરીભરી છે. 12 હે મારી પ્રિયા, મારી નવોઢા, તું તો પ્રતિબંધિત વાડી, અંગત વાટિકા અને ખાનગી ઝરા જેવી છે. 13 ત્યાં સર્વ પ્રકારનાં વૃક્ષો વિક્સે છે; દાડમની વાડીનાં વૃક્ષોની જેમ તે વધે છે અને ઉત્તમ ફળો આપે છે. ત્યાં મહેંદી અને જટામાંસી પણ છે. 14 તેમાં કેસર, સુગંધી બરુ, તજ અને લોબાનનાં સર્વ વૃક્ષો છે. બોળ, અગર અને સર્વ સુગંધીદ્રવ્યોના છોડ વૃદ્ધિ પામે છે. 15 ફૂવારા વાડીને ભીંજવે છે. વહેતા ઝરણાનાં જળ, લબાનોન પર્વત પરથી ધસી આવતાં નાળાં વાડીને સીંચે છે. પ્રિયતમા: 16 હે ઉત્તરના પવન, જાગૃત થા. હે દક્ષિણના પવન, આવ. મારી વાડી ઉપર તારી લહેરો લહેરાવ કે જેથી સુગંધીદ્રવ્યની સુગંધથી સમસ્ત વાતાવરણ મહેકી ઊઠે. મારા પ્રીતમને તેની વાડીમાં આવવા દો કે તે પોતાનાં કીમતી ફળ આરોગે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide