ગીતોનું ગીત 3 - પવિત્ર બાઇબલ C.L.1 મારા પલંગ પર પોઢી જતાં પ્રત્યેક રાત્રિ મને મારા પ્રીતમના સ્વપ્નમાં લઈ જતી. હું તેને ખોળતી હતી, પણ તે મારા હાથમાં આવતો નહિ. 2 તેથી હું નગરમાં, શેરીઓ અને સડકો પર, મારા પ્રીતમને ખોળવા ભમતી ફરી. મેં તેને ખોળ્યો, પણ તે મને મળ્યો નહિ. 3 નગરની રખેવાળી કરતા ચોકીદારોએ મને જોઈ. મેં તેમને પૂછયું, “મારા પ્રીતમને ક્યાંય ભાળ્યો?” 4 પણ તેમને છોડીને હું થોડેક આગળ ગઈ કે તે તરત જ મને મળી ગયો. હું તેને મારી માતાને ઘેર, છેક તેના ઓરડા સુધી લઈ આવી ત્યાં સુધી મેં તેને પકડી રાખ્યો અને છટકવા દીધો નહિ. 5 હે યરુશાલેમની નવયૌવનાઓ, હું તમને ચપળ હરણીઓ અને સાબરીઓના સોગન દઈને વીનવું છું કે તમે કોઈ અમારા પ્રેમમાં વિક્ષેપ પાડશો નહિ. ત્રીજું ગીત પ્રિયતમા: 6 ધુમાડાના સ્થંભ જેવો તથા બોળ, લોબાન અને વેપારીઓનાં બધાં સુગંધીદ્રવ્યોથી ફોરતો આ જે રણમાંથી આવી રહ્યો છે તે કોણ છે? 7 જુઓ, એ તો શલોમોન છે, જે પાલખીમાં બેસીને આવે છે. તેને ફરતે ઇઝરાયલના સાઠ જેટલા સુસજ્જ સૈનિકો તેના અંગરક્ષકો છે. 8 તેઓ બધા તલવારબાજીમાં અને યુદ્ધકળામાં કુશળ છે. રાત્રિહુમલાના ભયની આશંકાથી તેઓ સૌએ પોતાની તલવાર કમરે લટકાવેલી છે. 9 શલોમોન રાજાની પાલખી લબાનોનના ઉત્તમ લાકડામાંથી બનાવેલી છે. 10 તેના થાંભલા રૂપાના, આસન સોનાનું અને તકિયા જાંબલી વર્ણના છે. તેમાં યરુશાલેમની નવયૌવનાઓએ પ્રીતનું રૂપાળું ભરતકામ ભરેલું છે. 11 હે સિયોનની નવયૌવનાઓ, બહાર આવો અને શલોમોન રાજાને નિહાળો! તેના લગ્નના દિવસે, એટલે હર્ષોલ્લાસના પ્રસંગે, તેની માતાએ જે મુગટ તેને માથે મૂક્યો હતો તે તેણે પહેરી રાખેલો છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide