ગીતોનું ગીત 2 - પવિત્ર બાઇબલ C.L.1 હું તો શારોનનું ગુલાબ અને પર્વતની ખીણમાંનું પોયણું છું. પ્રીતમ: 2 કાંટાઓમાં ફૂલ હોય, તેમ નવયૌવનાઓ મધ્યે મારી પ્રિયતમા છે. પ્રિયતમા: 3 વનનાં વૃક્ષો મધ્યે સફરજનનું વૃક્ષ હોય, તેમ અન્ય નવયુવાનોમાં મારો પ્રીતમ છે. તેની છાયામાં બેસવાથી મને અત્યંત આનંદ થાય છે અને તેનું ફળ મને મીઠું લાગે છે. 4 તે મને તેના ભોજનખંડમાં લઈ આવ્યો અને મારા પર પોતાની પ્રીતિરૂપ વજા લહેરાવી. 5 સૂકી દ્રાક્ષોથી મને હોશમાં રાખો, અને સફરજનથી મને તાજગી પમાડો; કારણ, હું પ્રેમપીડિત છું. 6 તેનો ડાબો હાથ મારા માથા નીચે છે અને તેનો જમણો હાથ મને આલિંગન આપે છે. 7 હે યરુશાલેમની નવયૌવનાઓ, હું તમને ચપળ હરણીઓ અને સાબરીઓના સોગન દઈને વીનવું છું કે તમે કોઈ અમારા પ્રેમમાં વિક્ષેપ પાડશો નહિ. બીજું ગીત પ્રિયતમા: 8 મને મારા પ્રીતમનો સાદ સંભળાય છે. તે પહાડો પરથી દોડતો અને ટેકરીઓ કૂદતો મારી સમીપ આવી રહ્યો છે. 9 મારો પ્રીતમ હરણ કે મૃગલા જેવો લાગે છે. તે દીવાલ પાસે ઊભો છે. તે બારીમાંથી ડોકિયાં કરે છે અને પડદામાં થઈને તાકી રહ્યો છે. 10 મારા પ્રીતમે મને બોલાવી. હે મારી પ્રિયતમા, મારી લલના, મારી સાથે આવ. પ્રીતમ: 11 શિયાળો પૂરો થયો છે, વરસાદ થંભી ગયો છે. 12 સીમમાં ફૂલો ખીલી ઊઠયાં છે. ગાનતાનમાં ગુલતાન થવાની આ વેળા છે. ખેતરોમાં હોલાનું ગાયન સંભળાઈ રહ્યું છે. 13 અંજીરો પાકી રહ્યાં છે અને દ્રાક્ષવાડીઓમાંથી નાજુક દ્રાક્ષોની મહેક આવી રહી છે. મારી પ્રિયતમા, મારી લલના, આવ, મારી સાથે આવ. 14 તું તો ખડકની બખોલમાં સંતાઈ જનાર કબૂતરી જેવી છે. મને તારું મોં નીરખવા દે, કેમ કે તે રમણીય છે. મને તારો કંઠ સાંભળવા દે, કેમ કે તે મધુર છે. 15 નાનાં નાનાં શિયાળવાં અમારી ખીલી ઊઠેલી દ્રાક્ષવાડીને ભેલાડે તે પહેલાં તેમને પકડી લો. પ્રિયતમા: 16 મારો પ્રીતમ મારો જ છે અને હું તેની જ છું. તે પોતાનાં ટોળાં કમળકુંજમાં ચરાવે છે. 17 હે મારા પ્રીતમ, પરોઢનો હળુહળુ વાયુ વાય અને અંધારું લોપ થાય ત્યાં સુધીમાં મૃગના બચ્ચાની જેમ કે બેથેર પર્વતો પરના હરણની જેમ તું સત્વરે પાછો આવ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide