Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતોનું ગીત 1 - પવિત્ર બાઇબલ C.L.


પહેલું ગીત પ્રિયતમા:

1 શલોમોનનું શ્રેષ્ઠ ગીત

2 તારા હોઠોથી મને ચુંબન પર ચુંબન દે; કારણ કે તારી પ્રીત દ્રાક્ષાસવ કરતાં ય ચઢિયાતી છે.

3 ચોળાયેલા અત્તરની મહેક મનમોહક હોય છે; તારામાં એવી મહેક છે અને માત્ર તારા નામનો રણકો એ મહેકની યાદ તાજી કરાવે છે. માટે તો યુવાન સુંદરીઓ તારા પર પ્રેમ કરે છે.

4 મને તારા સાથમાં દોરી જા. એટલે અમે તારે પગલે દોડયાં આવીશું; તું મારો રાજા બન અને મને તારા શયનખંડમાં દોરી જા. અમે તારામાં મગ્ન થઈશું તથા આનંદ કરીશું; દ્રાક્ષાસવ કરતાં અમે તારા પ્રેમનાં વધારે વખાણ કરીશું. પ્રિયતમા: બધી નવયૌવનાઓ તને પ્રેમ કરે તે ઉચિત છે.


નવયૌવનાઓ:

5 હે યરુશાલેમની નવયૌવનાઓ, હું શ્યામ પણ સુંદર છું; રણમાંના કેદારના તંબુઓ જેવી હું કાળી છું, પણ શલોમોનના મહેલના પડદાઓ જેવી રૂપાળી છું.

6 મારા વર્ણને લીધે મારી સામે તુચ્છકારથી જોશો નહિ, કારણ, સૂર્યના તડકાએ મને દઝાડી છે. મારા બાંધવો મારા પર કોપાયમાન હતા. તેથી તેમણે મને દ્રાક્ષવાડીઓની ચોકી કરવાની કામગીરીમાં રોકી દીધી હતી. એને લીધે, મેં મારી દ્રાક્ષવાડીની, મારી જાતની દરકાર કરી નથી.

7 હે મારા પ્રીતમ, તું તારાં ટોળાં કઈ જગ્યાએ ચરાવે છે, તે મને જણાવ; ભરબપોરે તું તેમને કઈ જગ્યાએ વિસામો આપે છે તે કહે. શા માટે મારે બીજા ભરવાડોનાં ટોળામાં તારી શોધ કરવી પડે?


પ્રીતમ:

8 હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી, શું તું તે જગ્યા જાણતી નથી? તો પછી ટોળાંની પાછળ પાછળ ચાલી જા. ત્યાં ભરવાડોના તંબુઓ પાસે તારાં બકરાં માટે ચારો મળી રહેશે.

9 હે પ્રિયતમા, મેં તને ફેરોના રથે જોડેલા ઘોડાઓ સાથે સરખાવી છે.

10 તારા ગાલ પરની લટો રળિયામણી લાગે છે, અને તેનાથી તારી ડોક રત્નજડિત હારની જેમ આભૂષિત લાગે છે.

11 તો પણ અમે તારે માટે રૂપેરી તારકજડિત સોનાની સાંકળીઓ બનાવીશું.


પ્રિયતમા:

12 મારો રાજા પોતાના મિલનખંડમાં આરામ કરી રહ્યો છે, ત્યારે મારા જટામાંસીના અત્તરની મહેકથી વાતાવરણ મઘમઘી ઊઠયું છે.

13 મારાં બે સ્તનોની વચ્ચે પોઢેલો મારો પ્રીતમ મારે માટે સુગંધીદાયક બોળ જેવો છે.

14 મને મારો પ્રીતમ એન-ગેદીની દ્રાક્ષવાડીઓમાં ખીલી ઊઠેલાં જંગલી મેંદીનાં ફૂલોના ગુચ્છ જેવો લાગે છે.


પ્રીતમ:

15 હે મારી પ્રિયતમા, તું કેટલી બધી રૂપાળી અને મોહક છે! તારી આંખો પ્રેમથી ઝળહળે છે.


પ્રિયતમા:

16 હે મારા પ્રીતમ, તું કેટલો સુંદર અને મનોહર છે! હરિયાળું ઘાસ આપણી શય્યા બનશે.

17 ગંધતરુઓ આપણા ગૃહના ટેકણ-સ્થંભ થશે, અને દેવદારનાં વૃક્ષો તેની છત બનશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan