રૂથ 4 - પવિત્ર બાઇબલ C.L.રૂથના બોઆઝ સાથે લગ્ન 1 બોઆઝ ગામના દરવાજે એકઠા થવાની જગ્યાએ જઈને બેઠો. થોડીવારમાં બોઆઝે જેનો ઉલ્લેખ કર્યો હતો તે, એટલે એલીમેલેખનો વધારે નિકટનો સગો ત્યાં આવી પહોંચ્યો. બોઆઝે તેને કહ્યું, “આવ ભાઈ, અહીં બેસ.” તેથી તે ગયો. 2 તેના બેઠા પછી બોઆઝે ગામના આગેવાનોમાંથી દસને બોલાવ્યા અને તેમને કહ્યું, “આવો, અહીં બેસો.” એટલે તેઓ પણ બેઠા. 3 પછી બોઆઝે પેલા નિકટના સગાને કહ્યું, “નાઓમી મોઆબ દેશથી પાછી ફરી છે, અને તેણે આપણા ભાઈ એલીમેલેખની જમીન વેચવાનો નિર્ધાર કર્યો છે. 4 મને થયું કે તને પણ એ વાત જણાવું. હવે તારી ઇચ્છા હોય તો અહીં બેઠેલા લોકો અને આગેવાનોની રૂબરૂમાં તું તે જમીન ખરીદ કર. પણ જો તારે તે ન જોઈતી હોય, તો મને કહે; કારણ, તે ખરીદવાનો પહેલો હક્ક તારો છે અને તે પછી જ મારો હક્ક છે.” પેલા માણસે કહ્યું, “હું તે ખરીદીશ.” 5 ત્યારે બોઆઝે કહ્યું, “તારે નાઓમીનું ખેતર ખરીદવું હોય તો મરનારની વિધવા રૂથ સાથે તારે લગ્ન પણ કરવું પડશે; જેથી ખેતર મરનારના વારસામાં ચાલુ રહે.” 6 પેલા માણસે ઉત્તર આપ્યો, “તો પછી હું એ ખેતર ખરીદી શકું તેમ નથી. કારણ, એમ કરવા જતાં હું મારો પોતાનો વારસો ખોઈ બેસું તેવું જોખમ છે. મારે એવું કરવું નથી; ખેતર ખરીદવાના મારા હક્કનો ઉપયોગ તમે જ કરો.” 7 હવે પ્રાચીન સમયમાં ઇઝરાયલમાં વેચવા-બદલવાનું કામ આવી રીતે થતું: વેચનાર પોતાનું ચંપલ ઉતારી સાક્ષીઓની રૂબરૂમાં ખરીદનારને આપતો. વાત પાકી થઈ છે તેનો કરાર કરવાની એ રીત હતી. 8 તેથી પેલા માણસે જ્યારે બોઆઝને જમીન ખરીદવા કહ્યું ત્યારે તેણે પોતાનું ચંપલ ઉ તારી બોઆઝને આપ્યું. 9 બોઆઝે આગેવાનોને તથા સર્વ લોકોને કહ્યું, “તમે બધા સાક્ષી છો કે, એલીમેલેખ, કિલ્યોન તથા માહલોનની સર્વ માલમિલક્ત હું આજે ખરીદી લઉં છું. 10 વળી, માહલોનની વિધવા મોઆબ દેશની રૂથને મારી પત્ની કરી લઉં છું કે જેથી મરનારનો વારસો તેના કુટુંબમાં જ રહે અને તેના લોકોમાં અને તેના વતનમાં તેનું નામ ચાલુ રહે અને નાબૂદ ન થઈ જાય. તમે સૌ આ વાતના સાક્ષી છો.” 11 લોકોએ કહ્યું, “હા, અમે સાક્ષી છીએ.” વળી, આગેવાનોએ કહ્યું, “પ્રભુ એવું કરે કે તારા ઘરમાં આવનાર સ્ત્રી રાહેલ અને લેઆહના જેવી ફળવંત થાય. તું એફ્રાથી ગોત્રમાં સમૃદ્ધ અને બેથલેહેમમાં નામાંક્તિ થાઓ. 12 વળી, આ યુવાન સ્ત્રી દ્વારા પ્રભુ તને જે સંતાન આપે તેમનાથી તારો વંશ યહૂદા અને તામારના પુત્ર પેરેસના વંશ જેવો થાઓ.” બોઆઝ અને તેના વંશજો 13 બોઆઝે રૂથ સાથે લગ્ન કર્યું, અને તે તેની પત્ની થઈ. પ્રભુકૃપાએ તે તેનાથી ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો. 14 સ્ત્રીઓએ નાઓમીને કહ્યું, “પ્રભુને ધન્ય હો! તારી સંભાળ લેવા તેમણે તને આ પુત્ર આપ્યો છે. તે ઈઝરાયલમાં નામાંક્તિ થાઓ. 15 તારે માટે તે તાજગી લાવો અને તારી વૃદ્ધાવસ્થામાં તે તારો આધાર બનો. કારણ, તેને જન્મ આપનાર તારી પુત્રવધૂ તારા પર પ્રેમ રાખે છે; તને તો તે સાત દીકરા કરતાં પણ વધારે છે.” 16 નાઓમી છોકરાને પોતાની ગોદમાં લઈને તેનું લાલનપાલન કરતી. 17 નાઓમીને પુત્ર જન્મ્યો છે, એમ કહીને પડોશણોએ તેનું નામ ઓબેદ પાડયું. ઓબેદ તો દાવિદના પિતા યિશાઈનો પિતા હતો. દાવિદની વંશાવળી 18-22 પેરેસથી દાવિદ સુધીની વંશાવળી આ પ્રમાણે છે: પેરેસ, હેસ્રોન, રામ, આમ્મીનાદાબ, માહશોન, સાલ્મોન, બોઆઝ, ઓબેદ, યિશાઈ, દાવિદ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide