રૂથ 3 - પવિત્ર બાઇબલ C.L.રૂથ બોઆઝને મળે છે 1 એક દિવસે નાઓમીએ રૂથને કહ્યું, “મારી દીકરી, તારું ઘર બંધાય અને તારું ભલું થાય તે માટે હું તારે સારુ એક પતિ શોધી કાઢું એ ઇચ્છવાજોગ છે. 2 જેના મજૂરોની સાથે તું કામ કરતી હતી તે બોઆઝ આપણો નિકટનો સગો છે. જો, આજે રાત્રે તે જવ ઉપણી રહ્યો છે. 3 માટે નાહીધોઈને તથા અત્તર લગાવીને તેમ જ સારામાં સારાં વસ્ત્ર પહેરીને તું અનાજના ખળાએ જા. પરંતુ તે ખાઈપી રહે ત્યાં સુધી તેને તારી ખબર પડવા દઈશ નહિ. 4 તે સૂવા જાય ત્યારે તેની સૂવાની જગ્યા જોઈ લેજે. તે પછી તેના પગે ઓઢેલું ખસેડીને ત્યાં સૂઈ જજે. પછી તારે શું કરવું એ તને તે કહેશે.” 5 રૂથે જવાબ આપ્યો, “તમારા કહ્યા પ્રમાણે હું બધું કરીશ.” 6 એ રીતે રૂથ અનાજના ખળાએ ગઈ અને તેની સાસુની સૂચના પ્રમાણે સઘળું કર્યું. 7 બોઆઝ ખાઈપી રહ્યો અને તે ખુશમિજાજમાં હતો. પછી તે જવના ઢગલા પાસે જઈ ઊંઘી ગયો. રૂથ ધીરેથી ગઈ અને બોઆઝના પગે ઓઢેલું ખસેડીને ત્યાં સૂઈ ગઈ. 8 આશરે મધરાતે બોઆઝ અચાનક જાગી ગયો અને પાસું ફેરવીને જોયું તો પોતાના પગ પાસે એક સ્ત્રી સૂતી હતી. 9 તેણે પૂછયું, “તું કોણ છે?” રૂથે જવાબ આપ્યો, “એ તો હું તમારી દાસી રૂથ છું. તમે મારા નિકટના સગા છો, અને અમારી સંભાળ લેવાની જવાબદારી તમારી છે. માટે તમારું વસ્ત્ર મને ઓઢાડો, મારો સ્વીકાર કરો અને મને આશ્રય આપો.” 10 બોઆઝે કહ્યું, “રૂથ, પ્રભુ તને આશિષ આપો! તેં તારી સાસુ માટે અગાઉ જે ભલાઈ દર્શાવી એના કરતાં અત્યારે તું જે રીતે વર્તી રહી છે તેમાં તેં કુટુંબ પ્રત્યે વિશેષ નિષ્ઠા દાખવી છે. કારણ, તું કોઈ ગરીબ કે ધનવાન જુવાન પાસે પહોંચી ગઈ નથી. 11 તો હવે ચિંતા કરીશ નહિ. તું કહે છે તે પ્રમાણે હું કરીશ. ગામના બધા લોકો જાણે છે કે તું ચારિયવાન સ્ત્રી છે. 12 અલબત્ત, હું તમારો નિકટનો સગો છું અને તમારા માટે જવાબદાર છું; પણ એક બીજો માણસ મારા કરતાંય વિશેષ નિકટનો સગો છે. 13 તેથી બાકીની રાત અહીં જ સૂઈ રહે. પેલો માણસ તમારી જવાબદારી લેશે કે નહિ તે અમે સવારે શોધી કાઢીશું. તે જવાબદારી લે તો ઠીક, અને ન લે તો જીવતા પ્રભુના સમ ખાઉં છું કે હું તે જવાબદારી અદા કરીશ. જા, હવે સૂઈ જા.” 14 એમ રૂથ તેના પગ આગળ સૂઈ રહી, પરંતુ અજવાળું થતાં પહેલાં તે ઊઠી ગઈ. કારણ કે બોઆઝે તેને કહ્યું હતું કે તે ત્યાં ગઈ છે એની કોઈને ખબર પડવી જોઈએ નહિ. 15 પછી બોઆઝે તેને કહ્યું, “તારું ઓઢણું લાવી અહીં પાથર.” એટલે રૂથે એમ કર્યું. બોઆઝે વીસેક કિલો જવ તેમાં નાખ્યા અને તેને ખભે ચઢાવ્યા. પછી રૂથ પાછી ગામમાં ગઈ. 16 તે ઘેર જઈ તેની સાસુને મળી એટલે તેણે તેને પૂછયું, “શું થયું, દીકરી?” ત્યારે બોઆઝે રૂથ માટે જે જે કર્યું હતું તે બધું તેણે કહી સંભળાવ્યું. તે બોલી, 17 “તેમણે જ મને આ વીસેક કિલો જવ આપ્યા છે, કેમ કે તેમણે કહ્યું કે મારે તમારી પાસે ખાલી હાથે પાછા ફરવું નહિ.” 18 નાઓમીએ તેને કહ્યું, “હવે આનું કેવું પરિણામ આવે છે તેની જાણ થતાં સુધી ધીરજ રાખ. કારણ, આ વાતનો નિવેડો લાવ્યા વગર બોઆઝ જંપીને બેસવાનો નથી.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide