રૂથ 2 - પવિત્ર બાઇબલ C.L.બોઆઝના ખેતરમાં રૂથ 1 નાઓમીના પતિનો એક શ્રીમંત અને વગદાર સગો હતો. તે એલીમેલેખનો કુટુંબી હતો. તેનું નામ બોઆઝ હતું. 2 રૂથે નાઓમીને કહ્યું, “મને ખેતરમાં જવા દો. ત્યાં હું લણનારાઓથી રહી જતાં અનાજનાં કણસલાં એકઠાં કરીશ. મારા પ્રત્યે રહેમનજર દાખવનારની પાછળ પાછળ જઈ હું વીણવાનું કામ કરીશ.” ત્યારે નાઓમીએ કહ્યું, “દીકરી, ભલે જા.” 3 તેથી રૂથ ખેતરમાં ગઈ અને લણનારા માણસોની પાછળ ફરીને કણસલાં વીણવા લાગી. પ્રભુકૃપાએ તે જે ખેતરમાં ગઈ તે તો એલીમેલેખના સગા બોઆઝનું જ હતું. 4 થોડીવાર પછી બોઆઝ પોતે બેથલેહેમથી આવ્યો. લણનારાઓને શુભેચ્છા પાઠવતાં તેણે કહ્યું, “પ્રભુ તમારી સાથે રહો.” તેમણે પણ જવાબ વાળ્યો, “પ્રભુ તમને આશિષ આપો.” 5 લણનારાઓ પર દેખરેખ રાખનારને બોઆઝે પૂછયું, “પેલી યુવતી કોણ છે?” 6 તેણે જવાબ આપ્યો, “એ તો નાઓમી સાથે મોઆબ દેશથી આવેલી પરદેશી યુવતી છે. 7 તેણે મને કહ્યું, ‘મહેરબાની કરીને મને લણનારાઓની પાછળ પાછળ ફરીને કણસલાં એકઠાં કરવા દો.’ એમ વહેલી સવારથી અત્યાર સુધી તેણે કામ કર્યું છે અને હજી હમણાં જ તે છાપરી તળે આરામ લેવા થોભી છે.” 8 ત્યારે બોઆઝે રૂથને કહ્યું, “સાંભળ બહેન, કણસલાં વીણવા આ ખેતર સિવાય બીજે ક્યાંય જઈશ નહિ. અહીં જ રહેજે અને અહીં લણનારી સ્ત્રીઓ સાથે કામ કરજે. 9 ખેતરના કયા ભાગમાં કાપણી થાય છે તેનું ધ્યાન રાખજે અને તેમની પાછળ પાછળ કામ કરજે. મારા મજૂરો તને કંઈ કનડગત કરે નહિ એવી મેં તેમને આજ્ઞા કરી છે. તને તરસ લાગે ત્યારે કામ કરનાર માણસોએ ભરેલાં માટલાંમાંથી પીજે.” 10 રૂથે ભૂમિ સુધી નમીને પ્રણામ કરતાં કહ્યું, “હું એક પરદેશી સ્ત્રી હોવા છતાં તમે મારી કેટલી બધી કાળજી લો છો!” 11 બોઆઝે જવાબ આપ્યો, “તારા પતિના મરણ પછી તું તારી સાસુ સાથે કેવી સારી રીતે વર્તી છે તે મેં સાંભળ્યું છે. તું તારાં માબાપ તથા તારી જન્મભૂમિ છોડીને અજાણ્યા લોકોમાં વસવા આવી છે તે બધું હું બરાબર જાણું છું. 12 તારા એ કાર્ય માટે પ્રભુ તને આશિષ આપો. જેમની પાંખોની છાયા તળે તું આશ્રય લેવા આવી છે તે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તને તેનો ભરીપૂરીને બદલો આપો.” 13 રૂથે જવાબ આપ્યો, “સાહેબ, મારા પર રહેમનજર રાખજો. હું તો તમારા એક નોકર જેવી પણ નથી તો ય તમે મારી સાથે માયાળુપણે બોલ્યા છો તેથી મને હૈયાધારણ મળી છે.” 14 બપોરે જમતી વેળાએ બોઆઝે રૂથને કહ્યું, “અહીં આવ, ને આ શાકમાં રોટલી બોળીને ખા.” તેથી લણનારાઓની સાથે રૂથ પણ જમવા બેઠી. બોઆઝે તેને પોંક આપ્યો. તેણે તે ધરાઈને ખાધા પછી પણ થોડોક પોંક વધ્યો. 15 તે કણસલાં વીણવા ઊઠી એટલે બોઆઝે કામ કરનારા મજૂરોને આજ્ઞા આપી, “એને પૂળાઓમાંથી પણ વીણવા દેજો. તેને કંઈ રોકટોક કરશો નહિ. 16 વળી, પૂળાઓમાંથી થોડાંક કણસલાં ખેંચી કાઢીને પણ તેને માટે જમીન પર રહેવા દેજો. એને વીણવા દેજો, ને ધમકાવશો નહિ.” 17 એમ રૂથે સાંજ સુધી કણસલાં વીણ્યાં. પછી પોતે વીણેલાં કણસલાં ઝૂડયાં તો તેમાંથી દસેક કિલો દાણા નીકળ્યા. 18 તે લઈને તે ગામમાં ગઈ અને પોતાની સાસુને વીણેલા દાણા બતાવ્યા. વળી, તૃપ્ત થયા પછી વધેલો પોંક પણ તેણે નાઓમીને આપ્યો. 19 નાઓમીએ તેને પૂછયું, “આજે તું કોના ખેતરમાં વીણવા ગઈ હતી? તારા પ્રત્યે રહેમનજર રાખનાર માણસ પર ઈશ્વરનો આશીર્વાદ ઊતરો.” રૂથે કહ્યું, “મેં બોઆઝ નામે એક માણસના ખેતરમાં કામ કર્યું હતું.” 20 નાઓમીએ તેને કહ્યું, “પ્રભુ બોઆઝને આશિષ આપો. પ્રભુ તો જીવતાં અને મરેલાં સાથેનાં પોતાનાં વચન પાળે છે.” વળી, તેણે કહ્યું, “આ માણસ આપણો નિકટનો સગો છે. આપણી સંભાળ લેવાની જવાબદારી જેમને શિર છે તેમાંનો તે એક છે.” 21 ત્યારે રૂથે કહ્યું, “વળી, કાપણી પૂરી થાય ત્યાં સુધી તેમની કામ કરનારી સ્ત્રીઓ સાથે વીણવાનું કામ ચાલુ રાખવા તેમણે મને કહ્યું છે.” 22 નાઓમીએ રૂથને કહ્યું, “હા દીકરી, તું બીજા કોઈના ખેતરમાં જાય અને તને કદાચ કોઈ હેરાન કરે એના કરતાં બોઆઝની કામ કરનારી સ્ત્રીઓ સાથે તું રહે એ સારું છે.” 23 એથી રૂથે બોઆઝના મજૂરો સાથે કામ કર્યું. જવની અને પછી ઘઉંની પણ કાપણી પૂરી થઈ ત્યાં સુધી રૂથે બોઆઝના મજૂરોની પાછળ પાછળ કણસલાં વીણવાનું રાખ્યું. રૂથ પોતાની સાસુની સાથે જ રહેતી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide