રૂથ 1 - પવિત્ર બાઇબલ C.L.એલીમેલેખનું કુટુંબ મોઆબ જાય છે 1 ઇઝરાયલ દેશમાં ન્યાયાધીશો વહીવટ કરતા હતા ત્યારે ત્યાં એકવાર કારમો દુકાળ પડયો. એથી યહૂદિયા પ્રાંતના બેથલેહેમ ગામમાંથી એક માણસ પોતાની પત્ની અને બે પુત્રો સાથે મોઆબ દેશમાં જઈને થોડાએક સમય માટે વસ્યો. 2 તે માણસનું નામ એલીમેલેખ, તેની પત્નીનું નામ નાઓમી અને તેના બે પુત્રોનાં નામ માહલોન અને કિલ્યોન હતાં. તેઓ બેથલેહેમમાં વસેલા એફ્રાથી ગોત્રનાં હતાં. તેઓ મોઆબ દેશમાં જઈને ત્યાં જ ઠરીઠામ થયાં. 3 થોડા સમય બાદ એલીમેલેખનું મરણ થયું, અને તે પોતાની પાછળ નાઓમી અને બે પુત્રોને મૂકી ગયો. નાઓમી તેના બે પુત્રોની સાથે રહેતી. 4 તેમણે મોઆબ દેશની યુવતીઓ સાથે લગ્ન કર્યાં, એકનું નામ ઓર્પા અને બીજીનું નામ રૂથ હતું. તેઓ મોઆબ દેશમાં લગભગ દસ વર્ષ રહ્યાં. 5 એ અરસામાં માહલોન અને કિલ્યોન પણ મરણ પામ્યા. પતિ અને પુત્રોથી વિયોગી થતાં નાઓમી એકલી જ રહી ગઈ. રૂથ અને નાઓમી બેથલેહેમ પાછા ફર્યાં 6 નાઓમીને મોઆબ દેશમાં જ ખબર પડી કે પ્રભુએ પોતાના લોક પર રહેમનજર કરીને મબલક પાક આપ્યો છે. તેથી તે પોતાની બે પુત્રવધૂઓ સાથે મોઆબ દેશ છોડીને પોતાના વતનમાં પાછી જવા તૈયાર થઈ. 7 તેઓ રહેતાં હતાં ત્યાંથી તે પોતાની બે પુત્રવધૂઓ સાથે ચાલી નીકળી અને યહૂદિયા પાછી જવાને રસ્તે પડી. 8 પણ રસ્તે જતાં નાઓમીએ તેમને કહ્યું, “હવે તમે પાછી જાઓ, ને તમારા પિયરમાં જ રહો. તમે જેમ મારી અને મારા કુટુંબની સાથે ભલાઈપૂર્વક વર્તી છો તેમ પ્રભુ પણ તમારી સાથે વર્તો. 9 ઈશ્વર એવું કરો કે તમારાં ફરી લગ્ન થાય અને તમારું ઘર બંધાય.” એમ બોલીને નાઓમીએ તેમને ચુંબન કરી વિદાય આપી. તેઓ પોક મૂકીને રડી પડી. 10 તેમણે નાઓમીને કહ્યું, “ના, ના, અમે તો તમારી સાથે તમારા લોક પાસે જ આવીશું.” 11 નાઓમીએ કહ્યું, મારી દીકરીઓ, તમારે પાછા ફરવું જ જોઈએ. મારી સાથે આવવાથી તમને કંઈ લાભ થવાનો નથી. શું તમારી સાથે લગ્ન કરાવવા મારી પાસે હજી પણ પુત્રો છે? 12 દીકરીઓ, પાછી ફરો. ફરી લગ્ન કરવાની મારી ઉંમર વીતી ગઈ છે. છતાં હું માનું કે હજી મારે વિષે કંઈક આશા છે અને ધારો કે આજે રાત્રે જ હું લગ્ન કરું અને પુત્રો થાય, 13 તો ય તેઓ ઉંમરલાયક થાય ત્યાં સુધી તમે રાહ જોશો? ત્યાં સુધી તમે લગ્ન કર્યા વિના એકલી રહેશો? ના, મારી દીકરીઓ, એવી વાત તમારા કરતાં મારે માટે વધુ દુ:ખદાયક છે; કારણ, પ્રભુનો હાથ મારી વિરુદ્ધ થયો છે.” 14 ત્યારે તેઓ ફરીથી પોક મૂકીને રડી. ઓર્પાએ પોતાની સાસુને ચુંબન કરીને પોતાના લોક પાસે પાછા જવા માટે વિદાય લીધી, પરંતુ રૂથ તો નાઓમીને વળગી રહી. 15 ત્યારે નાઓમીએ રૂથને કહ્યું, “જો તારી દેરાણી પોતાનાં સ્વજનો અને પોતાના દેવતાઓ પાસે પાછી ફરી છે. તું પણ તેની સાથે જા.” 16 પરંતુ રૂથે કહ્યું, “તમને છોડીને મને પાછી જવાનું ન કહેશો. તમારી સાથે આવતાં મને ન રોકશો. કારણ, જ્યાં તમે જશો ત્યાં હું પણ આવીશ, અને જ્યાં તમે વસશો ત્યાં જ હું વસીશ. તમારાં સ્વજનો તે મારાં સ્વજનો, અને તમારા ઈશ્વર તે મારા ઈશ્વર થશે. 17 જ્યાં તમે મરણ પામશો ત્યાં જ હું પણ મરણ પામીશ અને ત્યાં જ મારું દફન થશે. જો હું મરણ સિવાય બીજા કશાથી તમારાથી વિખૂટી થાઉં તો પ્રભુ મારી ખુવારી કરી નાખો.” 18 જ્યારે નાઓમીએ જોયું કે રૂથે તેની સાથે જવાનો દૃઢ નિર્ધાર કર્યો છે ત્યારે તેણે તેને વધુ સમજાવવાનું પડતું મૂકાયું. 19 તેઓ મુસાફરી કરતાં કરતાં બેથલેહેમ આવી પહોંચ્યાં. તેઓ ગામમાં પ્રવેશ્યાં ત્યારે તેમને જોઈને નગરજનો આશ્ર્વર્યમાં પડી ગયા અને સ્ત્રીઓ કહેવા લાગી, “અરે, નાઓમીની આવી દશા થઈ છે?” 20 ત્યારે નાઓમીએ તેમને કહ્યું, “મને નાઓમી (મીઠી) એટલે સુખી કહીને ન બોલાવશો, મને તો ‘મારા’ (કડવી) એટલે દુ:ખી કહો; કારણ, સર્વસમર્થ ઈશ્વરે મારા પ્રત્યે કઠોર વર્તન દાખવ્યું છે. 21 હું અહીંથી ભરીભાદરી નીકળી હતી, પણ પ્રભુ મને ખાલી હાથે પાછી લાવ્યા છે. સર્વસમર્થ પ્રભુએ પોતે જ મને દુ:ખી કરી છે અને મારી સાથે આમ વર્ત્યા છે. તો મને શા માટે ‘સુખી’ કહીને બોલાવો છો?” 22 આમ, નાઓમી પોતાની પુત્રવધૂ રૂથ સાથે મોઆબ દેશમાંથી પાછી આવી. તેઓ જવની કાપણીની શરૂઆતમાં બેથલેહેમ આવ્યાં. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide