Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

રોમનોને પત્ર 9 - પવિત્ર બાઇબલ C.L.


ઈશ્વર અને તેમના પસંદ કરાયેલા લોક

1 હું ખ્રિસ્તનો છું તેથી સત્ય જણાવું છું, અને જૂઠું બોલતો નથી. પવિત્ર આત્માને આધીન થયેલી મારી પ્રેરકબુદ્ધિ ખાતરી આપે છે કે હું જૂઠું કહેતો નથી.

2 મને અત્યંત શોક થાય છે. મારા લોકને માટે મારા હૃદયમાં હંમેશાં વેદના થાય છે.

3 મારા જાતભાઈઓ, હા, મારા લોહીનાં સગાને ખાતર ઈશ્વરનો શાપ વહોરી લઈ ખ્રિસ્તથી જાણે કે વિમુખ થઈ જાઉં એવી ઇચ્છા મને થઈ આવે છે!

4 ઇઝરાયલીઓ ઈશ્વરના પસંદ કરાયેલા લોક છે. પુત્રો થવાનો હક્ક, મહિમા, કરારો, નિયમશાસ્ત્ર, ભજનક્રિયા તથા ઈશ્વરનાં વચનો તેમને જ આપવામાં આવ્યાં છે.

5 તેઓ જ આદિ પૂર્વજોના વંશજો છે. શારીરિક રીતે ખ્રિસ્ત પણ તેમના વંશના છે. સર્વ પર રાજ કરનાર ઈશ્વરનો સદા મહિમા હો! આમીન.

6 મારું કહેવું એમ નથી કે ઈશ્વરનું વચન નિષ્ફળ ગયું છે. કારણ, સર્વ ઇઝરાયલ ઈશ્વરના પસંદ કરાયેલા લોક નથી.

7 વળી, અબ્રાહામના બધા જ વંશજો કંઈ ઈશ્વરનાં સંતાનો નથી. ઈશ્વરે અબ્રાહામને કહ્યું, “ફક્ત ઇસ્હાકનાં સંતાનો તારા વંશમાં ગણાશે.”

8 એટલે, કુદરતી રીતે જન્મ પામેલાંઓ ઈશ્વરનાં સંતાનો નથી; પણ ઈશ્વરના વચન પ્રમાણે જેઓ જન્મ પામ્યા છે, તેઓ ખરા વંશજો ગણાય છે.

9 કારણ, ઈશ્વરનું વચન આવા શબ્દોમાં મળ્યું હતું: “યોગ્ય સમયે હું પાછો આવીશ અને સારાને પુત્ર જનમશે.”

10 એટલું જ નહિ, રિબકાને આપણા પૂર્વજ ઇસ્હાકથી બે પુત્રો થયા.

11 બેમાંથી એક પુત્રની પસંદગી સંપૂર્ણપણે ઈશ્વરના ઇરાદા પ્રમાણે જ હતી એ જણાય તે માટે તેમણે તેને કહ્યું, “મોટો પુત્ર નાના પુત્રની સેવા કરશે.”

12 તેમના જન્મ પહેલાં, અને હજુ તો તેમણે કંઈ સારું કે નરસું કર્યું ન હતું તે પહેલાં, આ વાત ઈશ્વરે કહી હતી. આમ, ઈશ્વરની પસંદગી કરેલાં કાર્યો પર નહિ, પણ ઈશ્વરના આમંત્રણ પર આધારિત હતી.

13 ધર્મશાસ્ત્રમાં લખેલું છે: “યાકોબ ઉપર મેં પ્રેમ રાખ્યો, પણ એસાવનો ધિક્કાર કર્યો.”

14 તો આપણે શું અનુમાન કરીએ? શું ઈશ્વર અન્યાયી છે? કદી નહિ.

15 તેમણે મોશેને જણાવ્યું, “હું મારી ઇચ્છા પ્રમાણે કોઈના ઉપર દયા કે કૃપા કરીશ.”

16 આથી પસંદગીનો આધાર માણસની ઇચ્છા કે કાર્ય ઉપર નહિ, પણ ફક્ત ઈશ્વરની દયા ઉપર છે.

17 કારણ, શાસ્ત્રકથન ઇજિપ્તના રાજા ફેરો વિષે કહે છે: “તારી મારફતે હું મારું સામર્થ્ય દર્શાવું, અને મારું નામ આખી પૃથ્વી ઉપર જાહેર થાય, માટે મેં તને રાજા બનાવ્યો છે.”

18 આમ, ઈશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે કોઈના ઉપર દયા કરે છે, અને કોઈનું હૃદય કઠણ કરે છે.


સર્વસત્તાધીશ ઈશ્વર

19 તમારામાંથી કદાચ કોઈ કહેશે કે, “જો એમ જ હોય, તો ઈશ્વર માણસનો વાંક કેવી રીતે કાઢી શકે? કારણ, ઈશ્વરની ઇચ્છાને કોણ અટકાવી શકે?”

20 મારા મિત્ર, ઈશ્વરની સામે દલીલ કરનાર તું કોણ છે? “તેં મને આવું કેમ બનાવ્યું?” એવું માટીનું પાત્ર પોતાના બનાવનારને પૂછી શકે નહિ.

21 ગારામાંથી પાત્ર ઘડનારને માટીનો ફાવે તેવો ઉપયોગ કરવાનો હક્ક છે. માટીના એક જ લોંદામાંથી એક ખાસ પ્રસંગને માટે અને બીજું સામાન્ય વપરાશને માટે, એમ બે પ્રકારનાં પાત્ર તે બનાવી શકે છે.

22 એ જ પ્રમાણે ઈશ્વરે જે કર્યું છે તે સાચું છે. ઈશ્વર પોતાનો કોપ પ્રગટ કરવા તથા પોતાનું સામર્થ્ય બતાવવા માગતા હતા. જે માણસો ઈશ્વરના કોપને પાત્ર હતા, અને નાશને માટે તૈયાર થઈ ચૂક્યા હતા, તેમના ઉપર કોપ કરવામાં ઈશ્વરે ખૂબ ધીરજ રાખી.

23 વળી, આપણે, જેમને ઈશ્વરે મહિમાવંત કરવા અગાઉથી તૈયાર કર્યાં એવા કૃપાનાં પાત્રો સમક્ષ તે પોતાના મહિમાની સમૃદ્ધિ પ્રગટ કરે.

24 એ માટે તેમણે આપણને ફક્ત યહૂદીઓમાંથી જ નહિ, પણ બિનયહૂદીઓમાંથી પણ બોલાવેલા છે.

25 હોશિયાના પુસ્તકમાં લખેલું છે: “જે પ્રજા મારી નથી, તેને હું મારી પ્રજા કરીશ; જે પ્રજા ઉપર મેં પ્રેમ કર્યો નથી, તેને હું પ્રિય પ્રજા કહીશ.”

26 વળી જે જગ્યાએ તેમને કહેવામાં આવેલું કે, “તમે મારી પ્રજા નથી.” તે જ જગ્યાએ, “તેઓ જીવંત ઈશ્વરના પુત્રો કહેવાશે.” એવું કહેલું છે.

27 યશાયા ઇઝરાયલીઓ વિષે ઘોષણા કરે છે: “જોકે ઇઝરાયલીઓની સંખ્યા સમુદ્રની રેતીના કણ જેટલી હોય, તો પણ તેમનામાંથી થોડા જ ઉદ્ધાર પામશે.

28 કારણ, ઈશ્વર પોતે ફરમાવેલી સજાનો પૂરેપૂરો અમલ પૃથ્વી ઉપર વિના વિલંબે કરશે.”

29 યશાયાએ પહેલાં કહ્યું હતું: “જો સર્વસમર્થ પ્રભુએ આપણી જાતિના થોડાક માણસો પણ રહેવા દીધા ન હોત, તો આપણી હાલત સદોમ અને ગમોરા નગરોના જેવી હોત.”


ઇઝરાયલ અને શુભસંદેશ

30 તો આપણે શું કહીશું? એ જ કે જે બિનયહૂદીઓ પોતાને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવા પ્રયાસ કરતા નહોતા, તેમને વિશ્વાસ કરવા દ્વારા તેમની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવામાં આવ્યા છે.

31 એથી ઊલટું, ઇઝરાયલી લોકોએ તેમને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લવાય તે માટે નિયમ પાલનનો પ્રયાસ કર્યો; પણ તેમાં તેમને સિદ્ધિ મળી નહિ.

32 એવું શા માટે થયું? એટલા માટે કે તેમણે વિશ્વાસ કરવાને બદલે કાર્યો ઉપર આધાર રાખ્યો. તેમણે ઠોકર ખવડાવનાર પથ્થર આગળ ઠોકર ખાધી.

33 શાસ્ત્રમાં આ પ્રમાણે લખેલું છે: “જુઓ, હું સિયોનમાં એક પથ્થર મૂકું છું, જેના ઉપર લોકો ઠોકર ખાશે; એક એવો ખડક કે જેનાથી લોકો પડી જશે. પણ જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે, તે કદી નિરાશ થશે નહિ.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan