રોમનોને પત્ર 8 - પવિત્ર બાઇબલ C.L.પવિત્ર આત્મામય જીવન 1 જેઓ ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા છે તેમને માટે કોઈ સજા નથી; 2 કારણ, ખ્રિસ્ત ઈસુની સાથે મેળવાયા હોવાથી આત્માનો નિયમ મને જીવન આપે છે. તેણે મને પાપ અને મરણના નિયમથી મુક્ત કર્યો છે. 3 માનવી સ્વભાવની દુર્બળતાને કારણે નિયમશાસ્ત્ર જે કરી શકાયું નહિ તે ઈશ્વરે કર્યું. તેમણે પાપ કરવાની ક્ષમતા ધરાવતા આપણા માનવી સ્વભાવ જેવો સ્વભાવ લઈને પોતાના પુત્રને પ્રાયશ્ર્વિત બલિ તરીકે મોકલ્યા અને માનવી સ્વભાવમાં રહેલી પાપવૃત્તિને સજા ફરમાવી. 4 આપણે જેઓ માનવી સ્વભાવ પ્રમાણે નહિ, પણ આત્માથી જીવીએ છીએ, તેમનામાં નિયમની યોગ્ય માગણીઓ પરિપૂર્ણ થાય તે માટે ઈશ્વરે એ પ્રમાણે કર્યું. 5 જેઓ માનવી સ્વભાવ પ્રમાણે જીવે છે, તેમનાં મન માનવી સ્વભાવના કાબૂમાં છે. જેઓ આત્મા પ્રમાણે જીવે છે, તેમનાં મન આત્માના કાબૂમાં છે. 6 માનવી સ્વભાવને આધીન થતાં મરણ આવે છે; જ્યારે આત્માને આધીન થતાં જીવન તથા શાંતિ મળે છે. 7 માનવી સ્વભાવ પ્રમાણે ચાલતો માણસ ઈશ્વરનો દુશ્મન બને છે; કારણ, તે ઈશ્વરના નિયમને આધીન થતો નથી. હકીક્તમાં તો, તે આધીન થઈ શક્તો જ નથી. 8 જેઓ પોતાના માનવી સ્વભાવને આધીન થાય છે, તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શક્તા નથી. 9 જો તમારામાં ઈશ્વરનો આત્મા વસતો હોય, તો તમે માનવી સ્વભાવ પ્રમાણે નહિ, પણ આત્મા પ્રમાણે જીવો છો. જેની પાસે ખ્રિસ્તનો આત્મા નથી, તે ખ્રિસ્તનો નથી. 10 જો ખ્રિસ્ત તમારામાં વસે છે, તો પાપને કારણે તમારું શરીર તો મરણશીલ છે; પણ ઈશ્વર સાથે સુમેળમાં આવ્યા હોવાથી તમારો આત્મા જીવે છે. 11 જેમણે ઈસુને મરણમાંથી સજીવન કર્યા, તે ઈશ્વરનો આત્મા જો તમારામાં વસે છે, તો જેમણે ઈસુને મરણમાંથી સજીવન કર્યા તે તમારાં નાશવંત શરીરોને તમારામાં વસનાર આત્માની મારફતે સજીવન કરશે. 12 તેથી, મારા ભાઈઓ, આપણે જવાબદાર છીએ, પણ આપણા માનવી સ્વભાવ પ્રમાણે જીવવાને બંધાયેલા નથી. 13 જો તમે માનવી સ્વભાવ પ્રમાણે જીવશો, તો મરશો જ; પણ આત્માથી પાપી કાર્યોને મારી નાખો, તો તમે જીવશો. ઈશ્વરના પુત્રો 14 જેઓ ઈશ્વરના આત્માથી દોરાય છે, તેઓ ઈશ્વરના પુત્રો છે. 15 ઈશ્વરે જે આત્મા તમને આપ્યો છે, તે તમને ગુલામ બનાવતો નથી, કે નથી તમને ગભરાવતો. એથી ઊલટું, પવિત્ર આત્મા આપણને ઈશ્વરના પુત્રો બનાવે છે. પવિત્ર આત્માની પ્રેરણાશક્તિથી આપણે ઈશ્વરને “આબ્બા, “ એટલે “મારા પિતા” કહીને પોકારીએ છીએ. 16 આપણા આત્માની સાથે ઈશ્વરનો આત્મા જાહેર કરે છે કે આપણે ઈશ્વરનાં બાળકો છીએ. 17 આમ, ઈશ્વરનાં બાળકો હોવાથી આપણે તેમના વારસદાર છીએ; એટલે કે, ઈશ્વરના વારસામાં ખ્રિસ્તની સાથે સહભાગી છીએ. કારણ, જો આપણે ખ્રિસ્તના દુ:ખમાં ભાગીદાર થઈએ, તો તેમના મહિમાના ભાગીદાર પણ બનીશું. પ્રગટ થનાર મહિમા 18 અત્યારે આપણે જે દુ:ખો સહન કરીએ છીએ, તેમની સાથે આપણને પ્રગટ થનાર મહિમાની સરખામણી કરી શકાય નહિ. 19 ઈશ્વર પોતાના પુત્રોને પ્રગટ કરે તે માટે આખી સૃષ્ટિ આતુરતાથી રાહ જુએ છે. 20 સૃષ્ટિ તેની પોતાની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરની ઇચ્છાથી વિનાશીપણાનો ભોગ થઈ ગઈ. 21 છતાં સૃષ્ટિ પોતે પણ એક દિવસે વિનાશીપણાની ગુલામીમાંથી મુક્ત થશે, અને ઈશ્વરના પુત્રો સાથે મહિમાવંત સ્વતંત્રતાની ભાગીદાર થશે એવી આશામાં છે. 22 અત્યારે તો સમગ્ર સૃષ્ટિ પ્રસૂતિની વેદના જેવી વેદના ભોગવી રહી છે. 23 ફક્ત સૃષ્ટિ જ નહિ, પણ આપણે, કે જેમને ઈશ્વર તરફથી પ્રથમ બક્ષિસ તરીકે પવિત્ર આત્મા મળેલો છે, તેઓ પણ એ વેદના ભોગવીએ છીએ. ઈશ્વર આપણને તેમના પુત્રો બનાવે અને આપણા આખા વ્યક્તિત્વનો ઉદ્ધાર કરે, એની રાહ આપણે જોઈએ છીએ. 24 કારણ, એ આશાએ આપણે ઉદ્ધાર પામ્યા છીએ. જે વસ્તુ દેખાતી હોય તેને માટે આશા રાખવી એ આશા જ નથી. કારણ, જે વસ્તુ દેખાય છે તેને માટે આશા કોણ રાખે? 25 આપણે જે દેખાતું નથી તેની આશા રાખીએ છીએ, અને ધીરજથી તેની વાટ જોઈએ છીએ. 26 વળી, આપણે નિર્બળ હોવાથી પવિત્ર આત્મા આપણી મદદ કરે છે. પ્રાર્થનામાં શું માગવું તેની આપણને ખબર નથી. તેથી પવિત્ર આત્મા પોતે ઈશ્વર આગળ આપણે માટે વિનવણી કરે છે; અને એ ઉદ્ગારોને શબ્દોમાં મૂકી શકાય નહિ. 27 અંત:કરણને પારખનાર ઈશ્વર આત્માનો વિચાર જાણે છે, કારણ, પવિત્ર આત્મા ઈશ્વરના લોકોને માટે ઈશ્વરની ઈચ્છા મુજબ તેમને વિનંતી કરે છે. 28 જેઓ ઈશ્વર ઉપર પ્રેમ કરે છે અને જેઓને તેમણે પોતાના ઇરાદા અનુસાર આમંત્રણ આપ્યું છે તેમનું બધી બાબતોમાં ઈશ્વર એકંદરે સારું જ કરે છે. 29 જેમને ઈશ્વરે અગાઉથી પસંદ કર્યા, તેઓ આબેહૂબ તેમના પુત્રના જેવા જ બને, તે માટે તેમને અલગ કર્યા; જેથી ઈશ્વરપુત્ર ઘણા ભાઈઓમાં સૌથી મોટા થાય. 30 ઈશ્વરે જેમને અલગ કર્યા, તેમને તેમણે આમંત્રણ આપ્યું; વળી, ફક્ત આમંત્રણ આપ્યું એટલું જ નહિ, પણ તેમને પોતાની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકાર્યા. એથી ય વિશેષ, તેમણે તેમને પોતાના મહિમાના ભાગીદાર પણ કર્યા. ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરનો પ્રેમ 31 આ બધું જાણ્યા પછી આપણે શું કહીશું? જો ઈશ્વર આપણા પક્ષના છે, તો આપણી વિરુદ્ધ કોણ? 32 ઈશ્વરે પોતાના પુત્રને પાછા રાખ્યા નહિ, પણ આપણા બધાને માટે અર્પી દીધા, તો તે તેમની સાથે આપણને બધુંયે કેમ નહિ આપે? 33 ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ આરોપ મૂકી શકે? 34 ઈશ્વરે તેમને નિર્દોષ જાહેર કર્યા છે, તો પછી તેમને દોષિત કોણ ઠરાવે? ખ્રિસ્ત ઈસુ મરણ પામ્યા, સજીવન થયા અને હવે ઈશ્વરને જમણે હાથે બિરાજેલા છે, તે આપણે માટે ઈશ્વરને વિનવણી કરે છે. 35 ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ અલગ પાડશે? શું દુ:ખો, વેદના, સતાવણી, દુકાળ, ગરીબાઈ, જોખમ કે મરણ? 36 શાસ્ત્રમાં લખેલું છે: “તમારે લીધે આખો દિવસ અમારા પર મરણનો ભય તોળાઈ રહ્યો છે. અમને તો કાપવા માટેનાં ઘેટાં જેવાં ગણવામાં આવે છે.” 37 તોપણ જેમણે આપણા ઉપર પ્રેમ કર્યો, તેમની મારફતે આપણે એ બધી જ બાબતોમાં વિશેષ વિજયી બનીએ છીએ. 38-39 મને ખાતરી છે કે કોઈ આપણને તેમના પ્રેમથી અલગ કરી શકે નહિ. કારણ કે, મરણ કે જીવન, દૂતો, અધિકારીઓ કે સત્તાધારીઓ, વર્તમાન કે ભાવિ, ઊંચું આકાશ કે ઊંડું ઊંડાણ અથવા આખી સૃષ્ટિની બીજી કોઈ પણ વસ્તુ, ઈશ્વરે જે પ્રેમ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં પ્રગટ કર્યો છે તેનાથી આપણને અલગ પાડી શકે તેમ નથી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide