રોમનોને પત્ર 7 - પવિત્ર બાઇબલ C.L.લગ્નસંબંધ દ્વારા સ્પષ્ટીકરણ 1 ભાઈઓ, તમે નિયમશાસ્ત્રથી પરિચિત છો અને જાણો છો કે માણસ જીવતો હોય ત્યાં સુધી જ તેના પર નિયમ ચાલે છે. 2 દાખલા તરીકે, પરણેલી સ્ત્રી તેનો પતિ જીવંત હોય ત્યાં સુધી જ તેની સાથે રહેવા નિયમથી બંધાયેલી છે. જો તેનો પતિ મૃત્યુ પામે, તો પતિની સાથેના સંબંધને લગતા નિયમથી તે સ્વતંત્ર થાય છે. 3 પણ તેનો પતિ જીવંત હોય, ત્યારે જો તે બીજા પુરુષની સાથે રહે, તો તેણે વ્યભિચાર કર્યો કહેવાય. પણ જો તેનો પતિ મરી જાય, તો તે નિયમથી છૂટી છે, અને જો તે બીજા પુરુષ સાથે પરણે, તો વ્યભિચાર કર્યો ન કહેવાય. 4 ભાઈઓ, તમારા વિષે પણ એવું છે. તમે પણ ખ્રિસ્તની સાથે નિયમશાસ્ત્રના સંબંધમાં મરી ગયા છો; કારણ, તમે ખ્રિસ્તના શરીરના અવયવ છો, અને હવે તમે મરણમાંથી સજીવન થયેલા ખ્રિસ્તના છો; જેથી તમે ઈશ્વરની ફળદાયી સેવા કરો. 5 કારણ, જ્યારે આપણે માનવી સ્વભાવ પ્રમાણે જીવતા હતા, ત્યારે નિયમશાસ્ત્રે જગાડેલી પાપી વાસનાઓ આપણામાં કાર્યરત હતી, અને આપણે જે કંઈ કરતા તે મરણજનક હતું. 6 હવે આપણે નિયમશાસ્ત્રથી મુક્ત છીએ. કારણ, જેણે આપણને એકવાર કેદી બનાવેલા તેના સંબંધી આપણે મરણ પામ્યા છીએ. હવે આપણે લેખિત નિયમની જૂની રીતરસમ પ્રમાણે સેવા કરતા નથી; પણ પવિત્ર આત્માની પ્રેરણા પ્રમાણે નવીન રીતે સેવા કરીએ છીએ. નિયમશાસ્ત્ર અને પાપ 7 તો પછી આપણે શું કહીશું? શું નિયમશાસ્ત્ર પાપી છે? ના, એવું નથી. પણ પાપ શું છે એનું ભાન મને નિયમથી થયું. જો નિયમશાસ્ત્રે એમ કહ્યું ન હોત કે, “લોભ ન રાખ,” તો લોભ રાખવો એટલે શું તે મેં જાણ્યું ન હોત. 8 નિયમ દ્વારા પાપને મારી અંદર સઘળા પ્રકારનો લોભ ઉત્પન્ન કરવાની તક મળી. નિયમ વગર પાપ મરેલું છે. 9 એક વખત હું નિયમ વિના જીવતો હતો. પણ આજ્ઞા આવી કે તરત જ પાપ મારામાં જીવંત બન્યું, 10 અને હું મરી ગયો. જે આજ્ઞા જીવન લાવવા માટે હતી, તે તેને બદલે મારામાં મરણ લાવી. 11 પાપને મારામાં તક મળવાથી તેણે આજ્ઞાની મારફતે મને છેતર્યો. આજ્ઞાને આધારે પાપે મને મારી નાખ્યો. 12 નિયમશાસ્ત્ર તો પવિત્ર છે; અને આજ્ઞા પવિત્ર, સાચી અને સારી છે. 13 તો એનો અર્થ એ છે કે જે સારું છે તેણે મારું મોત નિપજાવ્યું? ના, કદી નહિ. એ કરનાર તો પાપ હતું. સારાનો ઉપયોગ કરીને પાપ મારી પાસે મરણ લાવ્યું; જેથી તેનો ખરો સ્વભાવ પ્રગટ થાય. આમ, આજ્ઞા મારફતે પાપ વધુ બદતર બને છે. માનવીમાં રહેલા બે પ્રકારના સ્વભાવ 14 આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર ઈશ્વરે આપેલું છે; પરંતુ હું પૃથ્વીનો માનવી છું. હું ગુલામ તરીકે પાપને વેચાયેલો છું. 15 હું જે કરું છું તે હું સમજી શક્તો નથી: હું જે કરવા ધારું છું તે હું કરતો નથી. 16 એને બદલે, હું જેને ધિક્કારું છું તે હું કરું છું. તેથી હું જે કરવા માગતો નથી તે કરું છું ત્યારે નિયમશાસ્ત્ર સારું છે, એ વાત પુરવાર થાય છે. 17 તેથી આ જે કરનાર છે તે હું નહિ, પણ મારામાં વસી રહેલું પાપ કરે છે. 18 હું જાણું છું કે મારા માનવી સ્વભાવમાં કંઈ જ સારું રહેતું નથી. જોકે મારામાં સારું કરવાની તમન્ના તો છે, તો પણ હું તેમ કરી શક્તો નથી. 19 જે સારું મારે કરવું જોઈએ, તે હું કરતો નથી. એથી ઊલટું, જે ખરાબ મારે ન કરવું જોઈએ તે હું કરું છું. 20 જે મારે ન કરવું જોઈએ તે હું કરું છું, તો એનો અર્થ એ થાય કે એ તો હું નહિ, પણ મારામાં વસતું પાપ તે કરે છે. 21 મારામાં આ સિદ્ધાંત કાર્યશીલ છે: જ્યારે હું સારું કરવા માગું છું, ત્યારે ખરાબ પસંદ થઈ જાય છે. મારો અંતરાત્મા ઈશ્વરના નિયમમાં આનંદ કરે છે. 22 પણ મારા શરીરમાં હું એક બીજા સિદ્ધાંતને કાર્ય કરતો અનુભવું છું. 23 તે સિદ્ધાંત મારા મનથી સ્વીકારેલા સિદ્ધાંતની વિરુદ્ધ લડાઈ કરે છે. મારા શરીરમાંનો પાપનો સિદ્ધાંત મને કેદી બનાવે છે. 24 હું કેવો દુ:ખી માનવી છું! મરણને માર્ગે લઈ જનાર પાપના સિદ્ધાંતના નિયંત્રણ નીચેના શરીરથી મને કોણ બચાવશે? 25 ઈશ્વર! આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરનો આભાર! જોકે મારી હાલત તો આવી છે: મારા મનથી હું ઈશ્વરના નિયમને આધીન થાઉં છું; પણ મારા પાપી સ્વભાવને લીધે હું પાપના નિયમને આધીન થાઉં છું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide