રોમનોને પત્ર 6 - પવિત્ર બાઇબલ C.L.ખ્રિસ્તની સાથે નવું જીવન 1 તો પછી આપણે શું કહીશું? ઈશ્વરની કૃપા વધતી જાય તે માટે આપણે પાપમાં જીવવાનું ચાલુ રાખીશું? 2 ના, કદી નહિ. આપણે પાપ સંબંધી મરણ પામ્યા છીએ, તો પછી આપણે કેવી રીતે તેમાં જીવવાનું ચાલુ રાખી શકીએ? 3 તમે આ વાત તો જાણો જ છો કે જ્યારે આપણે ખ્રિસ્તની સાથે બાપ્તિસ્મા પામ્યા, ત્યારે તેમના મરણની સાથે આપણે બાપ્તિસ્મા પામ્યા. 4 આપણે આપણા બાપ્તિસ્માની મારફતે તેમની સાથે દટાયા, અને તેમના મરણના ભાગીદાર બન્યા; જેથી જેમ ઈશ્વરપિતાના મહિમાવંત સામર્થ્યથી ખ્રિસ્ત મરણમાંથી જીવતા થયા, તેમ આપણે પણ નવા જીવનમાં જીવીએ. 5 જો આપણે તેમની સાથે મરણમાં એકરૂપ થયા, તો જેમ તેમને સજીવન કરવામાં આવ્યા તેમ આપણે પણ તેમની સાથે જીવનમાં એકરૂપ થઈશું. 6 આપણે જાણીએ છીએ કે આપણું જૂનું વ્યક્તિત્વ ખ્રિસ્તની સાથે તેમના ક્રૂસ પર મરણ પામ્યું; એ માટે કે આપણી પાપી પ્રકૃતિના બળનો નાશ થાય અને આપણે હવેથી પાપના ગુલામ રહીએ નહિ. 7 જ્યારે કોઈ વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તે પાપની સત્તામાંથી મુક્ત થાય છે. 8 આપણે માનીએ છીએ કે જો આપણે ખ્રિસ્તની સાથે મરણ પામ્યા, તો તેમની સાથે જીવીશું પણ ખરા. 9 ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા છે અને તે ફરી કદી મરનાર નથી. હવેથી તેમના ઉપર મરણનો કોઈ અધિકાર નથી. 10 તે પાપના સંબંધમાં ફક્ત એક જ વાર મરણ પામ્યા; પણ ઈશ્વરના સંબંધમાં તે હવે જીવે છે. 11 એ જ રીતે તમે પોતાને પાપના સંબંધમાં મરણ પામેલા અને ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરના સંબંધમાં જીવતા ગણો. 12 પાપને તમારા નાશવંત શરીરમાં રાજ કરવા દઈ તમારા દેહની ભૂંડી ઇચ્છાઓને આધીન થશો નહિ. 13 ખરાબ હેતુના ઉપયોગને અર્થે તમારા કોઈ અવયવની સોંપણી પાપને ન કરો. એથી ઊલટું, તમને મરણમાંથી જીવનમાં લાવવામાં આવ્યા છે, માટે તમારી સોંપણી ઈશ્વરને કરો અને તમારા અવયવોને સદાચાર માટે ઈશ્વરને સોંપી દો. 14 પાપે તમારા પર રાજ કરવું ન જોઈએ. કારણ, હવે તમે નિયમ નીચે નહિ, પણ ઈશ્વરની કૃપામાં જીવન જીવો છો. પાપની ગુલામીમાંથી મુક્ત થવાનો માર્ગ 15 તેથી શું? આપણે નિયમને આધીન નથી, પણ કૃપાને આધીન છીએ, તેથી પાપ કર્યા કરીએ? ના, કદી નહિ. 16 તમે આટલું તો જાણો છો કે જ્યારે કોઈને આધીન થવા તમે તમારી જાતને ગુલામ તરીકે સોંપો છો, ત્યારે તમે જે માલિકને આધીન થાઓ છો, તેના તમે ગુલામ છો - એટલે પાપના, કે જેનું પરિણામ મરણ છે; અથવા આજ્ઞાપાલનના, કે જેને પરિણામે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થવાય છે. 17 ઈશ્વરનો આભાર માનો; કારણ, તમે એક વેળાએ પાપના ગુલામ હતા, પરંતુ તમને આપવામાં આવેલું શિક્ષણ તમે અંત:કરણથી સ્વીકાર્યું છે. 18 તમને પાપમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, અને હવે તમે સદાચારના ગુલામ છો. 19 તમારી સમજવાની નિર્બળતાને કારણે હું માનવી ભાષા વાપરું છું. એક સમયે તમે તમારી જાતને દુષ્ટ હેતુને માટે સંપૂર્ણ રીતે અશુદ્ધતા અને દુષ્ટતાને સોંપી દીધી હતી. હવે, તે જ રીતે પવિત્ર હેતુને માટે તમે તમારી જાતને સંપૂર્ણ રીતે સદાચારને સોંપી દો. 20 જ્યારે તમે પાપના ગુલામ હતા, ત્યારે સદાચારથી સ્વતંત્ર હતા. 21 જે બાબતો કરવાની અત્યારે તમને શરમ આવે છે તે કરવાથી, તમને તે વખતે શો લાભ મળ્યો હતો? તે બાબતોનું પરિણામ તો મરણ છે. 22 પણ હવે તમે પાપથી મુક્ત થયા છો અને ઈશ્વરના ગુલામ બન્યા છો. એમ તમારું જીવન પ્રભુને સંપૂર્ણપણે સોંપાયેલું છે, અને પરિણામે તમને સાર્વકાલિક જીવન મળે છે. 23 કારણ, પાપ એના વેતન તરીકે મરણ આપે છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર સાર્વકાલિક જીવનની અમૂલ્ય ભેટ આપે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide