રોમનોને પત્ર 5 - પવિત્ર બાઇબલ C.L.વિશ્વાસનું પરિણામ-મેળમિલાપ, આનંદ અને આશા 1 આમ, વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લવાવાથી આપણને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર સાથે સુલેહશાંતિ થઈ છે. 2 એમને જ આશરે વિશ્વાસ દ્વારા આપણે ઈશ્વરની કૃપામાં પ્રવેશ્યા છીએ અને એ કૃપામાં દૃઢ થઈએ છીએ. 3 તે દ્વારા આપણે ઈશ્વરના મહિમાના સહભાગી થવાની આશામાં પ્રફુલ્લિત થઈએ છીએ. 4 એટલું જ નહિ, પણ વિપત્તિઓમાં પણ હર્ષિત થઈએ છીએ. કારણ, આપણે જાણીએ છીએ કે વિપત્તિથી સહનશીલતા કેળવાય છે; સહનશીલતાથી ઘડતર થાય છે અને ઘડતર થવાથી આશા ઉદ્ભવે છે. 5 આ આશા છેતરતી નથી. કારણ, ઈશ્વરે આપણને આપેલી તેમની ભેટ, એટલે પવિત્ર આત્મા દ્વારા આપણા અંત:કરણમાં તેમનો પ્રેમ રેડી દીધો છે. 6 આપણે હજી લાચાર હતા, ત્યારે ઈશ્વરે ઠરાવેલા સમયે ખ્રિસ્ત અધર્મીઓને માટે મરણ પામ્યા. 7 આમ તો, ન્યાયી વ્યક્તિને માટે કોઈ મરવા તૈયાર થાય તે જ મુશ્કેલ લાગે છે. છતાં, ધારો કે સારી વ્યક્તિને બદલે તો કોઈ મરવાની હિંમત બતાવે. 8 પણ ઈશ્વરે આપણા પર કેવો અપાર પ્રેમ કર્યો છે! કારણ, આપણે જ્યારે પાપી હતા, ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા. 9 તેમના બલિદાનને લીધે હવે આપણે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થયા છીએ. તો પછી તે આપણને ઈશ્વરના કોપથી બચાવી લેશે તે કેટલી વિશેષ ખાતરીપૂર્વકની વાત છે! 10 આપણે ઈશ્વરના દુશ્મન હતા, પણ ઈશ્વરના પુત્રના મરણથી આપણને તેમના મિત્રો બનાવવામાં આવ્યા છે. હવે આપણે ઈશ્વરના મિત્રો બન્યા છીએ, તેથી ખ્રિસ્તના જીવનથી વિશેષ બચીશું એ કેટલું ખાતરીપૂર્વક છે! 11 એટલું જ નહિ, ઈશ્વરના મિત્રો બન્યા હોવાને લીધે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે ઈશ્વરમાં આનંદ કરીએ છીએ. આદમથી મરણ અને ખ્રિસ્તથી જીવન 12 એક માણસ દ્વારા આ દુનિયામાં પાપ આવ્યું અને પાપ દ્વારા મરણ આવ્યું. વળી, સઘળાં માણસોએ પાપ કર્યું, તેથી સમગ્ર માનવજાતમાં મરણ પ્રસરી ગયું. 13 નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું તે પહેલાં દુનિયામાં પાપ તો હતું; પણ નિયમ ન હોવાને કારણે પાપની નોંધ લેવાતી ન હતી. 14 આદમથી મોશેના સમય સુધી બધા માણસો ઉપર મરણે રાજ કર્યું. જેમણે આદમની માફક આજ્ઞાભંગનું પાપ કર્યું ન હતું, તેમના ઉપર પણ મરણે રાજ કર્યું. આદમ તો ભવિષ્યમાં આવનારના પ્રતીકરૂપ હતો. 15 પણ તેઓ બન્ને સરખા નથી. કારણ, ઈશ્વરની અમૂલ્ય ભેટ આદમના પાપ જેવી નથી. એ ખરું છે કે એક માણસના પાપથી ઘણા માણસો મરણ પામ્યા. તો એક માણસ, એટલે કે, ઈસુ ખ્રિસ્તની મારફતે મળેલી ઈશ્વરની કૃપા, તેમ જ તેમની અમૂલ્ય ભેટ બધાને માટે એથી પણ વિશેષ છે. 16 ઈશ્વરની ભેટ અને એક માણસના પાપ વચ્ચે તફાવત છે. એક માણસના અપરાધને પરિણામે આપણે દોષિત ઠર્યા; જ્યારે અનેક અપરાધો પછી આવેલ કૃપાદાને આપણને નિર્દોષ જાહેર કર્યા. 17 એક માણસના પાપના પરિણામે મરણે રાજ કર્યું; પણ ઈસુ ખ્રિસ્તના કાર્યનું પરિણામ વિશેષ છે. જે કોઈ ઈશ્વરની ભરપૂર કૃપા તથા દોષમુક્તિની અમૂલ્ય ભેટ સ્વીકારે છે, તે ઈસુ ખ્રિસ્ત દ્વારા જીવનમાં રાજ કરશે. 18 એક પાપને પરિણામે બધા માણસો દોષિત ઠર્યા. તેવી જ રીતે એક ન્યાયયુક્ત કાર્ય બધા માણસોને નિર્દોષ જાહેર કરી જીવન આપે છે. 19 એક માણસે આજ્ઞા તોડી અને બધાં પાપી થયાં, તેવી જ રીતે એક માણસના આજ્ઞાપાલનથી બધાં ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવશે. 20 નિયમશાસ્ત્ર આવવાથી અપરાધોમાં વધારો થયો, પણ જેમ પાપ વયું, તેમ ઈશ્વરની કૃપા એથીય વિશેષ વધી. 21 પાપે મરણ દ્વારા રાજ કર્યું, પણ હવે ઈસુ ખ્રિસ્તની મારફતે આપણને સાર્વકાલિક જીવનમાં દોરી જનાર દોષમુક્તિ દ્વારા ઈશ્વરની કૃપા રાજ કરે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide