રોમનોને પત્ર 4 - પવિત્ર બાઇબલ C.L.અબ્રાહામના વિશ્વાસનું ઉદાહરણ 1 આપણા વંશના પ્રથમ પૂર્વજ અબ્રાહામ વિષે આપણે શું કહીશું? 2 જો તેણે કરેલાં કાર્યોને લીધે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ઠર્યો હોત, તો તેને ગર્વ લેવા જેવું કંઈક ખરું; પણ ઈશ્વર આગળ તે અભિમાન કરી શકે તેમ નથી. 3 કારણ, ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “અબ્રાહામે ઈશ્વર પર વિશ્વાસ કર્યો, અને એ વિશ્વાસને લીધે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણાયો.” 4 જે માણસ ક્મ કરે છે, તેને વેતન આપવામાં આવે છે. તેના વેતનને ભેટ ગણવામાં આવતી નથી. એ તો એની પોતાની કમાણી છે. 5 પણ હવે જે માણસ પોતે કરેલાં કાર્યો પર નહિ, પણ દોષિતને નિર્દોષ ઠરાવનાર ઈશ્વર ઉપર વિશ્વાસ કરે છે, તેને ઈશ્વર તેના વિશ્વાસના આધારે પોતાની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણે છે. 6 જે માણસને ઈશ્વર તેનાં કાર્યોને લક્ષમાં લીધા વિના જ તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણે છે, તેને ધન્ય છે, એવું દાવિદ પણ કહે છે: 7 “જેમના અપરાધોની માફી આપવામાં આવી છે, અને જેમનાં પાપ ઢાંકી દેવામાં આવ્યાં છે, તેમને ધન્ય છે. 8 જે માણસના પાપને ઈશ્વર હિસાબમાં નહિ લે, તે કેવો સુખી માણસ છે!” 9 આવી આશિષ શું ફક્ત જેમણે સુન્નત કરાવેલી હોય તેમને જ માટે છે? ના, સુન્નત વગરનાઓ માટે પણ છે. આપણે ધર્મશાસ્ત્રમાંથી ઉલ્લેખ કર્યો કે, “અબ્રાહામે ઈશ્વર ઉપર વિશ્વાસ કર્યો, અને એ વિશ્વાસને લીધે ઈશ્વરે તેનો તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો.” 10 આ બનાવ ક્યારે બન્યો? તેણે સુન્નત કરાવી તે પછી કે તે પહેલાં? સુન્નત કરાવ્યા પછી નહિ, પણ તે પહેલાં. 11 તે સુન્નત વગરનો હતો ત્યારે વિશ્વાસ કરવાને લીધે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણાયો. તેથી એની મંજૂરીની મહોર તરીકે એને સુન્નતનું ચિહ્ન મળ્યું હતું. જેમની સુન્નત કરવામાં આવી નથી, પણ જેઓ ઈશ્વર ઉપર વિશ્વાસ કરીને તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત બને છે, તે બધાનો અબ્રાહામ આત્મિક પિતા બન્યો. 12 માત્ર સુન્નત કરાવ્યાને લીધે જ નહિ, પણ સુન્નત કરાવ્યા પહેલાં આપણા પૂર્વજ અબ્રાહામને ઈશ્વરમાં જે વિશ્વાસ હતો તેનું અનુસરણ કરનાર સુન્નતીઓનો પણ તે પિતા છે. વિશ્વાસ દ્વારા ઈશ્વરના વચનનો સ્વીકાર 13 અબ્રાહામ તથા તેના વંશજોને નિયમના પાલનથી નહિ, પણ વિશ્વાસથી ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણવામાં આવ્યા હતા. તેથી ઈશ્વરે વચન આપ્યું કે આખી દુનિયા તેને વારસામાં મળશે. 14 જો ઈશ્વરનું વચન નિયમ પાળનારાઓને આપવામાં આવતું હોય, તો માણસનો વિશ્વાસ નકામો છે અને ઈશ્વરનું વચન કંઈ જ નથી. 15 નિયમશાસ્ત્ર તો ઈશ્વરનો કોપ લાવે છે. પણ જ્યાં નિયમ નથી, ત્યાં નિયમભંગ થતો નથી. 16 ઈશ્વરનું વચન વિશ્વાસને આધારે આવ્યું હોવાથી જેઓ નિયમનું પાલન કરે છે તેમને જ નહિ, પણ જેઓ અબ્રાહામના જેવો વિશ્વાસ રાખે છે તેવા અબ્રાહામના બધા જ વંશજોને ઈશ્વરની અમૂલ્ય કૃપા દ્વારા ઈશ્વરનું વચન મળ્યું. 17 ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “મેં તને ઘણી પ્રજાઓનો પૂર્વજ બનાવ્યો છે.” એ રીતે અબ્રાહામ આપણો આત્મિક પિતા છે. જે મૂએલાંઓને સજીવન કરે છે અને જેમની આજ્ઞા દ્વારા બિનહયાત વસ્તુ અસ્તિત્વમાં આવે છે, તે જ ઈશ્વર ઉપર અબ્રાહામે વિશ્વાસ રાખ્યો હતો. 18 આશા ફળીભૂત નહિ થાય એવું લાગતું હતું, ત્યારે અબ્રાહામે ઈશ્વર ઉપર ભરોસો મૂક્તાં આશા રાખી. તેથી તે “ઘણી પ્રજાઓનો પૂર્વજ” બન્યો. ધર્મશાસ્ત્રમાં લખેલું છે તેમ, “તારા વંશજો ઘણા થશે.” 19 તેની ઉંમર લગભગ સો વર્ષની થઈ હતી, તેનું શરીર લગભગ મૃતપ્રાય થઈ ગયું હતું અને તેની પત્ની સારાને બાળક જનમવાની કોઈ શક્યતા ન હતી. 20 આ બાબતો ધ્યાનમાં લીધા છતાં તેનો વિશ્વાસ ડગ્યો નહિ. ઈશ્વરના વરદાન ઉપર તે શંકા લાવ્યો નહિ. વિશ્વાસમાંથી ડગ્યા વગર દૃઢ રહીને તેણે ઈશ્વરને મહિમા આપ્યો. 21 આપેલું વરદાન પૂર્ણ કરવાને ઈશ્વર સમર્થ છે એવી તેને સંપૂર્ણ ખાતરી હતી. 22 એટલે જ અબ્રાહામને તેના વિશ્વાસને લીધે ઈશ્વરે પોતાની સમક્ષ સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સંસ્થાપિત થયેલો ગણ્યો. 23 “તેને ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે ગણવામાં આવ્યો,” એ શબ્દો ફક્ત અબ્રાહામને માટે જ લખવામાં આવ્યા ન હતા; 24 પણ આપણા પ્રભુ ઈસુને મરણમાંથી સજીવન કરનાર ઈશ્વર ઉપર જેઓ વિશ્વાસ કરે છે, તેમને માટે પણ એ જ શબ્દો છે. 25 આપણા અપરાધોને લીધે ઈસુને મરણને આધીન કરવામાં આવ્યા અને આપણે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ ગણાઈને સ્વીકૃત થઈએ માટે તેમને સજીવન કરવામાં આવ્યા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide