રોમનોને પત્ર 3 - પવિત્ર બાઇબલ C.L.1 તો પછી બિનયહૂદી કરતાં યહૂદીને શો ફાયદો? સુન્નત કરાવવાથી કંઈ લાભ ખરો? 2 ખરેખર, દરેક રીતે ઘણો બધો લાભ છે. પ્રથમ તો, ઈશ્વરે પોતાના સંદેશાની સોંપણી યહૂદીઓને કરી. તેમનામાંના કેટલાક અવિશ્વાસુ નીવડયા તેથી શું? 3 શું તેમનું અવિશ્વાસુપણું ઈશ્વરના વિશ્વાસુપણાને રદબાતલ કરશે? 4 ના, કદી નહિ. પ્રત્યેક માણસ ભલે જૂઠો હોય, પણ ઈશ્વર તો સાચા જ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “જ્યારે તમે બોલશો ત્યારે તમે સાચા ઠરશો, અને જ્યારે તમારો ન્યાય કરવામાં આવે, ત્યારે તમારો વિજય થશે. 5 પણ ઈશ્વર જે કરે છે તે સાચું છે એ વાત પણ આપણાં ભૂંડાં કાર્યોથી સ્પષ્ટ થતી હોય, તો આપણે કેવો અર્થ ઘટાવીશું? ઈશ્વર આપણા ઉપર કોપ કરવામાં અન્યાય કરે છે, એમ કહીશું? 6 ના, એવું નથી. જો ઈશ્વર ન્યાયી ન હોય, તો તેઓ દુનિયાનો ન્યાય કેવી રીતે કરે? 7 જો મારા જૂઠ્ઠથી ઈશ્વરનું સત્ય પ્રગટ થાય, અને એમ ઈશ્વરને મહિમા મળે, તો પછી મને પાપી તરીકેની સજા થાય ખરી? 8 ભૂંડું કરવાથી કોઈનું ભલું થતું હોય તો તેમ કરવું જોઈએ એવું શિક્ષણ અમે આપીએ છીએ, એમ કહીને કેટલાક લોકો અમારી નિંદા કરે છે. એવાઓને સજા થાય એ વાજબી છે. સમગ્ર માનવજાત પાપી છે 9 તો પછી આપણે યહૂદીઓ બિનયહૂદીઓ કરતાં શું કંઈ સારી સ્થિતિમાં છીએ? ના, જરાય નહિ. અગાઉ મેં સમજાવ્યું છે તેમ યહૂદીઓ કે ગ્રીકો બધા પાપની સત્તા નીચે છે. 10 શાસ્ત્રમાં લખેલું છે, “ન્યાયી હોય એવો એકેય માણસ નથી. 11 ઈશ્વરની શોધ કરનાર અથવા તેમને સમજનાર કોઈ નથી. 12 બધા ઈશ્વર તરફ પીઠ ફેરવીને માર્ગ ભૂલ્યા છે. સારું ક્મ કરનાર કોઈ નથી. ના, એકપણ નથી. 13 તેમનું ગળું ખુલ્લી કબર છે. તેમની જીભમાંથી કપટી જૂઠ નીકળે છે. તેમના હોઠે સાપના ઝેર જેવા ક્તિલ શબ્દો છે. 14 તેમનું મુખ કડવા શાપથી ભરેલું છે. 15 તેમના પગ લોહી વહેવડાવવામાં ઉતાવળા છે. 16 જ્યાં કંઈ તેઓ જાય છે, ત્યાં તેઓ વિનાશ તથા વેદના વેરે છે. 17 તેમણે શાંતિનો માર્ગ જાણ્યો નથી. 18 ઈશ્વરનો ડર રાખવાનું તેઓ શીખ્યા નથી.” 19 આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્રમાં જે કંઈ લખેલું છે, તે જેઓ નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલે છે તેમને લાગુ પડે છે; જેથી સર્વ માનવીબહાનાં બંધ થાય અને સમગ્ર દુનિયા ઈશ્વરના ન્યાયશાસન નીચે આવે. 20 કારણ, નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરીને કોઈ માણસ ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવતું નથી. નિયમશાસ્ત્ર તો માણસોને ફક્ત પાપનું ભાન કરાવે છે. ઈશ્વરે રજૂ કરેલો મુક્તિનો માર્ગ 21 પણ હવે તો માનવી માટે ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવવાનો માર્ગ ખુલ્લો થયો છે. તેનો આધાર નિયમ ઉપર નથી. જોકે નિયમશાસ્ત્ર તેમ જ સંદેશવાહકોનાં પુસ્તકો એ બન્ને એ વિષે સાક્ષી આપે છે. 22 ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર બધાને ઈશ્વર સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારે છે. આ બાબતમાં કોઈ જ પ્રકારનો ભેદભાવ નથી. 23 કારણ, બધા લોકો નિશાન ચૂકીને પાપમાં પડયા છે અને ઈશ્વરના ગૌરવની સ્થિતિએ પહોંચવાથી વંચિત રહ્યા છે. 24 પણ ઈશ્વરની કૃપાથી ખ્રિસ્ત ઈસુ દ્વારા મળતા છુટકારાને લીધે તેઓ સૌને વિના મૂલ્યે નિર્દોષ ઠરાવવામાં આવે છે. 25 ઈશ્વરે ઈસુને તેમના બલિદાન પરના વિશ્વાસ દ્વારા પાપ નિવારણ અર્થે પ્રાયશ્ર્વિત તરીકે નિયત કર્યા છે અને એમ કરીને ઈશ્વરે પોતાની ન્યાયયુક્તતા જાહેર કરેલી છે. પ્રથમ તો ભૂતકાળના સંબંધમાં; કે જે વખતે થયેલાં પાપ વિષે ઈશ્વરે પોતાની સહનશીલતામાં સજા કરી નહોતી; 26 બીજું વર્તમાન સમયના સંબંધમાં; કે જ્યારે ઈશ્વર પોતે ન્યાયી છે અને ઈસુ પર વિશ્વાસ કરનારને પોતાની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારે છે એવું દર્શાવે છે. 27 તો હવે કોઈના ગર્વને સ્થાન ખરું? ના, નથી. કારણ, હવે નિયમપાલનનું નહિ, પણ વિશ્વાસનું મહત્ત્વ છે. 28 છેવટે, આ બાબત સ્પષ્ટ થાય છે કે માણસ નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવાથી નહિ, પણ ફક્ત વિશ્વાસથી જ ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થાય છે. 29 શું ઈશ્વર ફક્ત યહૂદીઓના જ ઈશ્વર છે, અને બિનયહૂદીઓના નથી? હા, તેઓ બિનયહૂદીઓના પણ ઈશ્વર છે. 30 ઈશ્વર એક જ છે. તે યહૂદીઓને તેમના વિશ્વાસને આધારે અને બિનયહૂદીઓને પણ તેમના વિશ્વાસને આધારે પોતાની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારશે. 31 આમ કરવા જતાં વિશ્વાસને મહત્ત્વ આપીને શું અમે નિયમશાસ્ત્રને નિરર્થક જાહેર કરીએ છીએ? ના, એવું નથી. હકીક્તમાં તો અમે નિયમશાસ્ત્રનું સમર્થન કરીએ છીએ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide