રોમનોને પત્ર 2 - પવિત્ર બાઇબલ C.L.નૈતિક જીવન જીવનાર માનવી 1 હે મારા મિત્ર, શું તું બીજાનો ન્યાય કરવા બેસે છે? તું ગમે તે કેમ ન હોય, તું પોતાનો બચાવ કરી શકે તેમ નથી. કારણ, તું જેમાં બીજાનો ન્યાય કરે છે, તેમાં જ તું તારી જાતને પણ દોષિત ઠરાવે છે. તેઓ જે કરે છે, તે તું પણ કરે છે. 2 આપણે જાણીએ છીએ કે આવાં ક્મ કરનારને ઈશ્વર સજા ફરમાવે એ વાજબી છે. 3 પરંતુ મિત્ર, તું એવાં ક્મ માટે બીજાઓનો ન્યાય કરે છે અને એ જ કામો તું પોતે પણ કરે છે! શું તું એમ માને છે કે એમ કરવાથી તું ઈશ્વરની સજામાંથી નાસી છૂટીશ? 4 અથવા ઈશ્વરના માયાળુપણાનો, સહનશીલતાનો અને ધીરજનો શું તું અવળો અર્થ કરે છે? તને એટલું ભાન નથી કે તું પસ્તાવો કરવા તૈયાર થાય એટલા જ માટે ઈશ્વર દયા રાખે છે? 5 તારું હૃદય તો હઠીલું અને રીઢું થઈ ગયું છે. ન્યાયને દિવસે તને થનાર સજામાં તું વધારો કર્યા કરે છે. 6 તે દિવસે ઈશ્વરનો કોપ અને અદલ ઇન્સાફ જાહેર થશે, અને તે દરેકને તેનાં કૃત્યો અનુસાર બદલો આપશે. 7 જેઓ ઈશ્વરની બીક રાખીને હંમેશા સારાં ક્મ કર્યા કરે છે અને માન તથા અમરત્વ શોધે છે, તેમને જ સર્વકાળનું જીવન મળશે. 8 જેઓ સ્વાર્થી છે અને સત્યનો ઇન્કાર કરીને જૂઠને અનુસરે છે, તેમના ઉપર કોપ તથા ક્રોધ ઊતરશે. 9 ભૂંડા ક્મ કરનાર દરેક વ્યક્તિને - પ્રથમ પ્રભુના લોક યહૂદીને અને પછી ગ્રીકને - વિપત્તિ તથા વેદના સહન કરવાં પડશે. 10 સારાં ક્મ કર્યે રાખનાર દરેક વ્યક્તિને - પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને - મહિમા, માન તથા શાંતિ પ્રાપ્ત થશે. 11 ઈશ્વરની પાસે કોઈ ભેદભાવ નથી. બિનયહૂદીઓ દોષિત છે 12 બિનયહૂદીઓ પાસે મોશેનું નિયમશાસ્ત્ર નથી; પણ તેઓ પાપ તો કરે છે. તેથી નિયમશાસ્ત્ર ન હોવા છતાં તેઓ નાશ પામશે. યહૂદીઓની પાસે નિયમશાસ્ત્ર છે, અને છતાં તેઓ પાપ કરે છે. તેથી તેમને નિયમશાસ્ત્ર પ્રમાણે સજા થશે. 13 કારણ, નિયમશાસ્ત્ર સાંભળનારા નહિ, પણ તેને આધીન થનારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવે છે. 14 બિનયહૂદી પ્રજાઓની પાસે નિયમશાસ્ત્ર નથી. આમ છતાં, જ્યારે તેઓ સ્વાભાવિક પ્રેરણાથી જ નિયમશાસ્ત્ર પ્રમાણે વર્તે છે, ત્યારે તેમનું અંત:કરણ તેમને માટે નિયમરૂપ બની રહે છે. 15 તેમનું વર્તન બતાવી આપે છે કે તેમનાં હૃદયોમાં નિયમ કોતરાયેલો છે. એ વાતની સાક્ષી તેમનાં અંત:કરણો પણ આપે છે; કારણ, તેમના વિચારો તેમને કોઈવાર દોષિત ઠરાવે છે, તો કોઈવાર નિર્દોષ ઠરાવે છે. 16 મારા શુભસંદેશ પ્રમાણે ઈશ્વર ઈસુ ખ્રિસ્ત દ્વારા માણસોના ગુપ્ત વિચારોનો ન્યાય કરશે, તે દિવસે આ વાત સ્પષ્ટ થશે. યહૂદીઓ પણ દોષિત છે 17 હવે તારે વિષે શું? તું તો પોતાને યહૂદી તરીકે ઓળખાવે છે. તું નિયમશાસ્ત્ર ઉપર આધાર રાખે છે અને ઈશ્વર વિષે બડાઈ મારે છે; 18 યોગ્ય શું છે તેનું શિક્ષણ તને નિયમશાસ્ત્રમાંથી મળેલું હોવાથી ઈશ્વર તારી પાસે શી અપેક્ષા રાખે છે તે તું જાણે છે; તું સાચા-જૂઠા વચ્ચેનો તફાવત પારખી શકે છે; 19 તેં ખાતરીપૂર્વક માની લીધું છે કે તું આંધળાને માર્ગ બતાવનાર છે; જેઓ અંધકારમાં છે, તેમને પ્રકાશરૂપ છે; 20 અજ્ઞાનીઓનો ગુરુ અને બાળકોનો શિક્ષક છે; તારી પાસે જે નિયમશાસ્ત્ર છે, તેમાં પૂર્ણ જ્ઞાન અને સત્ય સમાયેલાં છે, એવી તને ખાતરી છે; 21 તો બીજાને ઉપદેશ આપનાર તું તારી પોતાની જાતને જ ઉપદેશ કેમ આપતો નથી? ચોરી કરવી નહિ, એવો ઉપદેશ આપીને શું તું ચોરી કરતો નથી? 22 વ્યભિચાર કરવો નહિ, એવું જણાવીને શું તું વ્યભિચાર કરતો નથી? મૂર્તિઓની ઘૃણા કરનાર શું તું મંદિરો લૂંટતો નથી? 23 અથવા નિયમશાસ્ત્ર વિષે બડાઈ કરીને અને છતાં નિયમનો ભંગ કરીને તું ઈશ્વરનું અપમાન કરતો નથી? 24 ધર્મશાસ્ત્રમાં લખેલું છે તેમ, “તમ યહૂદીઓને લીધે ઈશ્વરનું નામ બિનયહૂદીઓમાં નિંદાય છે.” 25 જો તું નિયમશાસ્ત્રને આધીન થાય, તો જ સુન્નત તને ફાયદાકારક છે. પણ જો તું નિયમશાસ્ત્રનો ભંગ કરે, તો પછી તારી સુન્નત કશા ક્મની નથી. 26 એ જ પ્રમાણે જો કોઈ બિનયહૂદી તેની સુન્નત ન થઈ હોય, છતાં નિયમશાસ્ત્રની આજ્ઞાઓ પાળે છે, તો ઈશ્વર તેને સુન્નત કરાવેલા જેવો નહિ ગણે? 27 તમને યહૂદીઓને બિનયહૂદીઓ દોષિત ઠરાવશે. કારણ, નિયમશાસ્ત્ર તથા સુન્નત હોવા છતાં તેં નિયમભંગ કર્યો છે; જ્યારે તેમની શારીરિક સુન્નત ન થઈ હોવાં છતાં તેઓ નિયમનું પાલન કરે છે. 28 તો પછી સાચો યહૂદી કોણ? શારીરિક સુન્નત કરાવેલો? ના, બાહ્ય રીતે યહૂદી તે સાચો યહૂદી નથી અને શારીરિક સુન્નત તે સાચી સુન્નત નથી. 29 પણ આંતરિક રીતે યહૂદી તે જ સાચો યહૂદી છે; તેના દયની સુન્નત નિયમના અક્ષરોથી નહિ, પણ ઈશ્વરના આત્માથી થયેલી છે. આવી વ્યક્તિના વખાણ માણસો ભલે ન કરે, પણ ઈશ્વર તેની પ્રશંસા કરે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide