રોમનોને પત્ર 16 - પવિત્ર બાઇબલ C.L.વ્યક્તિગત શુભેચ્છાઓ 1 કેંખ્રિયાની મંડળીની સેવિકા તથા આપણી બહેન ફેબીને માટે હું ભલામણ કરું છું. 2 ઈશ્વરના લોકોને શોભે તે રીતે પ્રભુના નામમાં તેનું સન્માન કરજો. તેણે ઘણા લોકોને તથા મને મદદ કરી છે. તેથી તે પણ જ્યારે તમારી પાસે મદદની માગણી કરે, ત્યારે તેને સહાય કરજો. 3 ખ્રિસ્ત ઈસુની સેવામાં મારાં સહકાર્યકરો પ્રિસ્કા તથા આકુલાને મારી શુભેચ્છા. 4 મારો જીવ બચાવવા તેમણે પોતાના જીવ જોખમમાં મૂક્યા હતા. ફક્ત હું જ નહિ પણ બિનયહૂદીઓની મંડળીઓ પણ તેમની આભારી છે. 5 તેમના ઘરમાં સંગત માટે એકઠી મળતી મંડળીને પણ મારી શુભેચ્છા. આસિયા પ્રદેશમાંથી ખ્રિસ્ત ઉપર સૌ પ્રથમ વિશ્વાસ કરનાર મારા પ્રિય મિત્ર અપૈનિતસને શુભેચ્છા. 6 તમારે માટે પુષ્કળ મહેનત કરનાર મિર્યામને શુભેચ્છા. 7 મારા યહૂદી ભાઈઓ આંદ્રનિક્સ અને જુનિયાસ જેઓ મારી સાથે જેલમાં હતા તેમને શુભેચ્છા. પ્રેષિતો તેમને સારી રીતે ઓળખે છે, અને તેઓ મારી પહેલાં ખ્રિસ્તી થયા હતા. 8 પ્રભુની સંગતમાં મારા પ્રિય મિત્ર આંપ્લિયાતસને શુભેચ્છા. 9 ખ્રિસ્તની સેવામાં આપણા સહકાર્યકર ઉર્બાનસ અને મારા પ્રિય મિત્ર સ્તાખુસને શુભેચ્છા. 10 આપોલસ જે ખ્રિસ્તને વિશ્વાસુ માલૂમ પડયો છે તેને શુભેચ્છા. આરિસ્તોબુલસનાં કુટુંબીજનોને શુભેચ્છા. 11 મારા યહૂદી ભાઈ હેરોદિયોનને શુભેચ્છા. નાર્કીસસના કુટુંબના ખ્રિસ્તી ભાઈઓને શુભેચ્છા. 12 ત્રુફૈના તથા ત્રુફોસાને મારી શુભેચ્છા. મારી પ્રિય સાથીદાર પેર્સીસને શુભેચ્છા. તેણે પ્રભુને માટે ભારે જહેમત ઉઠાવી છે. 13 પ્રભુની સેવામાં પ્રખર કાર્યકર રૂફસને શુભેચ્છા. 14 પોતાના પુત્રની જેમ મારી મદદ કરનાર તેની માતાને પણ શુભેચ્છા. અસુંક્રિતસ, ફ્લેગોન, હેર્મેસ, પાત્રબાસ તથા હેર્માસ, અને તેમની સાથે જે બીજા ખ્રિસ્તી ભાઈઓ છે તેમને શુભેચ્છા. 15 ફિલોલોગસ તથા જુલિયા, નેરિયસ તથા તેની બહેન અને ઓલિમ્પાસ તથા તેમની સાથે ઈશ્વરના જે લોક છે, તે બધાને શુભેચ્છા. 16 સંગતના પ્રતીક્સમા પવિત્ર ચુંબન દ્વારા એકબીજાને શુભેચ્છા પાઠવજો. ખ્રિસ્તની સર્વ મંડળીઓ તમને શુભેચ્છા પાઠવે છે. છેલ્લી સૂચનાઓ 17 મારા ભાઈઓ, મારી તમને આગ્રહભરી વિનંતી છે કે તમે જે શિક્ષણ મેળવ્યું છે, તેની વિરુદ્ધ જેઓ ફાટફૂટ પાડે છે અને લોકોના વિશ્વાસમાં શંકા પેદા કરે છે, તેમનાથી દૂર રહો. 18 જેઓ આવાં કાર્યો કરે છે, તેઓ ખ્રિસ્ત આપણા પ્રભુની સેવા કરતા નથી. પણ પોતાના પેટની પૂજા કરે છે તથા મીઠી મીઠી વાતો અને ખુશામતથી ભોળા લોકોનાં મન ભમાવે છે. 19 શુભસંદેશ પ્રત્યેનું તમારું આજ્ઞાપાલન બધા લોકોમાં જાહેર થયું છે, તેથી તમારે વિષે મને આનંદ થાય છે. મારી ઇચ્છા છે કે તમે સારી બાબતો વિષે જ્ઞાની અને ભૂંડી બાબતો વિષે ભોળા રહો. 20 ઈશ્વર, જે શાંતિનું મૂળ છે, તે ટૂંક સમયમાં શેતાનને તમારા પગ તળે છૂંદી નાખશે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. 21 મારો સહકાર્યકર તિમોથી તમને શુભેચ્છા પાઠવે છે. વળી, મારા યહૂદી ભાઈઓ લુકિયસ, યાસોન અને સોસિપાત્રસ પણ શુભેચ્છા પાઠવે છે. 22 આ પત્રને લખી આપનાર હું તેર્તિયસ તમને પ્રભુમાં શુભેચ્છા પાઠવું છું. 23 અમારા યજમાન ગાયસ કે જેમના ઘરમાં સંગતને માટે મંડળી એકઠી થાય છે, તેઓ તમને શુભેચ્છા પાઠવે છે. શહેરના ખજાનચી એરાસ્તસ અને આપણો ભાઈ કવાર્તુસ તમને શુભેચ્છા પાઠવે છે. 24 (આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા સર્વ પર હો. આમીન.) 25 આપણે ઈશ્વરને મહિમા આપીએ; કારણ, તે તમને વિશ્વાસમાં દૃઢ રાખવાને સમર્થ છે. મેં તમને ઈસુ ખ્રિસ્ત સંબંધીનો શુભસંદેશ પ્રગટ કર્યો છે. વળી, અનાદિકાળથી ગુપ્ત રાખવામાં આવેલો ઈશ્વરનો માર્ગ મેં તમને જણાવ્યો છે. એ માટે ઈશ્વરની સ્તુતિ થાઓ. 26 સંદેશવાહકોનાં લખાણો દ્વારા તે માર્મિક સત્ય અત્યારે ખુલ્લું થયું છે. બધી પ્રજાઓ શુભસંદેશ ઉપર વિશ્વાસ કરી તેને આધીન થાય, તે માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી તે તમને જણાવવામાં આવ્યું છે. 27 ઈશ્વર, જે એકલા જ સર્વજ્ઞ છે, તેમનો ઈસુ ખ્રિસ્તની મારફતે સર્વકાળ મહિમા હો! આમીન! |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide