Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

રોમનોને પત્ર 15 - પવિત્ર બાઇબલ C.L.


સૌને સંતુષ્ટ રાખો

1 આપણે જેઓ વિશ્વાસમાં દૃઢ છીએ, તેમણે નિર્બળોને તેમના બોજ ઊંચકવામાં મદદ કરવી જોઈએ. આપણે માત્ર આપણને પોતાને જ સંતુષ્ટ રાખવા તરફ લક્ષ રાખવું ન જોઈએ.

2 એને બદલે, આપણે સૌએ આપણા ભાઈની ઉન્‍નતિ કરવા માટે તે સંતુષ્ઠ રહે એ વાત લક્ષમાં રાખવાનો યત્ન કરવો જોઈએ.

3 ખ્રિસ્તે પણ પોતાની જ સંતુષ્ટતા લક્ષમાં રાખી નહોતી. શાસ્ત્રમાં લખેલું છે, “તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી.”

4 શાસ્ત્રમાં જે કંઈ લખવામાં આવ્યું છે, તે તો આપણને શિક્ષણ આપવા માટે છે; જેથી શાસ્ત્રમાંથી મળતાં ધીરજ અને પ્રોત્સાહનથી આપણામાં આશા ઉત્પન્‍ન થાય.

5 તમે ખ્રિસ્તના નમૂનાને અનુસરો અને એમ તમારામાં એક્સરખી વિચારસરણી રાખી શકો તે માટે ધીરજ તથા પ્રોત્સાહનના દાતા ઈશ્વર તમને સહાય કરો;

6 એ માટે કે તમે બધા સાથે મળીને એકી અવાજે ઈશ્વર એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાની સ્તુતિ કરો.


બિનયહૂદીઓને પણ શુભસંદેશ અપાયો છે

7 જેમ ખ્રિસ્તે તમારો સ્વીકાર કર્યો, તેમ તમે ઈશ્વરના મહિમાને અર્થે એકબીજાનો સ્વીકાર કરો.

8 ખ્રિસ્ત યહૂદીઓના સેવક બન્યા; જેથી આદિપૂર્વજોને આપેલાં ઈશ્વરનાં વચનો સાચાં ઠરે અને એમ ઈશ્વર વિશ્વાસુ છે એ વાત પુરવાર થાય.

9 વળી, બિનયહૂદીઓ પણ ઈશ્વરની દયાને માટે સ્તુતિ કરે. શાસ્ત્રમાં લખેલું છે: “માટે હું બિનયહૂદીઓમાં તમારી સ્તુતિ કરીશ, અને તમારા નામનાં સ્તોત્રો ગાઈશ.”

10 વળી, તે કહે છે: “ઓ બિનયહૂદીઓ, ઈશ્વરના પસંદ કરાયેલા લોકની સાથે આનંદ કરો.”

11 વળી, “ઓ સર્વ બિનયહૂદીઓ, પ્રભુની સ્તુતિ કરો, અને બધા લોકો તેમની મોટેથી સ્તુતિ કરો.”

12 યશાયાએ લખેલું છે: “યિશાઈનો વંશજ આવશે, તેને બિનયહૂદીઓ ઉપર રાજ કરવાને ઊભો કરવામાં આવશે, અને તેના પર બિનયહૂદીઓ આશા રાખશે.”

13 હવે ઈશ્વર, જે આશાનું મૂળ છે, તે તેમના પરના તમારા વિશ્વાસની મારફતે તમને આનંદ તથા શાંતિથી ભરી દો; જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા સતત વૃદ્ધિ પામતી જાય.


પાઉલનું સ્પષ્ટ શબ્દોમાં લખવાનું કારણ

14 મારા ભાઈઓ, તમારે વિષે મને પૂરી ખાતરી છે કે તમે ભલાઈથી ભરેલા છો. તમે સર્વ જ્ઞાનથી સંપન્‍ન છો. તમે એકબીજાને શીખવી શકો તેવા છો.

15 પરંતુ આ પત્રમાં કેટલાક વિષયો અંગે મેં બહુ સ્પષ્ટ વાત કરી છે. હવે હું તમને એ યાદ દેવડાવવા માગું છું કે ઈશ્વરે મને આપેલા હક્કને આધારે હું સ્પષ્ટ રીતે લખું છું.

16 ઈસુ ખ્રિસ્તના સેવક તરીકે મને બિનયહૂદીઓ મયે ક્મ કરવાનો હક્ક મળેલો છે. ઈશ્વરનો શુભસંદેશ પ્રગટ કરીને હું યજ્ઞકારનું ક્મ કરું છું, જેથી પવિત્ર આત્માની મારફતે ખ્રિસ્તી થયેલા બિનયહૂદીઓ ઈશ્વરને માન્ય અર્પણ થાય,

17 અને એમ ઈસુ ખ્રિસ્તમાં મેળવાયો હોવાથી હું ઈશ્વરની જે સેવા કરું છું તેનો ગર્વ લઈ શકું.

18 હું તો તમને ખ્રિસ્તે મારા દ્વારા કરેલું કાર્ય હિંમતથી જણાવીશ.

19 તે આવું છે: વાણીથી અને કાર્યોથી, ચિહ્નોથી, ચમત્કારોથી અને પવિત્ર આત્માના સામર્થ્યથી બિનયહૂદીઓ ઈશ્વરને આધીન થયા છે. યરુશાલેમથી ઈલુરીકમ સુધી ખ્રિસ્તનો સંદેશો મેં પૂરેપૂરો પ્રગટ કર્યો છે.

20 જ્યાં ખ્રિસ્તનું નામ કદી યે સાંભળવામાં આવ્યું ન હોય, તેવી જગ્યાઓમાં શુભસંદેશ પ્રગટ કરવાની મારી મહત્ત્વાક્ંક્ષા છે. કારણ, મારે બીજાના પાયા ઉપર બાંધક્મ કરવું નથી.

21 શાસ્ત્રમાં લખેલું છે: “જેમને તેમના સંબંધીના સમાચાર આપવામાં આવ્યા નહોતા, તેઓ જોશે; અને જેમણે સાંભળ્યું નહોતું, તેઓ સમજશે.”


રોમની મુલાકાત લેવાની પાઉલની યોજના

22 એ કારણને લીધે તમારી મુલાકાત લેવાનું અટવાઈ પડયું છે.

23 હવે આ પ્રદેશોમાં મેં મારું કાર્ય પૂરું કર્યું છે.

24 ઘણા વર્ષોથી હું તમારી મુલાકાત લેવાની ઇચ્છા રાખી રહ્યો છું. સ્પેન જતી વખતે હું તમને મળવાની આશા રાખું છું. તમારી મુલાકાતથી મળતો આનંદ તથા તમારી મદદ મેળવીને હું સ્પેન જવા વિદાય થઈશ.

25 હાલ તો હું ઈશ્વરના લોકો માટે રાહતફાળો લઈને યરુશાલેમ જાઉં છું.

26 કારણ, મકદોનિયા અને આખાયાના પ્રદેશોની મંડળીઓએ યરુશાલેમમાંના ઈશ્વરના લોકમાંના ગરીબોને મદદ કરવાનો ઠરાવ કર્યો છે.

27 તેમણે જાતે જ આ પગલું ભર્યું છે. ખરું જોતાં, તેઓ તેમના દેવાદાર છે. કારણ, યહૂદીઓએ તેમની આત્મિક આશિષોમાં બિનયહૂદીઓને ભાગીદાર બનાવ્યા છે. તેથી બિનયહૂદીઓએ પણ તેમને ભૌતિક બાબતોમાં મદદ કરવી જોઈએ.

28 તેમને માટે ઉઘરાવેલા ફાળાની સોંપણીનું ક્મ પૂરું કરી હું સ્પેન જવા વિદાય થઈશ, અને ત્યાં જતાં રસ્તામાં તમારી પણ મુલાકાત લઈશ.

29 તમારે ત્યાં હું આવીશ, ત્યારે ખ્રિસ્તના શુભસંદેશની આશિષોની ભરપૂરી લાવીશ એવી મને ખાતરી છે.

30 ભાઈઓ, આપણા પ્રભુ ઈસુને લીધે અને પવિત્ર આત્માના પ્રેમને લીધે મારી તમને આ વિનંતી છે:

31 યહૂદિયાના અવિશ્વાસીઓના હુમલાથી હું બચી જાઉં, યરુશાલેમમાંની મારી સેવા ઈશ્વરના લોકોને પસંદ પડે,

32 તથા ઈશ્વરની ઇચ્છા હોય, તો હું તમારે ત્યાં આનંદથી આવી શકું અને તમારી મુલાકાતથી તાજગી મેળવું એ માટે ઈશ્વરને આગ્રહથી પ્રાર્થના કરીને મને સહાય કરો.

33 શાંતિદાતા ઈશ્વર તમ સર્વની સાથે રહો. આમીન.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan