રોમનોને પત્ર 13 - પવિત્ર બાઇબલ C.L.રાજ્યના અધિકારીઓ પ્રત્યે નાગરિક તરીકેની ફરજો 1 દરેકે રાજ્યના અધિકારીઓને આધીન રહેવું. કારણ, ઈશ્વરની પરવાનગી વગર અપાયો હોય એવો કોઈ અધિકાર નથી. અધિકારીઓ ઈશ્વર તરફથી નિમાયેલા હોય છે. 2 જે કોઈ અધિકારનો વિરોધ કરે છે, તે ઈશ્વરે ઠરાવેલી વ્યવસ્થાનો વિરોધ કરે છે. જે કોઈ એવું કૃત્ય કરે છે, તે પોતા પર શિક્ષા લાવશે. 3 સારું ક્મ કરનારાઓને અધિકારીઓની બીક લાગતી નથી; પણ ભૂંડુ કરનારાઓને જ લાગે છે. શું તમારે અધિકારીઓથી ભયમુક્ત થવું છે? તો જે સારું છે તે કરો; એટલે, તે તમારાં વખાણ કરશે. 4 તે તો તમારા ભલા માટે ઈશ્વર તરફથી નિમાયેલો સેવક છે. જો તમે ભૂંડું કરો, તો જ તમને તેની બીક લાગે. કારણ, તેની પાસે સજા કરવાની ખરેખરી સત્તા છે. તે તો ભૂંડાં ક્મ કરનારને સજા કરવા ઈશ્વરથી નિમાયેલો સેવક છે. 5 તમારે માત્ર સજાની બીકથી જ નહિ, પરંતુ પ્રેરકબુદ્ધિને ખાતર પણ અધિકારીઓને આધીન રહેવું. 6 અધિકારીઓ ફરજ બજાવવામાં ઈશ્વરને માટે ક્મ કરે છે. આથી તમારે કરવેરા ભરવા જોઈએ. 7 દરેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો હક હોય તેને કર, જેને જક્તનો હક હોય તેને જક્ત, જેને ડરનો હક હોય તેને ડર, જેને માનનો હક હોય તેને માન આપો. એકબીજા પ્રત્યેની ફરજો 8 એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું કોઈ દેવું ન કરો, કેમકે જે કોઈ બીજા ઉપર પ્રેમ રાખે છે, તેણે નિયમનું પૂરું પાલન કર્યું છે. 9 કારણ, “વ્યભિચાર કરવો નહિ, ખૂન કરવું નહિ, ચોરી કરવી નહિ, લોભ રાખવો નહિ,” આ બધી આજ્ઞાઓનો સાર આ એક જ વાકાયમાં મળી જાય છે. “જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખ.” 10 બીજાઓ પર પ્રેમ રાખનાર તેમનું કદી ખરાબ કરતો નથી. પ્રેમ કરવામાં આખા નિયમશાસ્ત્રનું પાલન થાય છે. 11 તમારે તેમ કરવાની જરૂર છે; કારણ, આ કેવો સમય છે તે તમે જાણો છો. હાલ તમારે ઊંઘમાંથી જાગવાનો સમય આવી પહોંચ્યો છે. આપણે વિશ્વાસ કર્યો, ત્યારના કરતાં હાલ આપણો ઉદ્ધાર વધુ નજીક છે. 12 રાત્રિ લગભગ પસાર થઈ ગઈ છે; દિવસ નજીક આવી પહોંચ્યો છે. હવે અંધકારનાં દુષ્ટ કામો કરવાનું બંધ કરી દઈએ. પ્રકાશનાં શસ્ત્રો સજી લઈએ. 13 દિવસના પ્રકાશમાં જીવનાર લોકોની માફક આપણું વર્તન યથાયોગ્ય રાખીએ. એટલે કે, આપણે ભોગવિલાસમાં, નશાબાજીમાં, વ્યભિચારમાં, અશ્ર્લીલ વર્તનમાં, ઝગડામાં કે ઈર્ષામાં જીવીએ નહિ; 14 પણ તમારા બખ્તર તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને તમારા દેહની વાસનાઓ સંતોષવા તરફ ધ્યાન ન આપો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide