રોમનોને પત્ર 12 - પવિત્ર બાઇબલ C.L.ઈશ્વરની સેવામાં જીવન 1 મારા ભાઈઓ, ઈશ્વરે આપણા ઉપર ઘણી દયા કરી છે; તેથી તેને ધ્યાનમાં રાખીને મારી તમને આ વિનંતી છે: તમે તમારી જાતનું જીવંત, ઈશ્વરની સેવાને માટે સમર્પિત અને તેમને પસંદ પડે એવું અર્પણ કરો. એ જ તમારી સાચી સેવાભક્તિ છે. 2 આ દુનિયાના ધોરણને અનુસરો નહિ, પરંતુ ઈશ્વરને તમારા મનનું પૂરેપૂરું પરિવર્તન કરીને તમારું આંતરિક રૂપાંતર કરવા દો. ત્યાર પછી જ તમને ઈશ્વરની ઇચ્છાની ખબર પડશે કે શું સારું છે, ઈશ્વરને શું ગમે છે અને સંપૂર્ણ તથા યોગ્ય શું છે. આત્મિક દાનોનો ઉપયોગ 3 મને મળેલા ઈશ્વરના કૃપાદાનને લીધે હું તમ સૌને કહું છું કે પોતાને સમજવા જોઈએ તે કરતાં બહુ મોટા સમજી ન બેસો. એને બદલે, સૌ પોતાને ઈશ્વરે આપેલા વિશ્વાસના પ્રમાણમાં નમ્રતાથી સમજે. 4 આપણા એક શરીરમાં અનેક અવયવો છે. આ બધા અવયવોનું કાર્ય જુદું જુદું છે. 5 તેવી જ રીતે આપણે જોકે અનેક છીએ, તોપણ ખ્રિસ્તની સાથે જોડાઈને આપણે એક શરીર બન્યા છીએ, અને એક શરીરના જુદા જુદા અવયવો તરીકે આપણે એકબીજા સાથે જોડાયેલા છીએ. 6 ઈશ્વરે જે રીતે આપણને જુદાં જુદાં કૃપાદાનો આપ્યાં છે, તે રીતે આપણે તેમનો ઉપયોગ કરવો જોઈએ. જો ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાનું દાન હોય, તો તેને આપણા વિશ્વાસના પ્રમાણમાં પ્રગટ કરવો જોઈએ. 7 સેવા કરવાનું દાન હોય, તો સેવા કરવી. શિક્ષણ આપવાનું દાન હોય, તો શીખવવું. 8 બીજાને ઉત્તેજન આપવાનું દાન હોય, તો તેમ કરવું જોઈએ. બીજાની સાથે પોતાનો હિસ્સો વહેંચવાનો હોય, તો ઉદારતાથી આપવું. જેની પાસે અધિકાર છે, તેણે ખંતથી ક્મ કરવું. જે બીજાઓ ઉપર ભલાઈ કરે છે, તેણે હસતે મુખે કરવી. ખ્રિસ્તી જીવનના નિયમો 9 તમારો પ્રેમ સંપૂર્ણ રીતે દંભરહિત હોય. ભૂંડાનો ધિક્કાર કરો; જે સારું છે તેને પકડી રાખો. 10 ખ્રિસ્તમાં ભાઈઓ તરીકે ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર કરો. સન્માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો. 11 ખંતથી મહેનત કરો, અને આળસુ ન બનો; આત્મામાં ધગશ રાખો, અને પ્રભુની સેવામાં મંડયા રહો. 12 આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો, સર્વ સમયે પ્રાર્થના કરો. 13 જેઓ તંગીમાં છે તેવા ભાઈઓને મદદ કરો. મહેમાનોનો આવકાર કરવા તમારાં ઘર ખુલ્લાં રાખો. 14 જેઓ તમને સતાવે તેમને ઈશ્વર આશિષ આપે તેવી વિનંતી કરો; અને શાપ આપતા નહિ. 15 આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો. 16 બધાની એક્સરખી કાળજી રાખો. અભિમાન ન કરો, પરંતુ સાધારણ દરજ્જાના લોકો સાથે ય સામેલ થાઓ. તમે જ બુદ્ધિમાન છો એમ ન સમજો. 17 કોઈ તમારું ભૂડું કરે, તો સામું ભૂંડું ન કરો. 18 બધાને ગમતું કરવાનો યત્ન કરો. બધાની સાથે શાંતિમાં રહેવાને તમારાથી બનતું બધું કરો. 19 મારા મિત્રો, વેર વાળશો નહિ; એને બદલે, તે ક્મ ઈશ્વરના કોપને કરવા દો. શાસ્ત્રમાં લખેલું છે: “વેર વાળવું એ મારું ક્મ છે અને હું બદલો લઈશ, એમ પ્રભુ કહે છે.” 20 એને બદલે, શાસ્ત્ર કહે છે તેમ, “જો તારો દુશ્મન ભૂખ્યો હોય, તો તેને ખાવાનું આપ. જો તેને તરસ લાગી હોય, તો પાણી આપ. 21 એમ કરવાથી તું તેને શરમમાં મૂકી દઈશ.” ભૂંડાઈથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાઈ ઉપર વિજયી થા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide