રોમનોને પત્ર 11 - પવિત્ર બાઇબલ C.L.ઇઝરાયલ ઉપર ઈશ્વરની દયા 1 તો હું પૂછું છું કે, શું ઈશ્વરે પોતાના લોકને તજી દીધા છે? બેશક નહિ. હું પોતે ઇઝરાયલી છું, અબ્રાહામનો વંશજ છું, બિન્યામીનના કુળનો છું. 2 આરંભથી પસંદ કરેલા લોકને ઈશ્વરે ત્યજી દીધા નથી. એલિયાએ ઇઝરાયલ પ્રજા વિરુદ્ધ ઈશ્વરને ફરિયાદ કરી એ પ્રસંગમાં શાસ્ત્ર શું કહે છે તે તમે જાણો છો? 3 “હે પ્રભુ, આ લોકોએ તમારા સંદેશવાહકોને મારી નાખ્યા છે, તમારી યજ્ઞવેદીઓ તોડી પાડી છે, અને એકલો હું જ બાકી રહ્યો છું. તેઓ મારો પણ જીવ લેવા પ્રયાસ કરે છે.” 4 ઈશ્વરે તેને શો જવાબ આપ્યો? “જૂઠા દેવ બઆલની આગળ પોતાનાં ધૂંટણ કદી નમાવ્યાં નથી એવા સાત હજાર માણસોને મેં મારે માટે સાચવી રાખ્યા છે.” 5 એ જ રીતે અત્યારના સમયમાં પણ કેટલાક કૃપાથી પસંદ કરેલાઓને સાચવી રાખવામાં આવ્યા છે. 6 ઈશ્વરની પસંદગી કૃપાથી થઈ છે, અને કાર્યોથી નહિ. જો ઈશ્વરે કરેલી પસંદગી માનવી કાર્યો પ્રમાણે થઈ હોય, તો તેમની કૃપા એ કૃપા જ ન કહેવાય. 7 હવે સમજવું શું? એ જ કે ઇઝરાયલ પ્રજા જેની શોધમાં હતી, તે તેને મળ્યું નથી. ઈશ્વરે પસંદ કરેલા એવા થોડાઓને જ તે પ્રાપ્ત થયું છે. ઈશ્વરના આમંત્રણ સંબંધી બાકીના બધા બહેરા બન્યા છે. 8 શાસ્ત્રમાં લખેલું છે: “ઈશ્વરે તેમનાં મન જડ બનાવી દીધાં છે. આજ લગી તેમની આંખો દેખતી નથી, ને કાનો સાંભળતા નથી.” 9 અને દાવિદ કહે છે: “તેમની મિજબાનીઓ તેમને માટે જાળ તથા ફાંદારૂપ બનો. તેમને માટે તે ઠોકરનું કારણ અને સજારૂપ બનો. 10 તેમની આંખો ઉપર અંધકાર પથરાઈ જાઓ; જેથી તેમને દેખાય નહિ અને તેમની પીઠ તમે સદા નમેલી રાખો.” 11 મારો પ્રશ્ર્ન છે: શું યહૂદીઓએ એવી ઠોકર ખાધી છે કે તેઓ ફરી ઊભા થાય જ નહિ? ના, એવું તો નથી. 12 પણ તેમના પતનથી બિનયહૂદીઓનો ઉદ્ધાર શકાય બન્યો છે, કે જેથી યહૂદીઓમાં ઈર્ષા ઉત્પન્ન થાય. તેમના પતનથી દુનિયાને આશિષ મળી છે. તેમની આત્મિક ગરીબાઈ બિનયહૂદીઓ માટે પુષ્કળ આશિષ લાવી છે. તો જ્યારે બાકીના બધા યહૂદીઓની સંપૂર્ણ સંખ્યાનો પ્રભુમાં સમાવેશ થશે, ત્યારે કેટલી વિશેષ આશિષ મળશે? બિનયહૂદીઓનો ઉદ્ધાર 13 હવે હું તમ બિનયહૂદીઓની સાથે વાત કરું છું. હું બિનયહૂદીઓમાં પ્રચાર અર્થે મોકલાયેલો છું; તેથી હું મારા સેવાકાર્યમાં ગર્વ લઉં છું. 14 કદાચ, મારી જાતિના લોકોમાં ઈર્ષા ઉત્પન્ન કરીને હું તેમનામાંના કેટલાકને બચાવી શકું. 15 જ્યારે તેમને ધિક્કારવામાં આવ્યા, ત્યારે દુનિયા ઈશ્વરની મિત્ર થઈ; તો પછી જ્યારે તેમને સ્વીકારવામાં આવશે, ત્યારે શું થશે? અરે, મુડદાં પણ જીવતાં થશે! 16 અર્પવાની રોટલીનો પ્રથમ ટુકડો ઈશ્વરને અપાયેલો હોય, તો આખી રોટલીનો પૂરો કણક પવિત્ર છે. તેમ જ જો વૃક્ષનાં મૂળ અર્પિત થયેલાં હોય તો ડાળીઓ પણ પવિત્ર છે. 17 ઉછેરવામાં આવેલ ઓલિવ વૃક્ષની કેટલીક ડાળીઓ તોડી નાખવામાં આવી છે, અને જંગલી ઓલિવ વૃક્ષની ડાળીની તેમાં કલમ કરવામાં આવી છે. તમે બિનયહૂદીઓ પેલા જંગલી ઓલિવ વૃક્ષની ડાળી જેવા છો. હવે યહૂદીઓનું મૂળ, જે શક્તિ અને રસે ભરેલું છે તેના જીવનના તમે ભાગીદાર થયા છો. 18 તેથી જેમને ડાળીઓની માફક તોડી નાખવામાં આવ્યા છે, તેમનો તિરસ્કાર તારાથી કરાય જ નહિ. તું ગર્વ શી રીતે કરી શકે? તું તો માત્ર ડાળી છે. મૂળ તારા પર આધાર રાખતું નથી, પણ તું મૂળ પર આધાર રાખે છે. 19 પણ તને આવો વિચાર આવે: “મારી કલમ કરવા માટે ડાળીઓ કાપી નાખવામાં આવી હતી.” 20 એ ખરું છે. અવિશ્વાસને લીધે તેમને તોડી નાખવામાં આવ્યા અને વિશ્વાસને લીધે તું એ સ્થાને ટકી રહ્યો છે; છતાં અભિમાન ન કર, પણ ભય રાખ. 21 અસલ ડાળીઓ જેવા યહૂદીઓને ઈશ્વરે ન બચાવ્યા, તો શું તું એમ ધારે છે કે ઈશ્વર તને જતો કરશે? 22 અહીં આપણે જોઈએ છીએ કે ઈશ્વર દયાળુ તો છે, પણ સાથેસાથે કડક પણ છે. જેઓ પડી ગયા તેઓ ઉપર ઈશ્વરનો કોપ આવ્યો. જો તું ઈશ્વરની દયાને વળગી રહેશે, તો ઈશ્વર તારા પર દયા જારી રાખશે, નહિ તો તને પણ કાપી નાખવામાં આવશે. 23 જો યહૂદીઓ તેમના અવિશ્વાસને દૂર કરે તો તેમને અસલ સ્થાને પાછા લાવવામાં આવશે. કારણ, ઈશ્વર તેમને ફરીથી કલમરૂપે જોડવા સમર્થ છે. 24 તમ બિનયહૂદીઓ જંગલી ઓલિવ વૃક્ષની ડાળીઓ જેવા છો, અને ઉછેરવામાં આવેલ ઓલિવ વૃક્ષ સાથે તમને કુદરતની વિરુદ્ધ જોડવામાં આવ્યા છે. યહૂદીઓ આ ઉછેરેલા વૃક્ષની ડાળીઓ જેવા છે. ઈશ્વરને માટે એ અસલ ડાળીઓને તેમના મૂળ ઓલિવ વૃક્ષમાં કલમ કરવાનું ક્મ કેટલું સરળ છે! બધાને માટે ઈશ્વરની દયા 25 મારા ભાઈઓ, હું તમને એક માર્મિક સત્ય જણાવવા માગું છું, જેથી તમે પોતાને બુદ્ધિમાન સમજી બેસો નહિ. તે આ પ્રમાણે છે: ઇઝરાયલીઓની હઠીલાઈ કાયમી નથી. પરંતુ બિનયહૂદીઓ પૂરેપૂરી સંખ્યામાં ઈશ્વર પાસે આવશે ત્યાં સુધી જ તે રહેશે. 26 અને એ રીતે સર્વ ઇઝરાયલીઓનો ઉદ્ધાર થશે. શાસ્ત્રમાં લખેલું છે: “સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે, તે યાકોબનાં સંતાનોમાંથી પાપને દૂર કરશે. 27 જ્યારે હું તેમનાં પાપનું નિવારણ કરીશ, ત્યારે તેમની સાથે મારો આ કરાર હશે.” 28 શુભસંદેશને લાગેવળગે છે ત્યાં સુધી યહૂદીઓ તમારે લીધે ઈશ્વરના દુશ્મનો છે; પરંતુ પસંદ કરાયેલા લોકો તરીકે આદિ પૂર્વજોને લીધે તેઓ ઈશ્વરના મિત્ર છે. 29 ઈશ્વર જેમને પસંદ કરીને આશિષ આપે છે, તેમના સંબંધી તે પોતાનું મન ફેરવતા નથી. 30 ભૂતકાળમાં તમ બિનયહૂદીઓ ઈશ્વરને નિરાધીન હતા; પણ અત્યારે યહૂદીઓની નિરાધીનતાને કારણે તમે દયા પામ્યા છો. 31 એ જ પ્રમાણે તમને દયા મળી છે, તેથી યહૂદીઓ નિરાધીન થયા છે; જેથી તેમને પણ દયા પ્રાપ્ત થાય. 32 આમ, સમગ્ર માનવજાતને ઈશ્વરે નિરાધીનતાના બંધનમાં મૂક્યા છે; જેથી સમગ્ર માનવજાત પ્રત્યે તે દયા બતાવે. 33 અરે, ઈશ્વરનાં જ્ઞાન અને પ્રજ્ઞાની સંપત્તિ કેવી અગાધ છે! તેમના નિર્ણયોને કોણ સમજાવી શકે? તેમના માર્ગોને કોણ સમજી શકે? 34 શાસ્ત્રમાં લખેલું છે: “પ્રભુનું મન કોણ જાણે છે? કોણ તેમને સલાહ આપવાને સમર્થ છે? 35 કોણે તેમને પહેલાં કંઈક આપ્યું છે કે તેમણે તેને પાછું આપવું પડે?” 36 જેમનાથી સર્વ ઉત્પન્ન થયું, જેમની મારફતે સર્વ અસ્તિત્વ ધરાવે છે અને જેમને માટે સર્વ છે એવા ઈશ્વરનો સર્વકાળ મહિમા થાઓ! આમીન. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide