રોમનોને પત્ર 10 - પવિત્ર બાઇબલ C.L.1 ભાઈઓ, મારા અંત:કરણની ઝંખના તથા ઈશ્વર આગળ મારી એવી પ્રાર્થના છે કે ઇઝરાયલ ઉદ્ધાર પામે. 2 હું સાક્ષી આપું છુ કે ઈશ્વર પ્રત્યે તેમનો ઊંડો ભક્તિભાવ તો છે; પણ તેનો આધાર સાચા જ્ઞાન પર નથી. 3 ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવવાનો માર્ગ તેઓ જાણતા નથી. પોતાના માર્ગ ઉપર ચાલતાં તેઓ ઈશ્વરના માર્ગને આધીન થતા નથી. 4 જે કોઈ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરે છે, તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થાય છે. કારણ, ખ્રિસ્ત નિયમના ઉદ્દેશની પરિપૂર્ણતા છે. સૌને માટે ઉદ્ધારનો માર્ગ 5 નિયમને આધીન થઈને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવવા અંગે મોશેએ લખેલું છે: “જે માણસ નિયમની માગણીઓ પૂર્ણ કરશે, તે તેનાથી જીવશે.” 6 પણ વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવવા વિષે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે: “તમારા મનમાં એમ ન વિચારો કે સ્વર્ગમાં કોણ જશે (એટલે કે, ખ્રિસ્તને નીચે લાવવા માટે); 7 અથવા ઊંડાણમાં કોણ ઊતરશે (એટલે કે, ખ્રિસ્તને મરેલાંઓમાંથી ઉપર લાવવા માટે)?” 8 એનો અર્થ આ છે: “ઈશ્વરનો સંદેશ તારી નજીક છે. તે તારા હોઠ ઉપર અને હૃદયમાં છે.” અમે એ વિશ્વાસનો જ સંદેશ પ્રગટ કરીએ છીએ. 9 જો તું તારા હોઠથી એવી જાહેર કબૂલાત કરે કે ઈસુ પ્રભુ છે અને તારા દયથી વિશ્વાસ કરે કે ઈશ્વરે તેમને મરેલાંઓમાંથી સજીવન કર્યા છે તો તું ઉદ્ધાર પામીશ. 10 જ્યારે માણસ દયથી વિશ્વાસ કરે છે, ત્યારે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારાય છે; અને મુખથી કબૂલાત કરે છે, ત્યારે તે ઉદ્ધાર પામે છે. 11 શાસ્ત્રમાં લખેલું છે: “જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તે નિરાશ થશે નહિ.” 12 આમાં બધાનો સમાવેશ થાય છે. એમાં યહૂદી કે બિનયહૂદી એવો કોઈ ભેદભાવ નથી. એક જ ઈશ્વર સર્વના પ્રભુ છે. જે કોઈ તેમને વિનંતી કરે છે, તેને માટે તેમની પાસે આશિષ છે. 13 શાસ્ત્ર કહે છે કે, “જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તેનો ઉદ્ધાર થશે.” 14 પણ જેમના ઉપર તેમને વિશ્વાસ નથી, તેમને નામે તેઓ કેવી રીતે પોકારશે? જેમના વિષેનો સંદેશ સાંભળ્યો નથી, તેમના ઉપર તેઓ વિશ્વાસ કેવી રીતે રાખશે? 15 સંદેશવાહકને મોકલ્યા વગર લોકો શી રીતે સાંભળશે? શાસ્ત્રમાં લખેલું છે: “શુભ સમાચાર લાવનારાઓનું આગમન કેટલું સુંદર છે!” 16 પણ બધાએ શુભસંદેશ સ્વીકાર્યો નથી. યશાયા કહે છે: “હે પ્રભુ, અમારા સંદેશ ઉપર કોણે વિશ્વાસ કર્યો છે?” 17 સંદેશ, એટલે કે ઈશ્વરનો સંદેશ સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે. 18 પણ મારો પ્રશ્ર્ન આ છે: શું તેમણે સંદેશ સાંભળ્યો ન હોય એવું બને ખરું? ના, ના, તેમણે સાંભળ્યું તો છે; કારણ, “તેમનો અવાજ આખી પૃથ્વીમાં ફેલાયેલો છે, અને તેમનો સંદેશ દુનિયાના છેડા સુધી પ્રસરેલો છે.” 19 શું ઇઝરાયલને સમજ ન પડી હોય એવું બને? સૌ પ્રથમ મોશે એનો જવાબ આપે છે: “પ્રજા ન ગણાય એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્ન કરીશ, જેઓ મૂર્ખ છે એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્ન કરીશ.” 20 વળી, યશાયા વધુ હિંમત રાખીને કહે છે: “જેઓ મને શોધતા ન હતા, તેમને હું મળ્યો; જેઓ મારી પૂછપરછ કરતા ન હતા, તેમની સમક્ષ હું પ્રગટ થયો.” 21 પણ ઇઝરાયલ વિષે તે કહે છે: “મારી આજ્ઞાનું પાલન નહિ કરનારી અને બળવાખોર પ્રજાને હું આખો દિવસ આમંત્રણ આપતો રહ્યો!” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide