Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

રોમનોને પત્ર 1 - પવિત્ર બાઇબલ C.L.


પ્રસ્તાવના

1 ઈસુ ખ્રિસ્તનો સેવક હું પાઉલ તમને લખું છું. ઈશ્વરે મને પ્રેષિત તરીકે પસંદ કર્યો છે, અને તેમના શુભસંદેશના પ્રચાર માટે અલગ કર્યો છે.

2 ઈશ્વરે આ શુભસંદેશ વિષેનું વચન તેમના સંદેશવાહકો દ્વારા અગાઉથી આપ્યું હતું, અને તે ધર્મશાસ્ત્રમાં લખાયેલું છે.

3 આ શુભસંદેશ તેમના પુત્ર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે છે. માનવ શરીરના સંબંધમાં તો તે દાવિદના કુળમાં જન્મેલા હતા;

4 પણ પવિત્ર આત્માના પ્રતાપે તે ફરીથી સજીવન થયા, અને પરાક્રમથી તેમને ઈશ્વરના પુત્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

5 એમની મારફતે મને પ્રેષિત થવાની કૃપા સાંપડી છે; જેથી ઈશ્વરના મહિમાને અર્થે સર્વ પ્રજાઓ વિશ્વાસ કરીને તેમને આધીન થાય.

6 તમે પણ ઈશ્વરના આમંત્રણને આધીન થઈને ઈસુ ખ્રિસ્તના થયા છો; તેથી આ પ્રજાઓમાં તમ રોમનોનો પણ સમાવેશ થાય છે.

7 માટે તમે જેઓ ઈશ્વરને પ્રિય છો અને જેમને પવિત્ર થવા આમંત્રણ આપવામાં આવેલું છે, તેવા તમ રોમમાં રહેનારાઓને હું લખું છું. ઈશ્વર આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ આપો.


રોમની મુલાકાત લેવાની પાઉલની ઈચ્છા

8 સૌ પ્રથમ હું તમ સર્વને માટે ઈસુ ખ્રિસ્તની મારફતે મારા ઈશ્વરનો આભાર માનું છું; કારણ, આખી દુનિયામાં તમારા વિશ્વાસની વાત જાહેર થઈ છે.

9 જે ઈશ્વરની સેવા હું તેમના પુત્ર સંબંધીનો શુભસંદેશ જાહેર કરીને કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિત્ય મારી પ્રાર્થનામાં તમને યાદ કરું છું.

10 ઈશ્વરની ઇચ્છા હોય તો તમારી પાસે આવવાનું શકાય બને એવી મારી હંમેશાની પ્રાર્થના છે.

11 તમને મળવાની મને બહુ ઇચ્છા છે; કારણ, મારે તમને દૃઢ કરવા કંઈક આત્મિક ભેટ આપવી છે.

12 એટલે મારા કહેવાનો અર્થ એ છે કે મારા વિશ્વાસથી તમને, અને તમારા વિશ્વાસથી મને મદદ મળે.

13 ભાઈઓ, જેમ બીજા વિધર્મીઓમાં મારા કાર્યનું પરિણામ આવે છે, તેમ તમારામાં પણ આવે તે માટે મેં ઘણીવાર તમારી મુલાકાત લેવાની ઇચ્છા રાખી, પણ દરેક વખતે કંઈ ને કંઈ અડચણ પડી છે.

14 આ વાત વિષે તમે અજાણ્યા રહો એવું હું ઇચ્છતો નથી. સંસ્કારી ગ્રીકો અને પછાત બર્બરો, જ્ઞાનીઓ તેમ જ અજ્ઞાનીઓનો પણ હું દેવાદાર છું.

15 તેથી તમ રોમમાં વસનારાઓને પણ હું શુભસંદેશ પ્રગટ કરવા આતુર છું.


પત્રનો હેતુ

16 શુભસંદેશ વિષે હું શરમાતો નથી. કારણ, એ તો દરેક વિશ્વાસ કરનારને બચાવનારું ઈશ્વરનું સામર્થ્ય છે - પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને.

17 શુભસંદેશમાં માણસોને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો માર્ગ પ્રગટ કરવામાં આવેલો છે. એ તો આરંભથી અંત સુધી વિશ્વાસથી જ શકાય છે. શાસ્ત્રમાં લખેલું છે કે, “વિશ્વાસથી ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવેલ વ્યક્તિ જીવન પામશે.”


માનવજાતનું સાચું દર્શન

18 પોતાની દુષ્ટતાથી સત્યને જાહેર થતું રોકી રાખનાર માણસોની સઘળી નાસ્તિક્તા અને દુષ્ટતા ઉપર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે.

19 ઈશ્વર વિષેનું જાણી શકાય તેવું બધું જ્ઞાન તેમની આગળ ખુલ્લું જ છે. ઈશ્વર તેમને શિક્ષા કરે છે; કારણ, ઈશ્વરે જ તે પ્રગટ કરેલું છે.

20 ઈશ્વરના અદૃશ્ય ગુણો, એટલે તેમનું સનાતન સામર્થ્ય અને તેમનો દૈવી સ્વભાવ સૃષ્ટિના આરંભથી જ સરજેલી વસ્તુઓના અવલોકન દ્વારા સ્પષ્ટ રીતે જાણી શકાય છે. તેથી તેઓ બહાનું કાઢી શકે તેમ છે જ નહિ.

21 તેઓ ઈશ્વર વિષે જાણે છે પણ તેમનું ઈશ્વર તરીકે સન્માન કરતા નથી કે તેમનો આભાર માનતા નથી. તેઓ વ્યર્થ કલ્પનાઓ કરે છે અને તેમનાં સમજ વિહોણાં મન અંધકારમય થાય છે.

22 ડાહ્યા હોવાનો દાવો કરતા હોવા છતાં હકીક્તમાં તો તેઓ મૂર્ખ છે.

23 અવિનાશી ઈશ્વરના મહિમાને બદલે તેઓ સર્વ સજીવ સૃષ્ટિની એટલે કે, નાશવંત માનવી, પંખી અને ચોપગાં તથા પેટે ચાલનારાં પ્રાણીઓના આકારની મૂર્તિઓ બનાવીને તેમની ભક્તિ કરે છે.

24 માણસોની આવી મૂર્ખાઈને કારણે ઈશ્વરે તેમને તેમના અંત:કરણની દુર્વાસનાઓને સુપરત કરી દીધા છે. પરિણામે, તેઓ એકબીજાનાં શરીરોને ભ્રષ્ટ કરવા લાગ્યા છે.

25 તેઓ ઈશ્વરના સત્યને બદલે જૂઠ સ્વીકારે છે અને સરજનહારની (જે સર્વકાળ સ્તુતિને યોગ્ય છે; આમીન) ભક્તિ કરવાને બદલે સર્જનની સેવાભક્તિ કરે છે.

26 આ કારણથી ઈશ્વરે તેમને તેમની શરમજનક દુર્વાસના સંતોષવાને ત્યજી દીધા છે. તેમની સ્ત્રીઓ પણ અકુદરતી કુકર્મો દ્વારા તેમની જાતીયતાનો ગેરઉપયોગ કરે છે.

27 એ જ પ્રમાણે પુરુષો સ્ત્રીઓ સાથેનો કુદરતી જાતીય વ્યવહાર ત્યજી દઈને એકબીજા પ્રત્યે ક્માતુર થાય છે. પુરુષ પુરુષની સાથે સમાગમ કરીને પોતાની ભૂલની સજા પોતાના શરીરમાં ભોગવે છે.

28 ઈશ્વર વિષેનું સાચું જ્ઞાન પોતાના મનમાં રાખવાનો માણસો ઇમકાર કરે છે. એને લીધે, ન કરવાં જેવાં કામો કરવા માટે ઈશ્વર તેમને ભ્રષ્ટ બુદ્ધિને આધીન કરે છે.

29 તેઓ બધા પ્રકારના દુર્ગુણો એટલે અધર્મ, બૂરાઈ, લોભ, દુષ્ટતા, ઈર્ષા, હિંસા, ઝઘડા, કપટ અને દ્વેષભાવથી ભરપૂર છે.

30 તેઓ ચુગલીખોર, નિંદાખોર, ઈશ્વરનો ઇન્કાર કરનારા, ઉદ્ધત, અભિમાની, બડાઈખોર, કપટી, માતાપિતાની આજ્ઞા નહિ માનનારા,

31 અનૈતિક, વિશ્વાસઘાતી, ક્રૂર અને દયાહીન બને છે.

32 ઈશ્વર આવા દુરાચારીઓને મૃત્યુને યોગ્ય ઠરાવે છે, એવો ઈશ્વરનો નિયમ જાણ્યા છતાં તેઓ એવાં ક્મ કરે છે. એટલું જ નહિ, પણ એવાં ક્મ કરનારાઓને માન્ય રાખે છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan