સંદર્શન 9 - પવિત્ર બાઇબલ C.L.1 પછી પાંચમા દૂતે તેનું રણશિંગડું વગાડયું અને પૃથ્વી પર આકાશમાંથી ખરેલા એક તારાને મેં જોયો. પૃથ્વીના ઊંડાણની ચાવી તેને આપવામાં આવી. 2 તારાએ ઊંડાણને ઉઘાડયું અને અગ્નિની મોટી ભઠ્ઠીમાંથી નીકળતા હોય તેવા ધૂમાડાના ગોટેગોટા તેમાંથી નીકળ્યા. તે ધૂમાડાથી સૂર્યનો પ્રકાશ અને વાતાવરણ અંધકારમય બની ગયાં. 3 તે ધૂમાડામાંથી પૃથ્વી પર તીડો ઊતરી આવ્યાં અને તેમને વીંછીના જેવી ડંખ મારવાની શક્તિ આપવામાં આવી. 4 તેમને ઘાસ, વૃક્ષો કે કોઈ છોડને નુક્સાન પહોંચાડવાની મના કરવામાં આવી હતી. માત્ર જેમના પર ઈશ્વરની મુદ્રા મારવામાં આવી નહોતી, તેમને જ તેમણે નુક્સાન પહોંચાડવાનું હતું. 5 એ તીડોને માણસોને મારી નાખવાની નહિ, પણ તેમને પાંચ મહિના સુધી રિબાવવાની છૂટ હતી. તેમના ડંખની વેદના વીંછીના ડંખની વેદના જેવી હતી. 6 એ પાંચ મહિના દરમિયાન માણસો મરણ માગશે પણ મળશે નહિ. તેઓ મરણ ઝંખશે, પણ તે તેમનાથી દૂર ભાગતું રહશે. 7 યુદ્ધને માટે સજ્જ કરવામાં આવેલ ઘોડાઓ જેવો એ તીડોનો દેખાવ હતો. તેમના શિરે મુગટ જેવું કંઈક હતું અને તેમનો ચહેરો માણસના ચહેરા જેવો હતો. 8 સ્ત્રીના વાળ જેવા તેમના વાળ હતા અને સિંહના દાંત જેવા તેમનાં દાંત હતા. 9 તેમની છાતી લોઢાના બખ્તર જેવી દેખાતી વસ્તુથી ઢંક્યેલી હતી. તેમની પાંખોના ફફડાટનો અવાજ ઘણા ઘોડા જોડેલા રથના ગડગડાટ જેવો હતો. 10 તેમને વીંછીની જેમ ડંખવાળી પૂંછડીઓ હતી અને તેમની પૂંછડીમાં માણસોને પાંચ મહિના સુધી રિબાવવાની શક્તિ હતી. 11 અગાધ ઊંડાણનો દૂત તેમનો રાજા છે. હિબ્રૂ ભાષામાં તેનું નામ આબાદ્દોન છે અને ગ્રીક ભાષામાં તેનું નામ આપોલ્યોન - અર્થાત્ વિનાશક છે. 12 પહેલી વિપત્તિ પૂરી થઈ છે અને હવે બીજી બે વધારે વિપત્તિઓ આવવાની છે. 13 પછી છઠ્ઠા દૂતે તેનું રણશિંગડું વગાડયું. મેં ઈશ્વરની આગળ સુવર્ણવેદીના ખૂણેથી આવતો અવાજ સાંભળ્યો. 14 તે અવાજે રણશિંગડાવાળા છઠ્ઠા દૂતને કહ્યું, “યુફ્રેટિસ નદી પર બાંધી રાખવામાં આવેલા ચાર દૂતોને છોડી મૂકો!” 15 એટલે ચારે દૂતને છોડી મૂકવામાં આવ્યા. તેમને આ ચોક્કસ સમય, એટલે કે નિશ્ર્વિત વર્ષ, મહિનો અને દિવસના કલાકે માનવજાતના ત્રીજા ભાગનો સંહાર કરવા તૈયાર રાખેલા હતા. 16 મને તેમના ઘોડેસવારોની સંખ્યા જણાવવામાં આવી. એ તો વીસ કરોડની હતી. 17 મારા સંદર્શનમાં જોયેલા ઘોડા અને તેના સવાર આવા હતા. તેમની છાતીનાં બખ્તર અંગારા જેવાં લાલ, નીલમણિ જેવાં વાદળી અને ગંધક જેવાં પીળાં હતાં. ઘોડાનાં માથાં સિંહનાં માથાં જેવાં હતાં. અને તેમના મુખમાંથી અગ્નિ, ધૂમાડો અને ગંધક નીકળતાં હતાં. 18 તેમની ત્રણ આફતો એટલે કે તેમના મોઢામાંથી નીકળતાં અગ્નિ, ધૂમાડો અને ગંધકથી માનવજાતના ત્રીજા ભાગનો સંહાર થયો. 19 તે ઘોડાઓનું બળ તો તેમના મુખમાં અને તેમનાં પૂંછડાંમાં હતું. તેમના પૂંછડાં સાપના જેવાં અને માથાવાળાં હતાં. અને તે વડે તેઓ લોકોને નુક્સાન પહોંચાડતાં હતાં. 20 આ આફતમાંથી ઉગરી જનાર બાકીના લોકોએ પોતે બનાવેલી મૂર્તિઓની પૂજાનો ત્યાગ કર્યો નહિ. તેઓએ ભૂતોની તથા જોઈ શકે નહિ, સાંભળી શકે નહિ કે ચાલી શકે નહિ એવી સોના, ચાંદી, તાંબુ, પથ્થર અને લાકડાની મૂર્તિઓની પૂજા કરવાનું ચાલું રાખ્યું. 21 વળી, તેઓ ખૂન, જાદુ, વ્યભિચાર અને ચોરીનાં કાર્યોથી પસ્તાઈને પાછા ફર્યા નહિ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide