સંદર્શન 7 - પવિત્ર બાઇબલ C.L.મુદ્રિત કરાયેલાઓની સંખ્યા 1 આ પછી મેં ચાર દૂતોને પૃથ્વીને ચાર ખૂણે ઊભા રહેલા જોયા. તેઓ પૃથ્વીના ચારે પવનોને રોકી રહ્યા હતા, કે જેથી પૃથ્વી પર, સમુદ્ર પર કે વૃક્ષો પર પવન વાય નહિ. 2 પછી પૂર્વ દિશામાંથી મેં બીજા દૂતને ઈશ્વરની મુદ્રા લઈને આવતો જોયો. જે ચાર દૂતોને પૃથ્વી તથા સમુદ્રને નુક્સાન પહોંચાડવાની સત્તા આપવામાં આવી હતી તેમને તેણે મોટે અવાજે બોલાવ્યા અને કહ્યું, 3 “જ્યાં સુધી અમે આપણા ઈશ્વરના સેવકોના કપાળે મુદ્રા ન મારીએ ત્યાં સુધી પૃથ્વી, સમુદ્ર કે વૃક્ષો, કશાને નુક્સાન પહોંચાડશો નહિ. 4 પછી જેમના કપાળે ઈશ્વરની મુદ્રા મારવામાં આવી હતી તેમની સંખ્યા જણાવવામાં આવી. તે બધાં કુળની કુલ સંખ્યા એક લાખ ચુમ્માળીશ હજારની હતી. 5-8 નીચેનાં બારે કુળોમાંથી બારબાર હજાર મુદ્રાંક્તિ કરાયાં: યહૂદા, રૂબેન, ગાદ, આશેર, નાફતાલી, મનાશ્શા, શિમયોન, લેવી, ઇસ્સાખાર, ઝબૂલુન, યોસેફ, બિન્યામીન. વિશાળ જનસમુદાય 9 એ પછી મેં જોયું તો વિશાળ જનસમુદાય એકત્ર થયો હતો. એટલો મોટો કે તેમની સંખ્યા કોઈ ગણી શકે નહિ! તેઓ દરેક રાષ્ટ્ર, કુળ, પ્રજા અને ભાષાઓમાંના હતા. તેઓ રાજ્યાસનની અને હલવાનની આગળ સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને ઊભા હતા. તેમના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. 10 તેમણે મોટે અવાજે પોકાર્યું, “રાજ્યાસન પર બિરાજનાર આપણા ઈશ્વર અને હલવાન દ્વારા જ ઉદ્ધાર છે! 11 રાજ્યાસન, વડીલો અને ચાર જીવંત પ્રાણીઓની ચારે બાજુએ બધા દૂતો ઊભા હતા. પછી તેઓ રાજ્યાસન સમક્ષ શિર ટેકવીને અને ધૂંટણિયે પડીને ઈશ્વરનું ભજન કરતાં બોલ્યા, 12 “આમીન! સ્તુતિ, ગૌરવ, જ્ઞાન, આભાર, સન્માન, પરાક્રમ અને સામર્થ્ય સદા સર્વકાળ આપણા ઈશ્વરને હો! આમીન!” 13 વડીલોમાંના એકે મને પૂછયું, “સફેદ વસ્ત્રો પહેરેલા આ લોકો કોણ છે અને ક્યાંથી આવેલા છે?” 14 મેં જવાબ આપ્યો, “મહાશય, તમે તે જાણો છો.” તેણે મને કહ્યું, “એ લોકો તો ભારે સતાવણીમાં પસાર થઈને આવેલા છે અને તેમણે પોતાનાં વસ્ત્રો હલવાનના રક્તમાં ધોઈને ઊજળાં કર્યાં છે. 15 તેથી જ તેઓ ઈશ્વરના રાજ્યાસનની સમક્ષ ઊભા રહીને તેમની રાતદિવસ સેવા કરે છે. રાજ્યાસન પર બિરાજનાર પોતાની હાજરીથી તેમનું રક્ષણ કરશે. 16 ફરીથી કદી તેમને ભૂખ કે તરસ લાગશે નહિ. સૂર્યનો કે બીજો કોઈ સખત તાપ તેમને બાળશે નહિ. 17 કારણ, રાજ્યાસનના કેન્દ્રસ્થાને જે હલવાન છે તે તેમનો ઘેટાંપાળક બનશે અને તેમને જીવતા પાણીનાં ઝરણાંઓએ દોરી જશે. ઈશ્વર તેમની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide