Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સંદર્શન 4 - પવિત્ર બાઇબલ C.L.


સ્વર્ગમાં આરાધના

1 તે પછી મેં બીજું સંદર્શન જોયું, મેં સ્વર્ગમાં એક દ્વાર ખુલ્લું થયેલું જોયું! અને પહેલાં સાંભળ્યો હતો તેવા રણશિંગડાના જેવા જ અવાજે મને કહ્યું, “અહીં ઉપર આવ, અને હવે પછી જે બનાવો અવશ્ય બનવાના છે તે હું તને બતાવીશ.”

2 તરત જ પવિત્ર આત્માએ મારો કબજો લીધો. ત્યાં સ્વર્ગમાં એક રાજ્યાસન હતું અને તેના પર કોઈ બિરાજમાન હતા.

3 તેમનો ચહેરો નારંગી રંગના મણિ અને અકીક જેવો પ્રકાશિત હતો. રાજ્યાસનની આસપાસ નીલમ જેવું દેખાતું ચળકતું મેઘધનુષ હતું.

4 રાજ્યાસનની આસપાસ ગોળાકારે ગોઠવાયેલાં બીજાં ચોવીસ આસનો હતાં. તેમના પર સફેદ વસ્ત્રો અને સુવર્ણ મુગટ પહેરીને ચોવીસ વડીલો બિરાજ્યા હતા.

5 રાજ્યાસનમાંથી વીજળીના ચમકારા, અવાજો તથા મેઘગર્જનાના કડાકા નીકળતા સંભળાયા. રાજ્યાસનની સમક્ષ અગ્નિની સાત સળગતી મશાલો હતી. તે તો ઈશ્વરના સાત આત્માઓ હતા.

6 રાજ્યાસનની સામે સ્ફટિક જેવા નિર્મળ ક્ચના હોજ જેવું દેખાતું કંઈક હતું. રાજ્યસનની પ્રત્યેક બાજુએ ચાર જીવંત પ્રાણીઓ હતાં. તેઓ આગળપાછળ આંખોથી ભરપૂર હતાં.

7 પહેલું પ્રાણી સિંહ જેવું દેખાતું હતું; બીજું વાછરડા જેવું દેખાતું હતું; ત્રીજાને મનુષ્યના જેવો ચહેરો હતો; અને ચોથું ઊડતા ગરુડ જેવું હતું.

8 અને એ પ્રત્યેક જીવંત પ્રાણીને છ પાંખો હતી અને તેઓ અંદર અને બહાર આંખોથી છવાયેલાં હતાં. તેઓ રાતદિવસ સતત ગાતાં હતાં: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સર્વસમર્થ ઈશ્વર પ્રભુ, જે હતા, જે છે અને જે આવનાર છે.”

9 રાજ્યાસન પર બિરાજમાન અને સદાકાળ જીવંત એવા ઈશ્વરને માટે આ ચાર જીવંત પ્રાણીઓ ગૌરવ, સન્માન અને સ્તુતિગીત ગાય છે.

10 તેઓ એમ કરે છે, ત્યારે પેલા ચોવીસ વડીલો રાજ્યાસન પર બિરાજેલાના ચરણે નમે છે અને જે સદાકાળ જીવંત છે તેની આરાધના કરે છે. તેઓ રાજ્યાસનની સામે પોતાના મુગટ ઉતારીને કહે છે,

11 “અમારા પ્રભુ અને ઈશ્વર, ગૌરવ, સન્માન અને સામર્થ્ય પામવા તમે જ યોગ્ય છો. કારણ, તમે સૌના સર્જનહાર છો, અને તમારી ઇચ્છાથી જ તેઓ અસ્તિત્વમાં આવ્યાં અને જીવન પામ્યાં.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan