Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સંદર્શન 22 - પવિત્ર બાઇબલ C.L.

1 પછી દૂતે મને ઈશ્વરના અને હલવાનના રાજ્યાસનમાંથી નીકળીને પવિત્ર નગરની મધ્યમાં વહેતી સ્ફટિક જેવી ચળક્તી જીવનજળની નદી બતાવી.

2 નદીની બન્‍ને બાજુએ જીવનવૃક્ષ હતું. તેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં અને પ્રત્યેક મહિને તે પોતાનાં ફળ આપતું હતું. તેનાં પાંદડા પ્રજાઓને સાજાપણું આપે છે.

3 ઈશ્વરના શાપ નીચે હોય એવું કોઈ તે નગરમાં મળી આવશે નહિ. ઈશ્વરનું અને હલવાનનું રાજ્યાસન તે નગરમાં રહેશે અને તેના સેવકો તેમનું ભજન કરશે.

4 તેઓ તેમનું મુખ જોશે. લોકોના કપાળે તેમનું નામ લખેલું હશે.

5 હવે પછી રાત પડશે નહિ, અને તેમને દીવાના કે સૂર્યના પ્રકાશની જરૂર પડશે નહિ. કારણ, ઈશ્વર પ્રભુ પોતે જ તેમનો પ્રકાશ છે અને તેઓ રાજાઓ તરીકે સદાસર્વકાળ રાજ કરશે.


ઈસુનું પુનરાગમન

6 પછી તેમણે મને કહ્યું. “આ કથનો વિશ્વાસપાત્ર અને સત્ય છે. અને સંદેશવાહકોના આત્માઓના પ્રભુ ઈશ્વરે થોડીવારમાં શું થવાનું છે તે પોતાના સેવકોને બતાવવા પોતાના દૂતને મોકલ્યો છે.”

7 ઈસુ કહે છે, “જુઓ! હું ત્વરાથી આવું છું. આ પુસ્તકમાંનાં ભવિષ્યકથનોનું પાલન કરનારને ધન્ય છે!”

8 મેં યોહાને જ આ બધું સાંભળ્યું તથા જોયું છે. એ બધું સાંભળવાનું અને જોવાનું પૂરું થયા પછી એ બાબતો બતાવનાર દૂતનું ભજન કરવા માટે હું તેને પગે પડયો.

9 પણ તેણે મને કહ્યું, “એમ ન કર! હું તારો, તારા સંદેશવાહક ભાઈઓનો, અને આ પુસ્તકનાં ભવિષ્યકથનો પાળનાર સૌનો સાથીસેવક છું. તું માત્ર ઈશ્વરનું ભજન કર!”

10 તેણે મને કહ્યું, “આ પુસ્તકનાં ભવિષ્ય કથનોને છુપાવી રાખીશ નહિ, કારણ, એ બધું થવાનો સમય આવી પહોંચ્યો છે.

11 હવે ભૂંડું કરનારે ભૂંડું કર્યા જ કરવું; અશુદ્ધ હોય તે અશુદ્ધ જ રહે; ભલું કરનારે ભલું કર્યા જ કરવું અને પવિત્ર હોય તેણે વધારે પવિત્ર બનવું.”

12 ઈસુ કહે છે, “જુઓ! હું ત્વરાથી આવું છું. દરેકને તેનાં કાર્યો પ્રમાણે આપવાનાં ઇનામો હું લાવીશ.

13 હું આલ્ફા અને ઓમેગા, આરંભ અને અંત, પ્રથમ અને છેલ્લો છું.”

14 “જેઓ પોતાનાં વસ્ત્ર ધોઈને સ્વચ્છ કરે છે તેમને ધન્ય છે. તેથી તેમને જીવનના વૃક્ષનું ફળ ખાવાનો અને દરવાજામાં થઈને પવિત્ર નગરમાં પ્રવેશવાનો અધિકાર છે.

15 પણ વિકૃત ક્માચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, વ્યભિચારીઓ અને ખૂનીઓ, મૂર્તિપૂજકો, તેમજ કાર્યમાં અને વાણીમાં જૂઠાઓ તો પવિત્ર નગરની બહાર છે.

16 મેં ઈસુએ મારા દૂતને આ બાબતો મંડળીને જણાવવા મોકલ્યો છે. હું દાવિદનો વંશજ અને પ્રભાતનો તેજસ્વી તારો છું.”

17 પવિત્ર આત્મા અને કન્યા બન્‍ને કહે છે, “આવો!” આ જે સાંભળે તે દરેક પોકારે, “આવો!” જે તરસ્યો હોય તે આવે અને જે ચાહે તે જીવનજળ વિનામૂલ્યે મેળવે.


ઉપસંહાર

18 હું આ પુસ્તકનાં ભવિષ્યકથનો સાંભળનાર પ્રત્યેકને ગંભીર ચેતવણી આપું છું: જો કોઈ આ પુસ્તકમાં નવાં ભવિષ્યકથનો ઉમેરશે તો ઈશ્વર તેમની સજામાં આ પુસ્તકમાં વર્ણન કરેલી આફતો ઉમેરશે.

19 અને જો કોઈ આ પુસ્તકના ભવિષ્યકથનોમાંથી કંઈ કાઢી નાખશે, તો ઈશ્વર તેમનો ભાગ આ પુસ્તકમાં વર્ણન કરેલા જીવનના વૃક્ષના ફળમાંથી અને પવિત્ર શહેરમાંથી કાઢી નાખશે.

20 જે આ બધા વિષે પોતાની સાક્ષી આપે છે તે કહે છે, “ખરેખર, હું ત્વરાથી જ આવું છું!” “આમીન, આવો, પ્રભુ ઈસુ!”

21 પ્રભુ ઈસુની કૃપા તમ સૌ પર હો!

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan