સંદર્શન 21 - પવિત્ર બાઇબલ C.L.નવું આકાશ અને નવી પૃથ્વી 1 પછી મેં નવું આકાશ અને નવી પૃથ્વી જોયાં. પહેલાનું આકાશ અને પહેલાંની પૃથ્વી અદૃશ્ય થઈ ગયાં હતાં અને સમુદ્ર તો હવે છે જ નહિ. 2 અને મેં પવિત્ર નગર, એટલે નવા યરુશાલેમને સ્વર્ગમાંથી ઈશ્વર પાસેથી ઊતરતું જોયું. વરને મળવા શણગારીને સજાવેલી કન્યાની જેમ તે તૈયાર અને સજ્જ કરેલું હતું. 3 મેં રાજ્યાસન પરથી એક મોટો અવાજ સાંભળ્યો, “હવે ઈશ્વરનું નિવાસસ્થાન માણસોની સાથે છે! તે તેમની સાથે રહેશે અને તેઓ તેના લોક થશે. ઈશ્વર પોતે જ તેમની સાથે રહેશે અને તે તેમના ઈશ્વર બનશે. 4 તેમની આંખનું એકેએક આંસુ તે લૂછી નાખશે. મૃત્યુ, વેદના, રુદન અને દુ:ખ ફરીથી આવશે નહિ. એ જૂની બાબતો જતી રહી છે. 5 પછી રાજ્યાસન પર બિરાજનારે કહ્યું, “જુઓ, હવે હું બધું નવું બનાવું છું!” તેમણે મને એ પણ કહ્યું, “આ વાત લખી લે; કારણ, આ શબ્દો વિશ્વાસપાત્ર અને સત્ય છે.” 6 અને તેણે કહ્યું, “સઘળું પૂરું થયું. હું આલ્ફા અને ઓમેગા, આરંભ અને અંત છું. જેમને આત્મિક તરસ છે તેમને હું જીવનજળના ઝરણામાંથી વિનામૂલ્યે પીવડાવીશ. 7 જે વિજય પ્રાપ્ત કરશે તે મારી પાસેથી આ બધું મેળવશે. હું તેનો ઈશ્વર થઈશ અને તે મારો પુત્ર થશે. 8 પણ ડરપોક, ધર્મદ્રોહી, વિકૃત ક્માચારીઓ, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, મૂર્તિપૂજકો અને બધા જૂઠાઓનું સ્થાન આગ અને ગંધકથી બળતા કુંડમાં છે. તે જ બીજીવારનું મરણ છે. નવું યરુશાલેમ 9 સાત આખરી આફતો ભરેલા સાત પ્યાલાવાળા સાત દૂતોમાંના એકે મારી પાસે આવીને મને કહ્યું, “ચાલ, હું તને કન્યા એટલે હલવાનની પત્ની બતાવું.” 10 આત્માએ મારો કબજો લીધો અને દૂત મને એક ઘણા ઊંચા પર્વતના શિખર પર લઈ ગયો. 11 તેણે મને પવિત્ર નગર યરુશાલેમ સ્વર્ગમાંથી ઈશ્વર પાસેથી ઊતરતું બતાવ્યું. તે ઈશ્વરના ગૌરવથી ઝળકતું હતું. તે શહેરનો ચળક્ટ રાતા મણિના જેવા અમૂલ્ય રત્નના જેવો અને સ્ફટિક જેવો શુદ્ધ હતો. 12 તેની ચારે તરફ ઊંચો કોટ હતો અને કોટમાં બાર દરવાજા હતા. અને દરેક દરવાજે એકએક એમ બાર દૂત હતા. દરેક દરવાજા પર એકએક એમ ઇઝરાયલનાં બારે કુળોનાં નામ લખેલાં હતાં. 13 દરેક દિશાએ ત્રણ દરવાજા હતા. પૂર્વમાં ત્રણ, દક્ષિણમાં ત્રણ, ઉત્તરમાં ત્રણ અને પશ્ર્વિમમાં ત્રણ. 14 શહેરનો કોટ બાર પાયા પર બાંધેલો હતો અને એ દરેક પર એકએક એમ હલવાનના બાર પ્રેષિતોનાં નામ લખેલાં હતાં. 15 મારી સાથે વાત કરનાર દૂતની પાસે નગર, તેનો દરવાજો અને તેનો કોટ માપવા માટે સોનાનો માપદંડ હતો. 16 તે નગર સમચોરસ હતું. એટલે કે તેની લંબાઈ અને પહોળાઈ એક્સરખાં હતાં. દૂતે પોતાના માપદંડથી નગર માપ્યું: તે આશરે ચોવીસ સો કિલોમીટર હતું, તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એક્સરખાં જ હતાં. 17 દૂતે કોટ માપ્યો તો તે માનવી માપ પ્રમાણે આશરે 70 મીટર ઊંચો હતો. 18 તેના કોટનું ચણતર યાસપિસનું હતું; અને નગર નિર્મળ ક્ચના જેવા ચોખ્ખા સોનાનું હતું. 19 નગરના કોટના પાયા દરેક પ્રકારનાં મૂલ્યવાન રત્નોથી સુશોભિત હતા. પહેલો પાયો યાસપિસ, બીજો નીલમ, ત્રીજો માણેક, ચોથો લીલમ, 20 પાંચમો અકીક, છઠ્ઠો લાલ, સાતમો સુવર્ણમણિ, આઠમો પિરોજ, નવમો પોખરાજ, દસમો લસણિયો, અગિયારમો શનિ, બારમો યાકુત. 21 તે બાર દરવાજા બાર મોતીના હતા; દરેક દરવાજો એક એક મોતીનો હતો; અને નગરનો રસ્તો ચોખ્ખા સોનાનો અને નિર્મળ ક્ચના જેવો હતો. 22 નગરની અંદર મેં એક પણ મંદિર જોયું નહિ. કારણ, પ્રભુ, સર્વસમર્થ ઈશ્વર અને હલવાન પોતે જ તેનું મંદિર છે. 23 નગરને સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી. કારણ, ઈશ્વરનું ગૌરવ તેના પર પ્રકાશે છે અને હલવાન તે નગરનો દીવો છે. 24 દુનિયાના લોકો તેના પ્રકાશમાં ફરશે અને પૃથ્વીના રાજાઓ તેમની સંપત્તિ તેમાં લાવશે. 25 નગરના દરવાજા હંમેશાં ખુલ્લા રહેશે અને બંધ કરવામાં આવશે નહિ. કારણ, ત્યાં રાત્રિ જ નહિ હોય. 26 પ્રજાઓની સંપત્તિ અને કીર્તિ ત્યાં લાવવામાં આવશે. 27 પણ અશુદ્ધ, શરમજનક કાર્ય કરનાર કે જૂઠાઓ તેમાં પ્રવેશ પામશે નહિ. ફક્ત જેમનાં નામ હલવાનના જીવંત લોકોની યાદીના પુસ્તકમાં લખેલાં છે તેઓ જ તેમાં પ્રવેશ પામશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide