Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સંદર્શન 20 - પવિત્ર બાઇબલ C.L.


હજાર વર્ષ

1 પછી મેં એક દૂતને સ્વર્ગમાંથી ઊતરતો જોયો. તેના હાથમાં અગાધ ઊંડાણની ચાવી અને મોટી સાંકળ હતાં.

2 તેણે પેલા પ્રચંડ અજગર, એટલે પ્રાચીન સર્પ જે દુષ્ટ અને શેતાન છે, તેને એક હજાર વર્ષ માટે બાંધી દીધો.

3 એ દૂતે તેને અગાધ ઊંડાણમાં ફેંકી દીધો અને તાળું મારીને મુદ્રા મારી કે જેથી હજાર વર્ષ પૂરાં થાય ત્યાં સુધી તે લોકોને ફરીથી છેતરે નહિ. એ પછી તે થોડા સમય માટે છૂટો કરાવો જોઈએ.

4 પછી મેં રાજ્યાસનો જોયાં અને જેમને ન્યાય કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો, તેમને તેમના પર બેઠેલા જોયા. ઈસુએ પ્રગટ કરેલ સત્ય અને ઈશ્વરના સંદેશને લીધે જેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો તેઓ એ હતા. તેમણે પેલા પશુની કે તેની મૂર્તિની પૂજા કરી ન હતી અને તેમના કપાળે કે હાથે પશુની છાપ લીધી ન હતી. તેઓ સજીવન થયા અને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ્ય કર્યું.

5 બાકીનાં મરેલાં હજાર વર્ષ પૂરા થતાં સુધી સજીવન થયાં નહિ. મરેલાંઓના સજીવન થવાનો આ પ્રથમ તબક્કો છે.

6 સજીવન થવાના આ પ્રથમ તબક્કામાં જેમનો સમાવેશ થયો છે તેમને ધન્ય છે અને તેઓ પવિત્ર છે. તેમની પર બીજીવારના મરણને અધિકાર નથી. તેઓ ઈશ્વરના અને ખ્રિસ્તના યજ્ઞકારો બનશે અને તેમની સાથે હજાર વર્ષ રાજ્ય કરશે.


શેતાનનો પરાજય

7 હજાર વર્ષ પૂરાં થયા પછી, શેતાનને કેદમાંથી મુક્ત કરવામાં આવશે.

8 અને તે દુનિયામાં વિખરાયેલી વિધર્મી પ્રજાઓને એટલે ગોગ અને માગોગને ગેરમાર્ગે દોરવા નીકળી પડશે. શેતાન તેમને યુદ્ધ માટે એકત્ર કરશે.

9 તેઓ દરિયાકિનારાની રેતીના કણ જેટલા હશે. તેઓ આખી પૃથ્વી પર ફેલાઈ જશે અને ઈશ્વરના લોકોની છાવણીને અને ઈશ્વરના પ્રિય શહેરને ઘેરો ઘાલશે પણ આકાશમાંથી અગ્નિ ઊતરીને તેમનો નાશ કરશે.

10 પછી તેમને છેતરનાર શેતાનને ગંધક અને અગ્નિના કુંડમાં નાખવામાં આવ્યો. ત્યાં પશુ અને જૂઠા સંદેશવાહકને અગાઉથી ફેંકવામાં આવ્યા છે અને તેઓ રાતદિવસ સદાસર્વકાળ રિબાયા કરશે.


આખરી ન્યાય

11 પછી મેં સફેદ રાજ્યાસન જોયું અને તેના પર બિરાજનારને જોયા. પૃથ્વી અને આકાશો તેમની હાજરીમાંથી નાસી ગયાં અને તેમનું નામનિશાન રહ્યું નહિ.

12 પછી મેં મરણ પામેલાં નાનાંમોટાં સૌને રાજ્યાસન સામે ઊભેલાં જોયાં. પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં અને બીજું એક જીવંત લોકોની યાદીનું પુસ્તક પણ ઉઘાડવામાં આવ્યું. પુસ્તકોમાં લખ્યા મુજબ દરેકનો તેમનાં કાર્યો પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો.

13 પછી સમુદ્રે તેનામાં મરણ પામેલાંઓને સોંપી દીધાં. મૃત્યુએ અને હાડેસે પણ તેમની પાસેનાં મરેલાંઓને સોંપી દીધાં અને બધાંનો તેમનાં કાર્યો પ્રમાણે ન્યાય થયો.

14 પછી મૃત્યુને અને હાડેસને અગ્નિકુંડમાં ફેંકી દેવામાં આવ્યાં. આ અગ્નિકુંડ એ જ બીજીવારનું મરણ છે.

15 જીવંત લોકોની યાદીના પુસ્તકમાં જેનું નામ લખેલું ન હતું તેવા પ્રત્યેકને અગ્નિના કુંડમાં ફેંકી દેવામાં આવ્યો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan