સંદર્શન 2 - પવિત્ર બાઇબલ C.L.એફેસસમાંની મંડળીને સંદેશ 1 એફેસસની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જેમના જમણા હાથમાં સાત તારા છે અને જે સોનાની સાત દીવીઓની મયે છે તે આમ કહે છે: 2 “હું તારાં કાર્ય, તારો પરિશ્રમ, અને તેં ધીરજપૂર્વક સહન કરેલી યાતનાઓ જાણું છું. તું દુષ્ટ માણસોને ચલાવી લેતો નથી, પ્રેષિતો ન હોવા છતાં જેઓ પોતાને પ્રેષિત તરીકે ઓળખાવે છે, તેમની તેં પારખ કરી છે, અને તેઓ જૂઠા છે તેમ તેં જાણી લીધું છે. 3 મારા નામને લીધે તેં ધીરજથી સહન કર્યું છે અને બોજ ઉઠાવ્યો છે, અને નાસીપાસ થયો નથી. 4 પરંતુ તારી વિરુદ્ધ મારે આટલું છે: તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. 5 તેથી જ્યાંથી તારું પતન થયું તે યાદ કરીને પાછો ફર અને પહેલાનાં જેવાં કાર્ય કર. જો તું પાછો નહિ ફરે તો હું આવીશ અને તારી દીવીને તેના સ્થાનેથી ખસેડી નાખીશ. 6 આમ છતાં તારી તરફેણમાં આટલું છે: મારી જેમ તું પણ નિકોલાયતીઓનાં કૃત્યોને ધિક્કારે છે. 7 પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેમને સાંભળવાને કાન હોય તે સાંભળે; જે વિજય પ્રાપ્ત કરશે, તેને હું ઈશ્વરના પારાદૈસમાંના જીવનવૃક્ષનું ફળ ખાવા આપીશ.” સ્મર્નામાંની મંડળીને સંદેશ 8 સ્મર્નામાંની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જે પ્રથમ અને છેલ્લો છે અને મૃત્યુ પામીને સજીવન થયો છે, તે આમ કહે છે: 9 “તારી યાતનાઓ અને ગરીબાઈ હું જાણું છું. જો કે તું તો ખરેખર શ્રીમંત છે! જેઓ પોતાને યહૂદી કહેવડાવે છે પરંતુ શેતાનના સભાગૃહના છે તેઓ તારી કેવી નિંદા કરે છે તે પણ હું જાણું છું. 10 જે સંકટો તારા પર આવી પડવાનાં છે તેથી ગભરાઈશ નહિ. સાવધ રહે, શેતાન તમારી પરીક્ષા કરવા તમારામાંના કેટલાકને જેલમાં નાખવાનો છે અને દસ દિવસ સુધી તમારી સતાવણી થશે છતાં તારે મરવું પડે તોપણ મને વફાદાર રહે અને હું તને જીવનનો મુગટ આપીશ. 11 પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે, જે વિજય પામશે તેને બીજા મરણનું દુ:ખ ભોગવવું નહિ પડે.” પેર્ગામમની મંડળીને સંદેશ 12 પેર્ગામમની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જેના મુખમાં તીક્ષ્ણ બેધારી તરવાર છે તે આમ કહે છે: 13 ‘હું જાણું છું કે જ્યાં શેતાનનું રાજ્યાસન છે ત્યાં તું વસે છે! તું તો મારા નામને વફાદાર રહ્યો છે અને જ્યાં શેતાન રહે છે ત્યાં મારા વફાદાર સાક્ષી આંતિપાસને મારી નાખવામાં આવ્યો એવા સમયમાં પણ તેં મારા પરના તારા વિશ્વાસનો ત્યાગ કર્યો નથી; 14 પરંતુ મારે તારી વિરુદ્ધ થોડીક બાબતો કહેવાની છે: તારે ત્યાં કેટલાક બલઆમના શિક્ષણને અનુસરનાર છે. ઇઝરાયલી લોકોને કેવી રીતે પ્રલોભનમાં પાડવા તે બલઆમે બાલાકને શીખવ્યું, જેથી તેઓ મૂર્તિઓને અર્પેલો ખોરાક ખાય અને વ્યભિચાર કરે. 15 એ જ પ્રમાણે કેટલાક નિકોલાયતીઓના શિક્ષણને અનુસરનારા પણ છે. 16 તારાં પાપથી પાછો ફર. જો તું નહિ ફરે તો હું તરત તારી પાસે આવીશ અને મારા મુખમાંથી નીકળતી તલવારથી હું એ લોકો સાથે યુદ્ધ કરીશ. 17 પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે, તે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. જે વિજય પ્રાપ્ત કરશે તેને હું ગુપ્ત રાખવામાં આવેલા માન્નામાંથી ખાવા આપીશ. વળી, હું તેને એક સફેદ પથ્થર આપીશ; જેના પર એક એવું નામ લખેલું છે કે જેને એ પથ્થર મળે તેના વગર બીજું કોઈ તે જાણતું નથી.” થુઆતૈરાની મંડળીને સંદેશ 18 થુઆતૈરાની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જેની આંખો અગ્નિની જ્વાળા જેવી તેજસ્વી છે અને જેના પગ ભઠ્ઠીમાં શુદ્ધ કરેલા તાંબા જેવા ચળક્તા છે તે, એટલે ઈશ્વરપુત્ર આમ કહે છે: 19 ‘તારાં કાર્યો, તારો પ્રેમ, તારી વફાદારી, તારી સેવા અને તારી ધીરજ હું જાણું છું. પહેલાંના કરતાં તું અત્યારે વધારે કાર્યરત છે. 20 પણ તારી વિરુદ્ધ મારે આટલું કહેવાનું છે: પોતાને ઈશ્વરની સંદેશવાહિકા કહેવડાવતી પેલી સ્ત્રી ઈઝબેલને તું સાંખી લે છે. તે પોતાના શિક્ષણથી મારા સેવકોને વ્યભિચાર કરવા અને મૂર્તિને ચઢાવેલો ખોરાક ખાવા ગેરમાર્ગે દોરે છે. 21 મેં તેને તેનાં પાપથી પાછા ફરવાનો સમય આપ્યો છે. પણ તે પોતાનો વ્યભિચાર ત્યજી દેવા માંગતી નથી. 22 તેથી હું તેને માંદગીના બિછાને નાખીશ અને તેણે કરાવેલાં કૃત્યોથી વ્યભિચારીઓ પાછા નહિ ફરે તો હું તેમને ભારે સતાવણીમાં નાખીશ. 23 હું ઈઝબેલના અનુયાયીઓને મારી નાખીશ. એથી બધી મંડળીઓ જાણશે કે મન અને દયને પારખનાર હું છું. હું દરેકને તેનાં કૃત્યો પ્રમાણે બદલો આપીશ. 24 પરંતુ થુઆતૈરામાં બાકીના જેઓ આ ભૂંડા શિક્ષણને અનુસર્યા નથી, અને લોકો જેને શેતાનનું ગૂઢ રહસ્ય કહે છે તે શીખ્યા નથી, તેમને હું આટલું કહેવા માગું છું: તારા પર હું વધારે બોજ લાદીશ નહિ. 25 પરંતુ હું આવું ત્યાં સુધી તારી પાસે જે છે તેને વળગી રહેજે. 26-28 જે વિજય પ્રાપ્ત કરશે અને મને ગમતાં કાર્યો અંત સુધી કરશે તેને હું જે અધિકાર મારા પિતાએ મને આપ્યો છે તે જ અધિકાર આપીશ. એટલે કે હું તેમને પ્રજાઓ પર લોખંડી રાજદંડથી શાસન કરવા અને માટીના પાત્રની જેમ તેમના ટુકડેટુકડા કરી નાખવાનો અધિકાર આપીશ. વળી, હું તેમને પ્રભાતનો તેજસ્વી તારો આપીશ. 29 પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide