સંદર્શન 19 - પવિત્ર બાઇબલ C.L.1 એ પછી સ્વર્ગમાં જાણે કે મોટા જનસમુદાયનો કોલાહલ થઈ રહ્યો હોય એવો મોટો અવાજ સંભળાયો. તેઓ પોકારતા હતા, “હાલ્લેલુયા! 2 ઉદ્ધાર, ગૌરવ અને સામર્થ્ય આપણા ઈશ્વરનાં જ છે! તેમના ચુકાદા સાચા અને ન્યાયી છે. પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરનાર નામીચી વેશ્યાને ઈશ્વરે સજા કરી છે. કારણ, તેણે ઈશ્વરના સેવકોને મારી નાખ્યા હતા.” 3 તેમણે ફરી પોકાર કર્યો, “હાલ્લેલુયા! બળતી મહાનગરીનો ધૂમાડો સદાસર્વકાળ ઉપર ચઢતો રહેશે!” 4 ચોવીસ વડીલો અને ચાર જીવંત પ્રાણીઓએ શિર નમાવીને રાજ્યાસન પર બિરાજમાન ઈશ્વરનું ભજન કર્યું અને કહ્યું, “આમીન, હાલ્લેલુયા!” હલવાનનો લગ્નસમારંભ 5 પછી રાજ્યાસન પરથી એક વાણી સંભળાઈ, “ઈશ્વરના બધા સેવકો, અને તેમની બીક રાખનાર નાનાંમોટાં સૌ ઈશ્વરની પ્રશંસા કરો.” 6 એ પછી મોટા જનસમુદાયના કોલાહલ જેવો, અને પ્રચંડ ધોધના ગડગડાટ જેવો અને મેઘના કડાકા જેવો અવાજ મેં સાંભળ્યો. તેઓ પોકારતા હતા. “હાલ્લેલુયા! આપણા ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ, રાજ કરે છે. 7 ચાલો, આપણે આનંદ કરીએ અને બહુ હર્ષ પામીએ, અને તેમને મહિમા આપીએ. કારણ, હલવાનના લગ્નનો સમય આવી ગયો છે. તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે. 8 તેને અળસી રેસાનું સ્વચ્છ અને ચળકતું વસ્ત્ર પહેરવા માટે આપવામાં આવ્યું છે. એ અળસી રેસાનું વસ્ત્ર તો ઈશ્વરના લોકોનાં ન્યાયી કૃત્યો છે. 9 પછી દૂતે મને કહ્યું, “આ વાત લખી લે: જેમને હલવાનના લગ્નમાં આમંત્રણ મળ્યું છે, તેમને ધન્ય છે.” વળી, તેણે મને કહ્યું, “આ ઈશ્વરનાં સત્ય કથનો છે.” 10 હું તેનું ભજન કરવા તેને પગે પડયો, પણ તેણે મને કહ્યું, “એમ ન કર. હું તારો ને તારા ભાઈઓનો એટલે ઈસુએ પ્રગટ કરેલ સત્યને વળગી રહેનાર સૌનો સાથીસેવક છું. ઈશ્વરનું ભજન કર!” કારણ, ઈસુએ પ્રગટ કરેલો સત્યસંદેશ જ સંદેશવાહકોના સંદેશનું હાર્દ છે. સફેદ ઘોડેસવાર 11 પછી મેં સ્વર્ગ ખુલ્લું જોયું, એવામાં એક સફેદ ઘોડો હતો. તેના સવારનું નામ “વિશ્વાસુ અને સત્ય” છે. તે તો અદલ ઇન્સાફ આપે છે અને યુદ્ધ કરે છે. 12 તેની આંખો અગ્નિની જ્યોત જેવી હતી અને તેણે માથે ઘણા મુગટો પહેર્યા હતા. તેના ઉપર એક નામ લખેલું છે, પણ એ ઘોડેસવાર સિવાય બીજું કોઈ એ નામ જાણતું નથી. 13 તેણે પહેરેલો ઝભ્ભો લોહીમાં તરબોળ હતો. ‘ઈશ્વરનો શબ્દ’ એ નામે તે ઓળખાય છે. 14 સ્વર્ગનાં સૈન્યો સફેદ ઘોડાઓ પર સવાર થઈને અને અળસીરેસાનાં શ્વેત, સ્વચ્છ વસ્ત્ર પહેરીને તેને અનુસરતા હતા. 15 એક તીક્ષ્ણ તલવાર તેના મોંમાંથી નીકળતી હતી; તેનાથી જ તે વિધર્મી પ્રજાઓનો પરાજય કરશે, તે તેમના પર લોખંડી રાજદંડથી શાસન ચલાવશે અને સર્વસમર્થ ઈશ્વરના ભયાનક કોપરૂપી દ્રાક્ષકુંડને ખૂંદી નાખશે. 16 તેના ઝભ્ભા પર અને તેની જાંઘ પર “રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ” એવું નામ લખેલું હતું. 17 પછી મેં એક દૂતને સૂર્યમાં ઊભેલો જોયો. તેણે આકાશમાં ઊડતાં બધાં પક્ષીઓને બૂમ પાડી, “આવો, ઈશ્વરના મહાન સમારંભમાં ભાગ લેવા એકત્ર થાઓ! 18 પૃથ્વીના રાજાઓ, સેનાપતિઓ, સૈનિકો, ઘોડા અને તેમના સવાર, ગુલામ કે સ્વતંત્ર, નાનાં કે મોટાં, સઘળાં માણસોનું માંસ ખાઓ!” 19 પછી મેં પેલા પશુને અને પૃથ્વીના રાજાઓને તેમનાં લશ્કરો લઈને પેલા સફેદ ઘોડા પર સવારી કરનાર સામે અને તેના સૈન્ય સામે યુદ્ધ કરવા એકઠા થયેલા જોયા. 20 પશુને અને તેની સાથે તેની હાજરીમાં ચમત્કાર કરનાર જૂઠા સંદેશવાહકને કેદ કરવામાં આવ્યા. એ સંદેશવાહકે ચમત્કારો કરીને પશુની છાપવાળાં અને પશુની મૂર્તિની પૂજા કરનારા લોકોને ભરમાવ્યા હતા. તે પશુ અને જૂઠો સંદેશવાહક એ બંનેને ગંધકથી બળતા અગ્નિના કુંડમાં ફેંકવામાં આવ્યાં. 21 તેમનાં સૈન્યો, સફેદ ઘોડા પર સવારી કરનારાના મોંમાંથી નીકળતી તલવાર વડે મારી નંખાયાં અને બધાં પક્ષીઓએ ધરાઈને તેમનું માંસ ખાધું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide