Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સંદર્શન 18 - પવિત્ર બાઇબલ C.L.


બેબિલોનનું પતન

1 એ પછી મેં બીજા એક દૂતને સ્વર્ગમાંથી નીચે આવતો જોયો. તેને વિશાળ સત્તા આપવામાં આવી હતી અને તેના તેજથી આખી પૃથ્વી ઝળહળી ઊઠી.

2 તેણે મોટે અવાજે પોકાર્યું, “પતન થયું! મહાનગરી બેબિલોનનું પતન થયું! હવે તે ભૂતો અને અશુદ્ધ આત્માઓનું નિવાસસ્થાન બન્યું છે. દરેક પ્રકારનાં મલિન અને ઘૃણાજનક પક્ષીઓ તેનામાં વાસો કરે છે.

3 કારણ, તેણે તેના વ્યભિચારરૂપી જલદ દારૂનો પ્યાલો બધી પ્રજાઓને પીવડાવ્યો છે. પૃથ્વીના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે અને દુનિયાના વેપારીઓ તેની લાલસાથી ભોગવિલાસની આવકમાંથી ધનવાન બન્યા છે.”

4 પછી મેં બીજી એક વાણી આકાશમાંથી આમ કહેતી સાંભળી, “ઓ મારા ભક્તો, તે નગરીમાંથી નીકળી આવો, અને તેના પાપમાં તમે ભાગીદાર થશો નહિ, રખેને તેની આફતો તમારા પર આવી પડે!

5 કારણ, તેના પાપનો ગંજ ઊંચે આકાશ સુધી ખડક્યો છે, અને ઈશ્વર તેનાં દુષ્ટ કાર્યો યાદ કરે છે.

6 જે રીતે તે વર્તી છે તે રીતે તમે પણ તેની સાથે વર્તો, તેનાં કાર્યોનો બમણો બદલો આપો. તેણે તૈયાર કરેલાં પીણાં કરતાં બમણાં જલદ પીણાંથી તેનો પ્યાલો ભરી દો.

7 તેણે જેટલો વૈભવવિલાસ ભોગવ્યો છે તેટલાં જ દુ:ખ અને વેદના તેને આપો. કારણ, તે મનમાં એમ માને છે કે હું કંઈ વિધવા નથી, પણ ગાદીએ બિરાજેલી રાણી છું અને હું કદી શોક કરીશ નહિ!

8 એને લીધે રોગચાળો, વેદના, દુકાળ એ બધી આફતો એક જ દિવસે તેના પર આવી પડશે, અને તેને અગ્નિમાં બાળી નાખવામાં આવશે. કારણ, તેનો ન્યાય કરનાર તો પ્રભુ, સર્વશક્તિમાન ઈશ્વર છે.”

9 તેનાં વ્યભિચાર અને વાસનામાં ભાગ લેનાર પૃથ્વીના રાજાઓ તેના બળવાનો ધૂમાડો જોઈને રડશે.

10 તેને થતી વેદનાથી ગભરાઈને તેઓ દૂર ઊભા રહીને કહેશે, “અરે, મહાનગરી, તને હાય હાય! ઓ પ્રતાપી બેબિલોન, ફક્ત એક ઘડીમાં તને સજા મળી ચૂકી!”

11-13 પૃથ્વીના વેપારીઓ પણ તેને માટે વિલાપ કરે છે, કારણ, હવે કોઈ તેમનો માલસામાન ખરીદતું નથી. તેમનું સોનું, ચાંદી, હીરા, મોતી, અળસીના રેસાનાં બારીક વસ્ત્ર, જાંબુડી કાપડ, રેશમ અને લાલ રંગનાં વસ્ત્રો, દરેક પ્રકારનાં સુગંધી લાકડાં, હાથીદાંત અને કિંમતી લાકડાની, તાંબાની, લોખંડની અને આરસની વસ્તુઓ, તજ, એલચી, ધૂપ અને બોળ, દારૂ અને તેલ, મેંદો અને ઘઉં, ઢોરઢાંક અને ઘેટાં, ઘોડા અને રથ, ગુલામો એટલે કે માનવજીવો, કોઈ કંઈ ખરીદતું નથી.

14 વેપારીઓ તેને કહે છે, “જે સારી ચીજો મેળવવા તું તલસતી હતી તે બધી જ અદૃશ્ય થઈ ગઈ છે, અને તારો બધો વૈભવ અને ભપકો તેં ગુમાવ્યા છે અને તે તને ફરી કદી મળશે નહિ!”

15 એ શહેરમાં આ વસ્તુઓનો વેપાર કરીને ધનવાન થયેલા વેપારીઓ તેને થતી વેદનાથી ગભરાઈને દૂર ઊભા રહેશે. તેઓ વિલાપ કરશે.

16 અને કહેશે, “ઓ મહાનગરી તને હાય હાય! તે તો અળસીના શ્વેત રેસાનાં, જાંબુડી અને લાલ રંગના વસ્ત્રો જ પહેરતી તથા સોનાથી, ઝવેરાતથી અને મોતીથી પોતાને શણગારતી હતી!

17 અને એક જ ઘડીમાં બધું ધન ગુમાવી બેઠી!” બધા જ કપ્તાનો, મુસાફરો, ખલાસીઓ અને દરિયાઈ માર્ગે વેપાર કરનારા બીજા બધા ખૂબ દૂર ઊભા રહ્યા,

18 અને તેના બળવાનો ધૂમાડો જોઈને રડવા લાગ્યા, “આ મહાનગરી જેવી બીજી કોઈ હતી નહિ!”

19 તેમણે પોતાને માથે ધૂળ નાખી અને તેઓ મોટેથી રડીને શોક કરવા લાગ્યા, “ઓ મહાનગરી તને હાય હાય! આ તો એ નગરી છે, જ્યાં વહાણવટું કરનાર બધા જ તેની સંપત્તિથી ધનવાન બન્યા છે! અને ફક્ત એક ઘડીમાં જ તે ઉજ્જડ થઈ ગઈ.”

20 ઓ સ્વર્ગ, તેના નાશને લીધે તમે આનંદ કરો. ઓ ઈશ્વરના લોકો, પ્રેષિતો અને સંદેશવાહકો તમે પણ આનંદ કરો. કારણ, તમારા પરના તેના અત્યાચારને લીધે ઈશ્વરે તેને સજા કરી છે.

21 પછી એક સમર્થ દૂતે ઘંટીના પડ જેવો મોટો પથ્થર ઉપાડયો અને તેને દરિયામાં નાખતાં તે બોલ્યો, “આ જ રીતે મહાનગરી બેબિલોનને ખૂબ જોરથી ફેંકી દેવામાં આવશે અને તે ફરી કદી દેખાશે નહિ.

22 વીણા, સંગીત, વાંસળી કે શરણાઈના સૂર તારે ત્યાં ફરી સંભળાશે નહિ!

23 હુન્‍નરઉદ્યોગનો એકપણ કારીગર તારે ત્યાં મળશે નહિ અને દળવાની ઘંટીનો અવાજ પણ સંભળાશે નહિ. દીવાનો પ્રકાશ પણ તારે ત્યાં ફરી દેખાશે નહિ અને વરકન્યાનો કિલ્લોલ પણ તારે ત્યાં સંભળાશે નહિ. તારા વેપારીઓ આખી દુનિયામાં પ્રખ્યાત હતા. તેં તારા જાદુમંતરથી આખી દુનિયાના લોકોને છેતર્યા છે!”

24 ઈશ્વરના સંદેશવાહકો અને તેના લોકોનું અને પૃથ્વી પર મારી નંખાયેલા સર્વ લોકોનું લોહી એ શહેરમાં મળી આવ્યું હતું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan