સંદર્શન 17 - પવિત્ર બાઇબલ C.L.નામચીન વેશ્યાને સજા 1 પછી સાત પ્યાલાવાળા સાત દૂતોમાંનો એક મારી પાસે આવ્યો અને તેણે કહ્યું, “ચાલ, ઘણાં પાણી પર બેઠેલી નામચીન વેશ્યાને કેવી સજા થશે તે બતાવું. 2 પૃથ્વીના રાજાઓએ તે નામચીન વેશ્યા સાથે વ્યભિચાર કર્યો છે અને પૃથ્વીના લોકો તેના વ્યભિચારનો દારૂ પીને ચકચૂર બની ગયા છે. 3 પછી પવિત્ર આત્માએ મારો કબજો લીધો અને એ દૂત મને વેરાનમાં ઉપાડી ગયો. ત્યાં મેં લાલ પશુ પર બેઠેલી એક સ્ત્રી જોઈ. તે પશુને આખે શરીરે ઈશ્વરની નિંદા સૂચવતાં નામ લખેલાં હતાં અને તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં. 4 તે સ્ત્રીએ જાંબુડી અને કિરમજી રંગનાં વસ્ત્ર પહેર્યાં હતાં અને તે સોનાનાં ઘરેણાં અને હીરામોતીથી લદાયેલી હતી. તેના હાથમાં તેના વ્યભિચારના પરિણામરૂપે બીભત્સ કાર્યોથી અને ગંદકીથી ભરેલો સોનાનો પ્યાલો હતો. 5 તેના કપાળે એક નામ લખેલું હતું જેનો ગુપ્ત અર્થ આવો છે: “મહાનગરી બેબિલોન - પૃથ્વીની બધી વેશ્યાઓ અને વિકૃત ક્માચારીઓની માતા.” 6 મેં જોયું કે તે સ્ત્રી ઈશ્વરના લોકોનું અને ઈસુને વફાદાર રહેવાને લીધે શહીદ થયેલા લોકોનું લોહી પીને ચકચૂર બનેલી હતી. તેને જોઈને હું આશ્ર્વર્યચકિત થઈ ગયો. 7 દૂતે મને પૂછયું, “તું આશ્ર્વર્યમાં કેમ પડી ગયો? તે સ્ત્રીનો અને તેને વહન કરનાર સાત માથાં અને દશ શિંગડાંવાળા પશુનો ગુપ્ત અર્થ હું તને સમજાવીશ. 8 તેં જોયું તે પશુ એક સમયે જીવતું હતું. પણ અત્યારે જીવતું નથી. છતાં તે અગાધ ઊંડાણમાંથી આવવાની તૈયારીમાં છે અને તેણે નાશમાં જવાનું છે. પૃથ્વી પર વસનાર લોકો જેમનાં નામ જીવંત લોકોની યાદીના પુસ્તકમાં સૃષ્ટિના સર્જન અગાઉ લખવામાં આવ્યાં ન હતાં, તેઓ તે પશુને જોઈને આશ્ર્વર્ય પામશે. કારણ, એક સમયે તે જીવતું હતું. અત્યારે તે જીવતું નથી, પણ તે ફરીથી દેખાશે. 9 આ વાત તો જ્ઞાન અને સમજણ માંગી લે છે. સાત માથાં તે સાત ટેકરીઓ છે. અને એ ટેકરીઓ પર તે સ્ત્રી બેઠી છે. વળી, એ સાત રાજાઓ પણ છે. 10 જેમાંના પાંચનું પતન થયું છે, એક રાજ કરે છે અને એક હજી આવવાનો છે. તે આવે ત્યારે તે થોડો જ સમય ટકશે. 11 અને પેલું પશુ જે એકવાર જીવતું હતું, પણ અત્યારે જીવતું નથી, તે જ આઠમો રાજા છે. તે પેલા સાત રાજાઓમાંનો છે અને વિનાશમાં જવાનો છે. 12 જે દશ શિંગડાં તેં જોયાં, તે દશ રાજાઓ છે. તેમને હજી રાજ્યાધિકાર મળ્યો નથી, પરંતુ તેમને પેલા પશુ સાથે એક ઘડીભર રાજ્ય કરવાનો અધિકાર આપવામાં આવશે. 13 એ દશેદશ રાજાઓનો હેતુ એક જ છે અને તેમણે તેમનાં સત્તા અને અધિકાર પેલા પશુને આપ્યાં છે. 14 તેઓ હલવાનની વિરુદ્ધ લડશે, પણ હલવાન અને તેના આમંત્રિતો, પસંદ કરેલા અને વફાદાર અનુયાયીઓ તેમને હરાવશે. કારણ, તે હલવાન તો પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા છે. 15 દૂતે મને એ પણ કહ્યું, “જે ઘણાં પાણી તેં જોયાં, જેના પર પેલી વેશ્યા બેઠી છે, તે તો પ્રજાઓ, લોકો, રાષ્ટ્રો અને ભાષાઓ છે. 16 જે દશ શિંગડાં તેં જોયાં તે અને પેલું પશુ પણ વેશ્યાનો તિરસ્કાર કરવા લાગશે. તેઓ તેનું બધું જ પડાવી લેશે અને તેને નગ્ન કરી દેશે. તેઓ તેનું માંસ ખાઈ જશે અને તેને અગ્નિમાં સળગાવી દેશે. 17 કારણ, ઈશ્વરે પોતાનો ઇરાદો પૂરો કરવા તેમના હૃદયમાં એવું કરવાની ઇચ્છા મૂકી છે. જેથી ઈશ્વરનાં કથનો સાચાં ઠરે ત્યાં સુધી તેઓ એક મતના થઈ કાર્ય કરે અને પશુને તેમનો રાજ્યાધિકાર આપે. 18 જે સ્ત્રી તેં જોઈ તે તો પૃથ્વીના રાજાઓ પર શાસન ચલાવનાર મહાનગરી છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide