સંદર્શન 16 - પવિત્ર બાઇબલ C.L.ઈશ્વરના કોપના પ્યાલા 1 પછી મેં મંદિરમાંથી નીકળતી એક મોટી વાણી સાંભળી. તેણે સાત દૂતોને કહ્યું, “જાઓ, ઈશ્વરના કોપથી ભરેલા એ સાત પ્યાલાઓ પૃથ્વી પર રેડી દો!” 2 પહેલા દૂતે જઈને તેનો પ્યાલો પૃથ્વી પર રેડી દીધો. એથી પેલા પશુની છાપવાળા અને તેની મૂર્તિની પૂજા કરનાર લોકોના શરીર પર ભયાનક અને પીડાકારક ગૂમડાં ફૂટી નીકળ્યાં. 3 પછી બીજા દૂતે તેનો પ્યાલો સમુદ્ર પર ઠાલવી દીધો. તેથી પાણી મરેલા માણસના રક્ત જેવું થઈ ગયું અને સમુદ્રમાંનાં બધાં જીવજંતુ મરણ પામ્યાં. 4 પછી ત્રીજા દૂતે તેનો પ્યાલો નદીઓ અને ઝરણાં પર રેડી દીધો અને તેમનાં પાણી રક્ત બની ગયાં. 5 પાણી પર સત્તા ધરાવનાર દૂતને મેં એમ કહેતાં સાંભળ્યો, “હે પવિત્ર ઈશ્વર, તમારા આપેલા ચુકાદાની બાબતમાં તમે ન્યાયી છો; તમે વર્તમાનકાળમાં જેવા ન્યાયી છો, તેવા ભૂતકાળમાં યે હતા. 6 માણસોએ તમારા લોકોનું અને તેમના સંદેશવાહકોનું રક્ત રેડયું છે, અને એટલે જ તમે તેમને પીવા માટે રક્ત આપ્યું છે. તેઓ તેને માટે જ લાયક છે!” 7 પછી મેં વેદીનો પ્રતિભાવ પણ સાંભળ્યો: “હા પ્રભુ, સર્વશક્તિમાન ઈશ્વર, તમારા ચુકાદા ખરેખર સાચા અને ન્યાયી છે!” 8 પછી ચોથા દૂતે તેનો પ્યાલો સૂર્ય પર રેડી દીધો અને પોતાની ભયાનક ગરમીથી માણસોને શેકી નાખવાની તેને છૂટ આપવામાં આવી. 9 માણસો ભયાનક ગરમીથી બળવા લાગ્યા. તેમણે પોતાનાં પાપથી પાછા ફરીને ઈશ્વરની મહાનતાની પ્રશંસા કરી નહિ, પણ આ આફતો પર અધિકાર ધરાવનાર ઈશ્વરના નામને શાપ દીધો. 10 પછી પાંચમા દૂતે તેનો પ્યાલો પશુની ગાદી પર રેડી દીધો, 11 એટલે તેના રાજ્ય પર અંધકાર વ્યાપી ગયો અને માણસો વેદનાના માર્યા જીભો કરડવા લાગ્યા તથા પીડા અને ગૂમડાને લીધે સ્વર્ગમાંના ઈશ્વરને શાપ આપ્યો. તેઓ પોતાના ભૂંડા માર્ગોથી પાછા ફર્યા નહિ. 12 પછી છઠ્ઠા દૂતે તેનો પ્યાલો મહાનદી યુફ્રેટિસ પર રેડી દીધો. એટલે તે નદી સુકાઈ ગઈ કે જેથી પૂર્વથી આવનાર રાજાઓને માટે માર્ગ તૈયાર થાય. 13 વળી, મેં દેડકા જેવા ત્રણ અશુદ્ધ આત્માઓને પ્રચંડ અજગરના મોંમાંથી, પશુના મોંમાંથી અને જૂઠા સંદેશવાહકના મોમાંથી નીકળતા જોયા. 14 એ તો ચમત્કાર કરનાર ભૂતોના આત્માઓ છે. એ ત્રણ આત્માઓ, સર્વસમર્થ ઈશ્વરના મહાન દિવસે તેમની સામે યુદ્ધે ચઢવા આખી પૃથ્વીના રાજાઓને સંગઠિત કરવા નીકળી પડયા. 15 “સાંભળ! હું ચોરની જેમ આવું છું! જે કોઈ જાગૃત રહે છે અને પોતાને નિર્વસ્ત્ર થઈને ફરવું ન પડે તથા લોકો આગળ પોતાની શરમ જાહેર ન થાય માટે પોતાનાં વસ્ત્રની સંભાળ લે છે તેને ધન્ય છે.” 16 પછી પેલા આત્માઓએ જેને હાર-માગેદોન કહેવાય છે તે સ્થળે રાજાઓને એકઠા કર્યા. 17 પછી સાતમા દૂતે તેનો પ્યાલો વાતાવરણમાં રેડી દીધો અને મંદિરમાંના રાજ્યાસન પરથી એક મોટો અવાજ આવ્યો, “સઘળું પૂરું થયું!” 18 તે પછી વીજળીના ચમકારા, અવાજો, મેઘના કડાકા અને ભયાનક ધરતીકંપ થયા. મનુષ્યને સર્જવામાં આવ્યું તે દિવસથી આજ સુધી કદી પણ એવો ધરતીકંપ થયો ન હતો. એ સૌથી ભયાનક ધરતીકંપ હતો! 19 મહાનગરીના ત્રણ ભાગ થઈ ગયા. અને બધા જ દેશોનાં શહેરો નાશ પામ્યાં. ઈશ્વર બેબિલોન નગરીને ભૂલ્યા નહિ; પણ પોતાના કારમા કોપરૂપી દારૂનો પ્યાલો તેને પિવડાવ્યો. 20 બધા જ ટાપુઓ ખસી ગયા અને બધા જ પર્વતો અદૃશ્ય થઈ ગયા. 21 આકાશમાંથી માણસો ઉપર આશરે પચાસ પચાસ કિલોગ્રામના કરા પડયા અને એ કરાને લીધે માણસો ઈશ્વરને શાપ દેવા લાગ્યા. કારણ, એ તો સૌથી ભયાનક આફત હતી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide