Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સંદર્શન 14 - પવિત્ર બાઇબલ C.L.


ઉદ્ધાર પામેલાઓનું ગીત

1 પછી મેં જોયું તો હલવાન સિયોન પર્વત પર ઊભું હતું. તેની સાથે એક લાખ ચુમ્માળીસ હજાર લોકો હતા, જેમના કપાળે હલવાનનું નામ અને ઈશ્વરપિતાનું નામ લખવામાં આવ્યાં હતાં.

2 પછી મેં સમુદ્રનાં મોજાંના ધૂઘવાટ અને મેઘગર્જના જેવો અવાજ આકાશમાંથી સાંભળ્યો. વળી, વીણાવાદકો વીણા વગાડતા હોય તેવો અવાજ સાંભળ્યો.

3 તેઓ રાજ્યાસન, ચાર જીવંત પ્રાણીઓ અને વડીલોની સમક્ષ એક નવું ગીત ગાતા હતા. પૃથ્વી પરથી મૂલ્ય આપીને મુક્ત કરાયેલા એવા પેલા એક લાખ ચુમ્માળીસ હજાર લોકો સિવાય બીજું કોઈ એ ગીત શીખી શકાયું નહિ.

4 કારણ, એ જ લોકોએ સ્ત્રી સમાગમથી દૂર રહીને પોતાને શુદ્ધ રાખ્યા છે. તેઓ કુંવારા છે. હલવાન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેઓ તેની પાછળ જાય છે. માનવજાતમાંથી તેમને મૂલ્ય આપીને મુક્ત કરવામાં આવ્યા છે અને ઈશ્વરને તથા હલવાનને અર્પણ થનારાઓમાં તેઓ પ્રથમ છે.

5 તેઓ કદી જૂઠું બોલ્યા નથી અને નિષ્કલંક છે.


ત્રણ દૂતો

6 પછી મેં એક દૂતને ઊંચે હવામાં ઊડતો જોયો. તેની પાસે દરેક રાષ્ટ્ર, જાતિ, ભાષા અને પ્રજાને પ્રગટ કરવા માટે સાર્વકાલિક શુભસંદેશ હતો.

7 તેણે મોટે અવાજે પોકાર્યું, “ઈશ્વરનો ડર રાખો, અને તેમની મહાનતાની પ્રશંસા કરો! કારણ, તે માનવજાતનો ન્યાય કરે એ સમય આવી પહોંચ્યો છે. આકાશ, પૃથ્વી, સમુદ્ર અને ઝરણાંના સર્જનહારની ભક્તિ કરો.”

8 તેના પછી તરત જ બીજા દૂતે આવીને પોકાર્યું, “પડયું રે પડયું રે, મહાનગર બેબિલોન. તેણે પોતાના વ્યભિચારનો જલદ દારૂ બધા લોકોને પીવડાવ્યો છે.”

9 એ બે દૂત પછી ત્રીજો દૂત આવ્યો અને તેણે મોટે અવાજે પોકાર્યું, “જે કોઈ પ્રથમ પશુની અને તેની પ્રતિમાની ભક્તિ કરશે અને તેની છાપ કપાળે અથવા પોતાના હાથ પર લગાવશે,

10 તેણે પાણી મેળવ્યા વિના પાત્રમાં નિતારેલ જલદ દારૂ જેવો ઈશ્વરનો કોપ જાતે જ પીવો પડશે. એવું કરનારા બધા લોકો પવિત્ર દૂતો અને હલવાનની સમક્ષ અગ્નિ તથા ગંધકમાં રિબાશે.

11 તેમને રિબાવતા અગ્નિનો ધૂમાડો સદાસર્વકાળ ઊંચે ચડયા કરશે. પશુની કે તેની પ્રતિમાની ભક્તિ કરનાર અને તેના નામની છાપ લગાવનાર દરેકને રાતદિવસ ચેન પડશે નહિ.

12 આ બધું તો ઈશ્વરની આજ્ઞા પાળનાર અને ઈસુને વફાદાર રહેનાર ઈશ્વરના લોકો પાસેથી સહનશક્તિ માગી લે છે.

13 પછી મેં સ્વર્ગમાંથી એક વાણી સાંભળી, “આ વાત લખી લે: ‘હવે પછી પ્રભુ પરના વિશ્વાસમાં રહેતાં મરણ પામનારને ધન્ય છે!” આત્મા જવાબ આપે છે, “ખરેખર તેમને ધન્ય છે. તેઓ તેમના સખત પરિશ્રમમાંથી આરામ પામશે, કારણ, તેમનાં સેવાકાર્યનાં ફળ તેમની સાથે જાય છે.”


પૃથ્વીની કાપણી

14 પછી મેં જોયું તો એક સફેદ વાદળ દેખાયું. તે વાદળ પર માનવપુત્ર જેવી એક વ્યક્તિ બિરાજી હતી. તેમને શિરે મુગટ હતો. તેમના હાથમાં ધારદાર દાતરડું હતું.

15 પછી બીજો દૂત મંદિરમાંથી બહાર આવ્યો અને વાદળ પર બિરાજનારને બૂમ પાડીને કહ્યું, “તમારું દાતરડું ચલાવો અને ફસલ કાપવાની શરૂઆત કરો; કારણ, પૃથ્વીનો પાક પાકી ચૂક્યો છે અને લણવાનો સમય આવી પહોંચ્યો છે!”

16 પછી વાદળ પર બિરાજનારે પોતાનું દાતરડું ચલાવ્યું અને પૃથ્વીની ફસલ લણાઈ ગઈ.

17 પછી મેં બીજા એક દૂતને મંદિરમાંથી બહાર આવતો જોયો. તેની પાસે પણ ધારદાર દાતરડું હતું.

18 પછી અગ્નિ પર અધિકાર ધરાવનાર બીજો એક દૂત વેદીએથી બહાર આવ્યો. તેણે મોટે અવાજે ધારદાર દાતરડાવાળા દૂતને બૂમ પાડી, “તારું દાતરડું ચલાવ અને પૃથ્વીની દ્રાક્ષવાડીમાંથી દ્રાક્ષો કાપી લે, કારણ, દ્રાક્ષો પાકી ગઈ છે!”

19 તેથી દૂતે પોતાનું દાતરડું પૃથ્વી પર ચલાવ્યું અને દ્રાક્ષવેલા પરથી દ્રાક્ષો કાપીને ઈશ્વરના મહાન કોપના દ્રાક્ષકુંડમાં નાખી.

20 શહેર બહાર આવેલા દ્રાક્ષકુંડમાં તે દ્રાક્ષોને પીલીને તેમનો રસ કાઢવામાં આવ્યો અને તેમાંથી આશરે ત્રણસો કિલોમીટર લાંબી અને આશરે બે મીટર ઊંડી રક્તની નદી વહેવા લાગી.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan