સંદર્શન 13 - પવિત્ર બાઇબલ C.L.બે પશુઓ 1 પછી મેં એક પશુને સમુદ્રમાંથી બહાર આવતું જોયું. તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં. દરેક શિંગડા પર મુગટ હતો અને માથાં પર ઈશ્વરનિંદક નામો હતાં. 2 મેં જોયેલું પશુ ચિત્તા જેવું, તેના પગ રીંછના પગ જેવા અને મોં સિંહના મોં જેવું હતું. પેલા પ્રચંડ અજગરે એ પશુને તેની પોતાની સત્તા, ગાદી અને વિશાળ અધિકાર આપ્યા. 3 પશુનું એક માથું ઘવાયેલું લાગતું હતું, પણ તે જીવલેણ ઘા રુઝાઈ ગયો હતો. આખી પૃથ્વી આશ્ર્વર્યચકિત થઈને તે પશુને અનુસરવા લાગી. 4 બધા લોકોએ પ્રચંડ અજગરની ભક્તિ કરી. કારણ, તેણે પોતાનો અધિકાર એ પશુને આપ્યો હતો. તેમણે એ પશુની પણ ભક્તિ કરી અને કહ્યું, “આ પશુના જેવું કોણ છે? તેને કોણ હરાવી શકે?” 5 તે પશુને ભયંકર ઈશ્વરનિંદા કરવાની અને ગર્વિષ્ઠ દાવા કરવાની છૂટ આપવામાં આવી અને બેંતાળીસ મહિના સુધી તેને અધિકાર ચલાવવાની છૂટ આપવામાં આવી. 6 તે પશુ ઈશ્વરને, તેમના નામને, તેમના નિવાસસ્થાનને અને બધા સ્વર્ગવાસીઓને શાપ આપતું હતું. 7 તેણે ઈશ્વરના લોકો વિરુદ્ધ લડાઈ કરીને તેમને હરાવવાના હતા અને તેને દરેક જાતિ, પ્રજા, ભાષા અને રાષ્ટ્ર પર અધિકાર આપવામાં આવ્યો હતો. 8 બલિદાન કરાયેલા હલવાનના પુસ્તકમાં એટલે કે જીવંત લોકોની યાદીના પુસ્તકમાં જેમનાં નામ સૃષ્ટિના સર્જન અગાઉ નોંધવામાં આવ્યાં છે તે સિવાયના પૃથ્વી પર રહેનારા અન્ય સૌ કોઈ તેની ભક્તિ કરશે. 9 તો જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. 10 જે બંદીવાસમાં જવાના હોય તે બંદીવાસમાં જશે; જે તલવારથી માર્યા જવાના હોય, તે તલવારથી જ માર્યા જશે. આ બધું તો ઈશ્વરના લોકોમાં સહનશક્તિ અને વિશ્વાસ માંગી લે છે. 11 પછી મેં બીજું પશુ પૃથ્વીમાં આવતું જોયું. તેને હલવાનનાં શિંગડાં જેવા બે શિંગડાં હતાં. અને તે પ્રચંડ અજગરની જેમ બોલતું હતું. 12 તેણે પેલા પ્રથમ પશુની વિશાળ સત્તાનો તેની સમક્ષ ઉપયોગ કર્યો. તેણે પૃથ્વી અને તેના વસનારાઓ સર્વને પ્રથમ પશુની ભક્તિ કરવાની ફરજ પાડી. પ્રથમ પશુનો જીવલેણ ઘા રૂઝાઈ ગયો હતો. 13 આ બીજા પશુએ મોટા ચમત્કારો કરી બતાવ્યા; એટલે સુધી કે બધા માણસોના દેખતાં તેણે આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ ઉતાર્યો. 14 અને પ્રથમ પશુની હાજરીમાં તેને જે ચમત્કારો કરવા દેવામાં આવતા હતા તેને લીધે તે બધાં પૃથ્વીવાસીઓને ભુલાવામાં નાખતું હતું. પેલું પ્રથમ પશુ જે તલવારથી ઘવાયું હતું છતાં જીવતું હતું તેના માનમાં તેની પ્રતિમા બનાવવા તે લોકોને સમજાવતું હતું. 15 બીજા પશુને પ્રથમ પશુની પ્રતિમામાં પ્રાણ પૂરવાની સત્તા આપવામાં આવી હતી; જેથી તે પ્રતિમા બોલે અને જેઓ તેની ભક્તિ ન કરે તેમને તે મારી નાખે. તે બીજા પશુએ નાના કે મોટા, 16 અમીર કે ગરીબ, ગુલામ કે સ્વતંત્ર, સૌ કોઈને જમણા હાથ પર અને કપાળે છાપ લેવાની ફરજ પાડી. 17 એ છાપ વગર કોઈ વેચી કે ખરીદી શકે નહિ. તે છાપ તો પશુનું નામ અથવા તેના નામની સંખ્યા દર્શાવતો આંકડો છે. 18 આ તો બુદ્ધિ માંગી લે છે, જે કોઈ બુદ્ધિશાળી હોય તે પશુના આંકડા પરથી તેનું નામ શોધી કાઢી શકે છે; કારણ, એ આંકડો એક માણસનું નામ સૂચવે છે. તે આંકડો છસો છાસઠ છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide