સંદર્શન 12 - પવિત્ર બાઇબલ C.L.સ્ત્રી અને અજગર 1 એ પછી આકાશમાં એક રહસ્યમય દૃશ્ય દેખાયું. સૂર્યનું પરિધાન કર્યું હોય એવી એક સ્ત્રી હતી. તેના પગ તળે ચંદ્ર હતો અને તેને માથે બાર તારાનો મુગટ હતો. 2 તેને થોડા સમયમાં જ પ્રસૂતિ થવાની હતી, અને પ્રસૂતિની પીડાને લીધે તે બૂમો પાડતી હતી. 3 આકાશમાં બીજું એક રહસ્યમય દૃશ્ય દેખાયું. લાલ રંગનો એક પ્રચંડ અજગર દેખાયો. તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં. દરેક માથા પર મુગટ હતો. 4 તેણે પોતાની પૂંછડીના સપાટાથી ત્રીજા ભાગના તારાઓ ઘસડીને પૃથ્વી પર નાખ્યા. પેલી સ્ત્રી જેને પ્રસૂતિ થવાની હતી તેની સામે તે અજગર ઊભો રહ્યો કે જેથી બાળક જન્મે કે તે તરત જ તેનો ભક્ષ કરી જાય. 5 પછી તે સ્ત્રીએ એક છોકરાને જન્મ આપ્યો, જે સઘળી પ્રજાઓ પર લોહદંડથી રાજ્ય કરશે. પણ તે છોકરાને ઝૂંટવીને ઈશ્વર અને તેમના રાજ્યાસન પાસે લઈ જવાયો. 6 ઈશ્વરે રણપ્રદેશમાં તૈયાર કરી રાખેલી જગ્યામાં તે સ્ત્રી નાસી ગઈ. ત્યાં બારસો સાઠ દિવસ સુધી તેની સંભાળ લેવામાં આવશે. 7 પછી સ્વર્ગમાં યુદ્ધ જામ્યું. મીખાએલ અને તેના સાથી દૂતો તે પ્રચંડ અજગર વિરુદ્ધ લડયા. તે પ્રચંડ અજગરે પણ પોતાના દૂતોને સાથે રાખી સામી લડાઈ આપી. 8 પણ તે પ્રચંડ અજગરને હરાવવામાં આવ્યો અને તેનું તથા તેના દૂતોનું સ્વર્ગમાં કંઈ સ્થાન રહ્યું નહિ. 9 તેથી તે પ્રચંડ અજગરને નીચે પછાડવામાં આવ્યો! તે તો પ્રાચીન સર્પ, જે દુષ્ટ શેતાન તરીકે ઓળખાય છે તે જ છે. તે જ આખી દુનિયાને ગેરમાર્ગે દોરી જતો હતો. તેને તેના દૂતોની સાથે પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો. 10 પછી સ્વર્ગમાં મેં એક મોટી વાણી આમ બોલતાં સાંભળી, “હવે આપણા ઈશ્વરે વિજય પ્રાપ્ત કર્યો છે, હવે ઈશ્વરનું રાજ આવ્યું છે. હવે તેમના અભિષિક્તે પોતાનો અધિકાર સ્થાપિત કર્યો છે. કારણ, ઈશ્વરની સમક્ષ આપણા ભાઈઓ પર રાતદિવસ દોષારોપણ કરનારને સ્વર્ગમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો છે. 11 હલવાનના રક્તના પ્રતાપે અને પોતે પૂરેલી સાક્ષી દ્વારા આપણા ભાઈઓએ તેની પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તેને માટે તેમણે પોતાના પ્રાણની પણ પરવા કરી નહિ, બલ્કે મરણને ભેટવા તૈયાર થયા હતા! 12 તેથી ઓ સ્વર્ગ, અને સર્વ સ્વર્ગવાસીઓ હર્ષનાદ કરો! પણ પૃથ્વી અને સમુદ્ર તમને હાયહાય! કારણ, રોષે ભરાયેલો શેતાન તમારે ત્યાં ઊતરી આવ્યો છે અને તેને ખબર છે કે તેનો સમય પૂરો થવા આવ્યો છે.” 13 જ્યારે પ્રચંડ અજગરને ખબર પડી કે તેને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે ત્યારે તેણે છોકરાને જન્મ આપનાર સ્ત્રીનો પીછો પકડયો. 14 પણ તે સ્ત્રીને મોટા ગરુડની બે પાંખો આપવામાં આવી જેથી તે રણમાં જઈ શકે કે, જેથી ત્યાં સર્પના હુમલાથી તેનું રક્ષણ કરીને સાડાત્રણ વર્ષ સુધી તેની સંભાળ લેવામાં આવે. 15 પછી સર્પે પોતાના મોઢામાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ છોડયો કે જેથી તે સ્ત્રી તેમાં તણાઈ જાય. 16 પણ પૃથ્વીએ તે સ્ત્રીને મદદ કરી, અને પોતાનું મોં ઉઘાડીને પ્રચંડ અજગરે પોતાના મોઢામાંથી વહાવેલો પ્રવાહ પી ગઈ. 17 પ્રચંડ અજગર પેલી સ્ત્રી પર ખૂબ ક્રોધે ભરાયો અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરનાર અને ઈસુએ પ્રગટ કરેલા સત્યને વળગી રહેનાર સ્ત્રીના બાકીનાં સંતાન સામે યુદ્ધ કરવા નીકળી પડયો, અને તે પ્રચંડ અજગર સમુદ્ર કિનારે રેતીમાં ઊભો રહ્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide